ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી બાદ કાચ વાળા માંઝા પર પણ પ્રતિબંધ લાદવાની શક્યતાઓ
ગુજરાતનું ગૃહ મંત્રાલય હવે કાંચ પાયેલા માંજા પર પ્રતિબંધ લાદવાની ગંભીર વિચારણા કરી રહ્યું છે. આ સાથે ચાઈનીઝ માંજા પર પણ પ્રતિબંધ લાદવાની વિચારણા ચાલી રહી છે. માંજાને કારણે ગળુ કપાવાની ઘટના વધતા ગૃહમંત્રાલયે આ નિર્ણય કર્યો છે. ૨૦૧૮માં ૧૬ લોકોએ પતંગને લગતી દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા હતા જેમાંથી મોટા ભાગના મોત માંજાને કારણે ગળુ કપાવાથી થયા હતા.
આ વર્ષે ઉત્તરાણને હજુ પંદર દિવસની વાર છે ત્યારે જીવલેણ માંજાએ ૨૨ વર્ષના યુવાન મેહુલ સિંહ ડાભીનો જીવ લીધો છે. હાટકેશ્વર ફલાય ઓવર પર જીવલેણ માંજાને કારણે તેનું ગળુ કપાઈ ગયુ હતુ. બીજો એક ૩૦ વર્ષનો યુવાન અંકિત ખરાડી રવિવારે માંજાને કારણે ગળુ કપાતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તે સોલા ઓવરબ્રિજ પર ટુવ્હીલર પર જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. ગૃહમંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ આખા રાજયમાં માંજાને કારણે ગળુ કપાવાના બનાવો વધી રહ્યા છે. હોમ સેક્રેટરી બ્રિજેશકુમાર ઝાએ જણાવ્યું, 'એક વાર અમને ડેટા મળે પછી અમે તેનો અભ્યાસ કરીશું અને તેના પરિણામ સરકાર સામે રજૂ કરીશું કે કાંચ પાયેલા માંજા પર પ્રતિબંધ મૂકવો કે નહિ.' ઝાએ જણાવ્યું કે આ વર્ષે ઘણું મોડુ થઈ ગયુ હોવાથી પ્રતિબંધ લાદવો શકય નથી કારણ કે ફીરકીના વેપારીઓને ઘણું મોટું નુકસાન થઈ શકે છે.