સૌનૌ સાથ સૌનૌ વિકાસ - પ્રત્યેક ગુજરાતીના માથે રૃા.૩૩,૪૩૬નું દેવુ

Last Modified મંગળવાર, 6 માર્ચ 2018 (23:27 IST)

વિકાસ પાછળ આંધળી દોટ મૂકનાર ભાજપના શાસકોએ ગુજરાતને દેવાદાર બનાવવાની દિશામાં મૂકવા ય જાણે દોટ મૂકી છે તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમ કે, વિકાસના કામો કરવા જાહેર દેવા થકી રકમ મેળવનાર ભાજપ સરકાર વર્ષ ૨૦૧૮-૧૯માં રોજ રૃા.૧૦૦.૮૨ કરોડનું દેવુ કરશે જયારે રોજ વ્યાજપેટે રૃા.૫૫.૨૮ કરોડ ચૂકવશે.આ જોતાં પ્રત્યેક ગુજરાતીના માથે રૃા.૩૩,૪૩૬નું દેવુ થવા જઇ રહ્યુ છે. રાજ્યના વિકાસના કામો માટે જયારે રાજ્યની આવકો ઓછી પડે ત્યારે જાહેરદેવા થકી રકમ મેળવવી પડે છે. વર્ષ ૨૦૧૦-૧૧માં જાહેર દેવા દ્વારા રૃા.૧૬૬૮૧ કરોડ મેળવવામાં આવ્યા હતાં. હવે વર્ષ ૨૦૧૮-૧૯માં જાહેર દેવાની રકમ રૃા.૩૬૮૦૧ કરોડ મેળવાશે. દર વર્ષે રાજ્યના વિકાસના કામો માટે મૂડી આવક હેઠળ જાહેર દેવાથી રાજ્યના કુલ બજેટના ૧૫-૨૦ ટકા રકમ એકત્ર કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૭-૧૮ના સુધારેલા અંદાજના આંકડા પ્રમાણે,રાજ્ય સરકારે રૃા.૩૧,૭૦૧ કરોડ જાહેર દેવાથી એકઠા કરવા સૂચવવામાં આવ્યુ હતું.વર્ષ ૨૦૧૮-૧૯માં સરકાર મહિને રૃા.૩૦૬૬.૭૫ કરોડનું દેવુ કરશે જયારે મુદલ-વ્યાજપેટે રૃા.૧૬૮૧.૬૦ કરોડ ચૂકવશે.રાજ્ય સરકારના જાહેર દેવામાં વૃધ્ધિ નોંધાઇ રહી છે. દર વર્ષે જાહેર દેવામાં ૧૦-૧૨ ટકાનો વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૪-૧૫થી માંડીને વર્ષ ૨૦૧૭-૧૮ સુધી જાહેર દેવામાં ૯૦ ટકાનો વધારો થયો છે.જયારે વર્ષ ૨૦૦૬-૦૭થી માંડીને વર્ષ ૨૦૧૭-૧૮માં જાહેર દેવામાં ૧૯૭ ટકાનો વધારો થયો છે.આમ, આમ,દેવુ કરીને ઘી પીવા જેવો ઘાટ સર્જાયો છે. ગુજરાતમાં જાહેર દેવાનુ ભારણ વધી રહ્યુ છે જે અંતે તો,રાજ્યના નાગરિકોએ કરવેરો થકી જ ભરવાના રહે છે. જે રીતે જાહેર દેવુ વધી રહ્યુ છે તે જોતાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૧મી માર્ચના અંતે રાજ્યનુ કુલ દેવુ ૨ લાખ કરોડને આંબી જશે. નિષ્ણાતો કહે છેકે, સરકારની નીતિને પગલે વર્ષ ૨૦૨૧ સુધીમાં રાજયનુ દેવુ ત્રણ લાખ કરોડ સુધી પહોંચી જવાનો અંદાજ છે. વિકાસના નામે ભાજપ સરકાર વિવિધ યોજના થકી ધૂમ ખર્ચ કરી રહી છે. એક વિશ્લેષણ અનુસાર, ગુજરાત સરકાર છેલ્લા ત્રણેક વર્ષથી સરેરાશ દર વર્ષે ૩૫,૦૦૦ કરોડ દેવુ કરીને નાણાં મેળવે છે. આગામી વર્ષ ૨૦૧૮-૧૯માં ગુજરાતનુ દેવુ વધીને રૃા.૨૩૮૭૦૨ કરોડ થઇ જશે. નિષ્ણાતો કહે છેકે, વિકાસલક્ષી કામો પાછળ કરાતાં ખર્ચમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જયારે બીજી તરફ,બિન વિકાસલક્ષી કામો પાછળ ધૂમાડો થઇ રહ્યો છે. વિકાસલક્ષી કામો પાછળ ખર્ચમાં ઘટાડો થતાં રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસની પ્રક્રિયા પર અસર થઇ રહી છે.આ પણ વાંચો :