શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 જાન્યુઆરી 2018 (11:54 IST)

ખાતાના ખટરાગ બાદ ભાજપના રાજકીય ડ્રામાનો અંત, નિતિન પટેલે આખરે પદભાર સંભાળ્યો

ગુજરાતમાં પાટીદાર પાવર સામે ભાજપ હાઇકમાન્ડ ઝૂક્વુ પડયુ અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની માંગણીને ભાજપ હાઇકમાન્ડે સ્વિકારવી પડી છે. નિતીન પટેલને નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે જેના પગલે ભાજપમાં આંતરિક ઘમાસાણ હાલ પુરતુ શમ્યુ છે. નિતીન પટેલની જીદ સામે ભાજપે માથુ ટેકવતાં મહેસાણામાં તો પાટીદારોએ ફટાકડાં ફોડી જશ્ન મનાવ્યો હતો. શનિવારે દિવસભર અમદાવાદ સ્થિત નિવાસસ્થાને પાટીદાર નેતા,આગેવાનોનો જમાવડો કરી નિતીન પટેલે ભાજપ સામે લડી લેવાનો મૂડ પ્રદર્શિત કર્યો હતો.આ વખતે પાટીદારોએ નિતીન પટેલને પડખે રહીને ભાજપ હાઇકમાન્ડને રાજકીય સબક શિખવાડવા નક્કી કર્યુ હતું.

૧૫૦નો લક્ષ્યાંક રાખનાર ભાજપને આ વખતે ૯૯ બેઠકોથી સંતોષ માનવો પડયો હતો.માત્ર ગણતરીના ૧૦ બેઠકોનો અંતર હોવાથી ભાજપને કયાંક નિતીન પટેલ કેસરિયા કરે તેવો ભય દેખાતો હતો જેના લીધે હાઇકમાન્ડે પાટીદાર પાવર સામે નમવુ પડયુ હતું.આખરે નિતીન પટેલને નાણાંવિભાગની જવાબદારી આપવી પડી હતી. જોકે, શહેરી વિકાસ ન આપીને ભાજપ હાઇકમાન્ડે પોતાનો હાથ રાખવાની કોશિશ કરી હતી. રવિવારે નિતીન પટેલે પત્રકારો સમક્ષ એ વાત કબૂલી હતીકે,વહેલી સવારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ફોન આવ્યો હતો તેમણે મારી માંગ સ્વિકારી હતી. મારી કોઇ સત્તા,ખાતા મેળવવાની લડાઇ નથી,બલ્કે નાયબ મુખ્યમંત્રીના મોભો જળવાઇ રહે તે માટે હાઇકમાન્ડ સમક્ષ વાત કરી હતી. સૂત્રો કહે છેકે, અમિત શાહે નિતીન પટેલને કહ્યું કે,તમે પદભાર સંભાળો,તમને મોભા મુજબ ખાતા મળશે. આવી ખાતરી મેળવ્યા બાદ જ નિતીન પટેલ રવિવારે સચિવાલય દોડયા હતાં.જયાં તેમણે પૂજા અર્ચના કરીને પદભાર સંભાળ્યો હતો. મહત્વની વાત તો એ હતી કે,સચિવાલયમાં ચાર્જ સંભાળ્યો ત્યાં સુધી કયુ ખાતુ અપાશે તેની જાણ કરાઇ ન હતી પણ નિતીન પટેલને ચોક્કસ ખાતરી હતીકે,તેમને હાઇકમાન્ડ નાણુ ખાતુ જ આપશે. બપોરે બે વાગે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ રાજ્યપાલ ઓ.પી.કોહલીને નાયબ મુખ્યમંત્રીને નવા ખાતા સોંપવા અંગેનો એક પત્ર લખ્યો હતો. આખરે નિતીન પટેલને નાણાં વિભાગ જ અપાયુ છે તેવી જાણ કરાઇ હતી.જોકે,શહેરી વિકાસખાતુ મુખ્યમંત્રી પાસેથી પરત લઇ કદ વધારવાની નિતીન પટેલની ઇચ્છા પૂર્ણ થઇ શકી ન હતી. મોડી સાંજે ચીફ સેક્રેટરીએ સત્તાવાર રીતે નોટિફિકેશન જારી કરીને નિતીન પટેલને નાણાંવિભાગ સોંપાયા હોવાની જાહેરાત કરી હતી. શનિવારે મોડી રાત્રે ધારાસભ્ય બાબુ જમનાના નિવાસસ્થાને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને મંત્રી કૈાશિક પટેલે નિતીન પટેલને સમજાવવા ઘણાં પ્રયાસો કર્યાં હતાં પણે તેઓ માન્યા ન હતાં. આખરે મોડી રાત્રે ભાજપે શાંતિદૂત તરીકે સહપ્રભારી વી.સતીષને દિલ્હીથી દોડાવ્યા હતાં. વી.સતિષે નિતીન પટેલને ખાતાના મુદ્દે ઉભી થયેલી રાજકીય પરિસ્થિતીનો અંત લાવવા સમજાવટ હાથ ધરી હતી. નિતીન પટેલે એક રટણ રટયું હતું કે,ડેપ્યુટી સીએમના મોભા મુજબના ખાતા મળવા જોઇએ,માન સન્માનનો સવાલ છે. સિનિયોરિટીને ધ્યાનમાં રાખીને ખાતા આપો. નિતીન પટેલે નાણાં અને શહેરી વિકાસ ખાતુ મેળવવામાં રસ દાખવ્યો હતો. પણ ભાજપ હાઇકમાન્ડે નાણાં વિભાગ આપી ભાજપના ખટરાગને શમાવી દીધો હતો. સચિવાલયમાં પૂજા અર્ચના કરી પદભાર સંભાળ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સીધા જ પોતાના મતવિસ્તાર મહેસાણા પહોંચ્યા હતાં. જયાં પાટીદારોએ ફટાકડાં ફોડીને જશ્ન ઉજવ્યો હતો.