સિંહોની સુરક્ષા માટે હવે ‘પ્રોજેક્ટ લાયન’ અમલમાં આવશે
સાસણ ગીરના એશિયાઈ સિંહો માટે હવે ‘પ્રોજેક્ટ લાયન’ અમલમાં આવી રહ્યો છે. જંગલ વિસ્તારની બહાર રહેલા સિંહોનાં રક્ષણ અને સંવર્ધન માટે આ ‘પ્રોજેક્ટ લાયન’ નો નજીકના ભવિષ્યમાં અમલ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના જૂનાગઢથી છેક ભાવનગર જિલ્લા સુધી ૧૪૦૦ ચો.કિ.મી. થી વધુ વિસ્તારમાં વિસ્તરેલા ગિર જંગલ વિસ્તારમાં વસતા પર૩ જેટલા એશિયાઈ સિંહો જંગલ ટુંકુ થતું હોવાના કારણે જંગલની બહાર નિકળી રહેણાંક વિસ્તારો સુધી પહોંચી જતા એ બાબત ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે વનવિભાગના અધિકારીઓ દ્વારા જંગલ બહાર નિકળી ગયેલા આવા ર૦૦ જેટલા સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે અભ્યાસ અને સંશોધન કર્યા પછી ‘પ્રોજેક્ટ લાયન’ બનાવી રાજ્ય સરકારમાં મંજુરી અર્થે મોકલ્યો હતો
આ પ્રોજેક્ટને રાજ્ય સરકારે મંજુરીની મહોર મારી છે. ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડો.એ.પી.સીંઘ કહે છે કે જે રીતે બંગાળમાં પ્રોજેક્ટ ટાઈગર, આસામમાં પ્રોજેક્ટ એલીફન્ટ અને ઉત્તર ભારતના જંગલોમાં પ્રોજેક્ટ રાઈનોઝ અમલમાં છે તે રીતે સૌરાષ્ટ્રના ગિર જંગલની બહાર નિકળેલા ર૦૦ જેટલા સિંહોના રક્ષણ-સંવર્ધન સહિતની કામગીરી માટે ‘પ્રોજેક્ટ લાયન’ નો ટુંક સમયમાં અમલ કરવામાં આવી રહ્યો છે. ગિર જંગલોની સીમા પર સિંહ અને માણસો વચ્ચેના સહઅસ્તીત્વના ઘણા કિસ્સા ચર્ચામાં આવ્યા છે પણ હવે આ સિંહો ગિર કે ગિરનાર જંગલના 25 કિ.મી. દુર સુધી પહોંચી શિકાર કર્યો હોવાના કિસ્સા પણ નોંધાયા છે ત્યારે આ સિંહો પર ખાસ પધ્ધતિ દ્વારા નજર રાખવા અને તેના રક્ષણ-સંવર્ધન સહિતની કામગીરી ટુંક સમયમાં ‘પ્રોજેક્ટ લાયન’ નીચે શરૃ થશે.