ઈશરત કેસમાં CBIએ અમિન અને વણઝારાની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કર્યો
15મી જુન, 2004ના રોજ અમદાવાદના કોતરપુર વોટર વર્ક્સ પાસે ઇશરત જહાં અને તેના ત્રણ સાગરિતો એવા જાવેદ શેખ, અમજદ અલી, અકબર અલી રાણાને ગુજરાત પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. પોલીસે દાવો કર્યો હતો કે, લશ્કર-એ-તૈયબાના આ ચાર આતંકવાદીઓ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવ્યા હતા. ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. જેમાં આ એન્કાઉન્ટરને નકલી ગણાવવામાં આવ્યું હતું.
ત્યાર બાદ આ કેસની તપાસ સી.બી.આઈ.ને સોંપવામાં આવી હતી. સી.બી.આઈ.એ ગુજરાતના પૂર્વ આઈ.પી.એસ. અધિકારી ડીજી વણઝારા અને પૂર્વ એસ.પી. એન.કે. અમિનને ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાંથી મુક્ત કરવાનો વિરોધ કર્યો છે. અમદાવાદ સ્થિત સી.બી.આઈ.ની વિશેષ અદાલતને સોંપવામાં આવેલા સોગંદનામામાં કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું છે કે, તેની પાસે આ મામલે બન્ને આરોપીઓ સામે પુરતા પુરાવાઓ છે.ડીજી વણઝારા અને એન.કે. અમિને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવા માટે અરજી કરી હતી. જેમાં ડીજી વણઝારાએ પોતાના પર લાગેલા આરોપ રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. તેનું કહેવું છે કે, તેના પર લાગેલા આરોપ ડી.જી.પી. પી.પી. પાંડે જેવા જ છે, જેમને આ કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આથી તેને પણ ડિસ્ચાર્જ કરી દેવા જોઈએ.જ્યારે એન.કે. અમિનનું કહેવું છે કે, તેની સામે કોઈ ગુનાહીત પુરાવાઓ ન હોવાથી તેને કેસમાંથી મુક્ત કરવા જોઈએ. આ અરજીઓ 14 એપ્રિલના રોજ સુનાવણી કરવાની હતી, પણ સી.બી.આઈ.એ જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય માગ્યો હોવાથી તેની સુનાવણી રોકવામાં આવી હતી.