ગુરુવાર, 1 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શનિવાર, 30 ડિસેમ્બર 2017 (12:07 IST)

મારા છિનવાયેલા ખાતા પાછા આપો નહી તો મંત્રી તરીકે રાજીનામું : નીતિન પટેલ

ગુરુવારે મળેલી પ્રથમ કબિનેટ બેઠકમાં મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા હતા, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસેથી મહત્વના બે ખાતા અન્ય મંત્રીને સોંપાતા નિતિન પટેલ નારાજ જોવા મળ્યાં હતા તેમની પાસેથી નાણાં ખાતુ લઈ સૌરભ પટેલને સોંપવામાં આવ્યું છે અને શહેરી વિકાસ ખાતું સીએમએ રૂપાણીએ પોતાના પાસે રાખ્યું છે. જેને લઈને તેમણે પત્રકાર પરિષદમાં પણ મૌન રાખ્યું હતું. સૂત્રો અનુસાર ખાતાની વહેંચણીને લઈને થયેલા અપમાનથી નારાજ નિતિન પટેલને મનાવવા ભાજપે મોવડીમંડળ બે-ત્રણ દિવસનો સમય માગ્યો છે.

જો નિતિન પટેલનું માન જળવાય તેવું પગલું ભાજપ મોવડીમંડળ દ્વારા નહીં લેવામાં આવે તો કદાચ નીતિન પટેલ મંત્રીમંડળમાંથી રાજીનામું આપે તેવી પ્રબળ સંભાવના છે. સૂત્રો પ્રમાણે ખાતાની ફાળવણીને લઈને નારાજ નીતિન પટેલ શુક્રવારે રાત્રે સ્વર્ણિમ સંકુલથી નીકળીને સીધા જ અમદાવાદના થલતેજના મણિભદ્ર સોસાયટી ખાતે આવેલા નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમને મળવા માટે સંખ્યાબંધ સમર્થકો ઉપસ્થિત હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શોનું ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટન પછી તેમણે પત્રકારો સાથે વાત કરી હતી. આ સમયે પત્રકારો દ્વારા નીતિન પટેલ નારાજ હોવાના અહેવાલ મુદ્દે પ્રશ્ન પૂછાતા રૂપાણીએ જવાબ આપવાનું ટાળ્યું હતું અને ત્યાંથી નીકળી ગયા હતા. ગુજરાતમાં ભાજપે ભલે સત્તા મેળવી લીધી હોય પરંતુ ખાતા ફાળવણીમાં ભાજપમાં ઉકળતો ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નારાજ હોવાનું અને હજી તેમમની નારાજગી ઓછી ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે તેઓ ઓફિસ પણ આવ્યો ન હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ભાજપ હાઈકમાન્ડમાંથી કોઈ તેમને મનાવવા આવશે ત્યારે તેમની નારાજગી દૂર થશે. તેમને યોગ્ય સન્માન નહીં મળે ત્યાં સુધી તેઓ ઓફિસ નહીં આવે તેમ નજીકના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. પૂર્વ સરકારમાં નીતિન પટેલને અન્ય ખાતાઓની સાથે નાણાં અને શહેરી વિકાસ ખાતું ફાળવવામાં આવ્યું હતું. જોકે આ વખતે રૂપાણી સરકારમાં તેમને નાયબ મુખ્યમંત્રીનું પદ અપાયું પણ તેમની પાસેથી નાણાં અને શહેરી વિકાસ ખાતું છીનવી લેવામાં આવ્યું છે. નાણાં ખાતું સૌરભ પટેલને અને શહેરી વિકાસ ખાતું મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખી લીધું છે. આ બાબતને લઈને જ નીતિન પટેલ નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત નીતિન પટેલને મહેસૂલ ખાતું જોઈતું હોવાની વાત પણ ચર્ચાતી હતી જોકે આ ખાતું પણ તેમને ન સોંપાતા કૌશિક પટેલને આપવામાં આવ્યું છે.