શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 21 માર્ચ 2020 (11:08 IST)

હું ભારતનો યુવા નેતા છું, નીતિન પટેલ માત્ર ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા - જિજ્ઞેશ મેવાણી

ગુજરાત વિધાનસભામાં શુક્રવારે વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું. બજેટ સત્રમાં કૉંગ્રેસના ધારાસભ્યોની ગેરહાજરી વચ્ચે આદિવાસીઓનાં સવાલો પર જિજ્ઞેશ મેવાણીએ શુક્રવારે વિધાનસભામાં રજૂઆત કરી હતી. ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાત વિધાનસભામાં આગામી રાજ્યસભાની ચૂંટણી માટે નીતિન પટેલે દલિત નેતા જિજ્ઞેશ મેવાણી ભાજપના આદિવાસી ઉમેદવારને મત આપે તેવી વાત કરી હતી.
 
આ મુદ્દે જિજ્ઞેશ મેવાણીનો ગુસ્સો ફૂટ્યો હતો અને તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રીય દલિત યુવા નેતા છે જ્યારે નીતિન પટેલ માત્ર ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા છે.
આના જવાબમાં નીતિન પટેલે કહ્યું કે, હું નેતા નથી, હું કાર્યકર છું. હવામાં ન ઉડો, ઘણાં આવ્યા અને જતા રહ્યાં. જ્યારે ગૃહમાં વન અને પર્યાવરણ વિભાગ, જંગલ અને આદિવાસીઓના વિકાસ અને મહિલા તેમજ બાળ વિકાસ વિભાગ મામલે ચર્ચા ચાલી રહી હતી ત્યારે આની શરૂઆત થઈ.
 
ગૃહમાં વિપક્ષમાંથી માત્ર મેવાણી હાજર હતા કેમ કે કૉંગ્રેસના તમામ ધારાસભ્યો હાલ રાજ્યસભાની ચૂંટણીના પગલે ભાજપ દ્વારા હૉર્સ ટ્રેડિંગના ખતરાને પગલે જયપુરમાં છે. મેવાણીએ વિભાગના બજેટની જોગવાઈઓનો વિરોધ કર્યો.