શનિવાર, 12 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 માર્ચ 2021 (11:13 IST)

ગુજરાતમાં કોઈ દિવસનો કરફ્યુ કે લોકડાઉન થવાનુ નથી, લોકો જરાય ભયભીત બને નહીં: વિજય રૂપાણી

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ બાદ લોકડાઉન અને કરર્ફ્યુંની અફવાઓએ જોર પકડ્યું છે. દરરોજ નવી અફવાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતી થાય છે ત્યારે આ પ્રકારની અફવાઓનું ખંડન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોઇ લોકડાઉન થવાનું નથી અને માત્ર રાત્રિ  કરર્ફ્યું  છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનની અફવાઓ વિશે કહ્યું કે, માત્ર ગુજરાતમાં જ સંક્રમણ વધ્યુ છે તેવુ નથી, અનેક રાજ્યોમાં ગુજરાત કરતા વધુ કેસ છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારપૂર્વક સ્પષ્ટતા કરી છે કે, કોરોના કેસમાં ઉછાળો નોંધાયો હોવા છતાં લોકડાઉન જાહેર કરવાનો કોઈ પ્રસ્તાવ નથી એટલે લોકો જરાય ભયભીત બને નહીં. તેમણે ઉમેર્યું હતું કે, કોવિડ હોસ્પિટલમાં પથારીની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાઈ ગયો છે અને સારવારમાં ક્યાય તકલીફ ઊભી થાય નહીં તેનું તંત્ર ખાસ ધ્યાન રાખશે. કોરોનાનું ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને વેક્સિનેશનનું પ્રમાણ નોંધપાત્ર સ્તરે વધારવાનો નિર્ધાર વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, લોકો સ્વયંશિસ્તનું પાલન કરે અને ભીડભાડથી દૂર રહે. 
 
કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા માટે ગામ શહેરમાં લોકો અગમચેતીનું પાલન કરતાં થયા હોવાના દાખલા બહાર આવી રહ્યા છે. પાલિતાણામાં શેત્રુંજય પર્વત ઉપર 26 માર્ચે યોજાનાર છ ગાઉની યાત્રાનું આયોજન રદ કરવાનો નિર્ણય જૈન સમાજના આગેવાનોએ લીધો છે તો આણંદના પીપલાવ ગામે સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરી જાગૃતિનો પરચો આપ્યો છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જિમ તથા સ્વિમિંગ પુલ બંધ રાખવા નિર્ણય કર્યો છે.
 
તેમણે વધુમાં કહ્યું કે, ભૂતકાળમાં ત્રણવાર કોરોનાની પીક લહેર આવી ચૂકી છે. ત્યારે પણ સંયમપૂર્ણ ધૈર્ય સાથે એ પીકને પણ વટાવી છે. સરકારે બધી તૈયારી કરી છે. લોકોએ પેનિક થવાની જરૂર નથી. પણ સાવચેત રહેવાની જરૂર છે. તેથી જ બધા અવશ્ય માસ્ક પહેરે. ભીડે એકઠી ન કરો. સોશિયલ ડિસ્ટન્સ જળવાય જરૂરી છે. તકેદારી રાખવી જોઈએ. હાલ બે જ ઈલાજ છે. માસ્ક અને વેક્સીનેશન, તેથી માસ્ક પહેરો અને વેક્સીનેશન ઝડપથી કરાવો. આ સાયકલને સારી રીતે પાર પાડીશું અને સંક્રમિત લોકોને સરાકરે ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરી છે. ઝડપથી સાજા થાય તે રીતની વ્યવસ્થા કરી છે.