સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 ડિસેમ્બર 2017 (11:34 IST)

યુવાનો-ખેડૂતો ભાજપથી નારાજ, આંદોલનોનો જુવાળ ફરીથી ચાલુ થયો

ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ભાવ ન મળતા હોવાથી અને યુવાનોને મોંઘી ફી ચૂકવીને ભણ્યા પછી રોજગારી ન મળતી હોવાથી ખેડૂતો અને યુવાનો ભાજપથી સખત નારાજ છે. તાજેતરમાં જ પૂરી થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેથી જ યુવાનો અને ખેડૂતોએ ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. તેમની પરિસ્થિતિમાં સુધારો નહિ લાવે તો ૨૦૧૯ની સાલમાં લોકસભાની ચૂંટણીમાં તેમના મત મેળવવા કઠિન બની જશે.

ગુજરાત મોડેલને ખરેખર સફળ બનાવવા અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે ખરેખર યુવાનોને રોજગારી મળે તેવો વિકાસ કરી દેખાડવો પડશે. તેમ જ કૃષિ ઉપજ વધારવા સતત મથતા ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ભાવ અપાવવા પડશે. ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કર્યા પછી સરકારે ટેકાના ભાવે ધાન્યની પૂરતી ખરીદી કરવી પડશે. ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૃઆત કર્યા પછી માત્ર ૫ લાખ ટન મગફળી ખરીદી લીધા બાદ સરકારે ખરીદી અટકાવી દીધી હોવાથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને અમદાવાજ જિલ્લાના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. જામનગર જિલ્લાના કાલાવાડ જિલ્લાના ખેડૂતોએ ટ્રાફિક જામ કરી દીધો હતો. તેમની ફરિયાદ છે કે વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરું થયા પછી મગફળીની કોઈ જ ખરીદી કરવામાં આવી નથી. સરકારે મણના રૃા. ૯૦૦ના ભાવે મગફળી ખરીદવાની બાંયધરી આપી હતી. પરંતુ ચૂંટણી પૂરી થયા પછી ખરીદી થતી જ ન હોવાથી ખેડૂતો બજારમાં વેચવા જાય તો તેમને એક મણે (૨૦ કિલોએ) રૃા. ૨૫૦થી રૃા. ૩૦૦નો ફટકો પડી રહ્યો છે. સરકારે ટેકાના ભાવે માત્ર ૪૫ ટકા મગફળી જ ખરીદી છે. તેની સામે ૫૫ ટકા મગફળી હજીય ખેડૂતોના હાથમાં જ પડી છે. ખેડૂતોને બજારમાં ટેકાના ભાવથી ૩૦ ટકા ઓછા ભાવ મળી રહ્યા છે. કિસાન અધિકાર મંચના ભરતસિંહ ઝાલાનું કહેવું છે કે સરકારે ખેડૂતોન પડતી પડતર કિંમતનો સરેરાશ અંદાજ કાઢીને તેને આધારે તેમણે ટેકાના ભાવ નક્કી કરીને ખરીદી કરવી જોઈએ. અત્યારની માફક ચૂંટણી પૂર્વે થોડીક ૬૦ ટકા જેટલી ખરીદી કર્યા બાદ પછી ખરીદી બંધ કરી દેવાનું વલણ ઉચિત નથી. કૃષિ ઉત્પાદનના લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરતી વખતે ફૂગાવાના દરને પણ ધ્યાનમાં લેવાવો જોઈએ. એક હેક્ટર જમીન (૧૦ વિઘા)માં પાક લેવા માટે ખેડૂતોએ રૃા. ૬૫૦૦૦નો ખર્ચ કરવો પડે છે. તેની સામે તેને યોગ્ય વળતર મળતું જ નથી. તેમાં સિંચાઈનો ખર્ચ સૌથી વધુ આવે છે. એક હેક્ટરે સિંચાઈ માટે એક સીઝનમાં રૃા. ૨૨૦૦૦ની આસપાસનો ખર્ચ કરવો પડે છે. આ ખર્ચ ઘટે તે માટે સરકારે સિંચાઈની ખેતર સુધીની સુવિધા આપવી જોઈએ. નહેરના વાલ્વ તેમના ખેતર સુધી ગોઠવી આપવા જોઈએ. તેમ થાય તો ખેડૂતોની પડતર ૨૫થી ૩૦ ટકા નીચે આવી શકે છે. કારણ કે સિંચાઈ માટે ખેડૂતોએ બે બે મજૂરોને દિવસો સુધી રાખીને પગાર ચૂકવવા પડે છે. છ મહિના મહેનત કરનાર ખેડૂતને તેની ઉપજના ભાવ મળતા નથી. તેની સામે સવારે હોલસેલ માર્કેટમાંથી શાકભાજી લાવીને સાંજે વેચી દેનારા શાકવાળાઓ રોજના રૃા. ૧૦૦૦ની આવક કરી લે છે. તેમની તુલનાએ ખેડૂત અત્યંત કંગાળ છે. તેમનું કહેવું છે કે ગુજરાતમા અંદાજે ૫૮ લાખ ખેડૂતો છે. તેમાંથી ૩૧ લાખ ખેડૂતો તો માત્ર ને માત્ર ખેતીની આવક પર જ નભે છે. તેમને અપેક્ષા કરતાં ઘણી જ ઓછી આવક થાય છે. તેની સામે હોલસેલર અને રિટેઈલર્સ તગડી કમાણી કરે છે. ગુજરાતમાં શાકભાજીના ૧૪ લાખ ફેરિયાઓ રોજના રૃા. ૧૦૦૦ની ચોખ્ખી આવક કરે છે. બીજી તરફ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ તેની ચરમસીમાએ હોવાના સતત દાવાઓ બે દાયકાથી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેની સામે ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી વિદ્યાર્થીઓને કે યુવાનોને અપેક્ષા પ્રમાણેની નોકરીઓ મળતી નથી. એન્જિનિયરોને ૧૫૦૦૦ના પગારની નોકરી માંડમાંડ મળે છે. તેથી ઔદ્યોગિક વિકાસ અને રોજગારી નિર્માણ અંગેના સરકારના દાવાઓ પોકળ હોવાની પ્રતીતી યુવાનોને થઈ ગઈ છે.