આ વખતનું બજેટ પ્રજાલક્ષી હશે અને તેમાં દરેકનું ધ્યાન રખાશે - રૂપાણી
આર્મી ડેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા છે. તેમણે શહેરના રેસકોર્સ મેદાનમાં શહીદ જવાનોને યાદ કરી સલામી આપી હતી. આ પ્રસંગે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આર્મી ડે ભારતની સેના સીમાડે સજાગ છે ત્યારે આપણે નિરાંતનો શ્વાસ લઇએ છીએ. માતૃ ભૂમિ પ્રત્યે પોતાના જાન ન્યોછાવર કરેલા જવાનોનું સન્માન કરીએ તેટલું ઓછું પડે. આગામી દિવસોમાં રજૂ થનાર બજેટને લઇને કહ્યું હતું કે, કેન્દ્રીય બજેટ આગામી 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે ત્યારે ગુજરાત રાજ્યનું બજેટ આગામી 20 ફેબ્રુઆરી બાદ રજૂ થશે. ત્યારે આગામી બજેટમાં સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવશે. તેમજ આગામી રજૂ થનાર બજેટ સૌના હિતમાં હશે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા કરતા આ વખતે યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઓછી સીટ મળી છે. ત્યારે આ બજેટના માધ્યમથી સરકાર પોતાનાથી નારાજ હોય તેવા પણ તમામ વર્ગોના હિતનું પણ ધ્યાન રાખશે તેવું ચોક્કસ કહી શકાય.