શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 6 માર્ચ 2018 (22:49 IST)

કેરીનો પાક 25 થી 30 ટકા ઓછો ઉતરતા ભાવમાં વધારો થયો

ઉનાળાનું આગમન થતાં જ સ્વાદશોખીનો કેરીની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. બજારમાં પણ ધીમે-ધીમે કેરીનું આગમન થઇ રહ્યુ છે, જો કે આ વખતે કેરીનો પાક 25 થી 30 ટકા ઓછો ઉતરતા કેરીના ભાવમાં થોડો વધારો થયો છે. ઉનાળો આવે એટલે અબાલવૃદ્ધ સૌ કોઇ કેરીની કાગના ડોળે રાહ જોતા હોય છે, પરંતુ આ વર્ષે સ્વાદરસિયાઓને કેરીનો સ્વાદ લેવો થોડો મોંઘો પડશે. કારણ કે આ વર્ષે કેરી મોડી આવી છે.

બીજી તરફ કેરીનો પાક પણ 25 થી 30 ટકા ઓછો ઉતર્યો છે. તાજેતરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે રાજ્યમાં પાકતી કેસર કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે તો કેસર ઉપરાંત દેશના વિવિધ ભાગમાંથી આવતી કેરીનો પાક પણ ઓછા પ્રમાણમાં આવી રહ્યો છે. વેપારીઓના મતે દર વર્ષે 20 ફેબ્રુઆરી આસપાસ કેરીની સીઝન શરૂ થાય છે. જે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં થઇ છે. વળી કેરીની આવક ઓછી હોવાથી ભાવ ઉંચા છે. અમદાવાદમાં રાજ્યના વલસાડ. તાલાળા, જૂનાગઢ અને કચ્છમાંથી તેમજ દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાંથી કેરી આવતી હોય છે. હાલમાં બજારમાં દક્ષિણ ભારતની ગોલાહાફૂસ અને રત્નાગીરિ હાફૂસ ઉપરાંત પાયરી, સુંદરી, તોતાપુરી કેરીઓ આવી ચૂકી છે. જ્યારે ગુજરાતની કેરીઓનું આગમન 20 એપ્રિલ આસપાસ થશે. કેરીના ભાવની જો વાત કરીએ તો કેરાલા હાફૂસ કે જે ગત વર્ષે 150 થી 175 રૂપિયે કિલો મળતી હતી. તે ચાલુ વર્ષે 200 થી 225 રૂપિયામાં મળી રહી છે. તો કેરાલાની સુંદરી-પાયરી જાતની કેરીનો ભાવ ગત વર્ષે 100 રૂપિયા હતો. જે ચાલુ વર્ષે વધીને 125 જેટલો થઇ ગયો છે. તો કેરાલા ગોલા-તોતા કેરી ગત વર્ષે 50 થી 60 રૂપિયે કિલો મળતી હતી. જે ચાલુ વર્ષે 80 થી 100 રૂપિયામાં મળી રહી છે.

બીજી તરફ રત્નાગિરી હાફૂસ કે જેનો ગત વર્ષનો ભાવ 150 થી 200 હતો. તે હાલમાં 200 થી 250 રૂપિયે કિલોના ભાવે મળી રહી છે. હાલ કેરીના ભાવ ઘણા ઊંચા છે  પરંતુ થોડા દિવસોમાં આવક વધતા કિંમતમાં ચોક્કસ પણે ઘટાડો થશે અને સ્વાદરસિયાઓ મન ભરીને કેરીનો સ્વાદ માણી શકશે.