હજીરામાં L&Tના 5000 કર્મચારીઓનો ભારે હંગામો : આગચંપી અને તોડફોડ બાદ પોલીસનો લાઠીચાર્જ
Panipat Death Sparks AMNS Surat Worker Strike
સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AM/NS) પ્લાન્ટમાં નિર્માણધીન પ્રોજેક્ટમાં કાર્યરત L&Tના અંદાજે 5000 જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ આજે વહેલી સવારથી હોબાળો મચાવ્યો હતો. કર્મચારીઓની મુખ્ય માંગણી પગાર વધારો, 12 કલાકના બદલે 8 કલાકની ડ્યુટી અને ઓવરટાઈમનો ડબલ રેટ આપવાની હતી. પાણીપતમાં L&Tના કર્મચારીઓના વિવાદના વીડિયો વોટ્સએપ પર વાયરલ થયા બાદ અહીંના શ્રમિકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ગણતરીની મિનિટોમાં વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.
કંપનીની મિલકતોમાં તોડફોડ અને આગચંપી
ઉશ્કેરાયેલા કર્મચારીઓના ટોળાએ કંપની પરિસરમાં ભારે ઉત્પાત મચાવ્યો હતો. તોફાની તત્વોએ ઓફિસના પંખા, ટેબલ અને એન્ટ્રી-એક્ઝિટ માટેના અત્યાધુનિક મશીનો તોડી નાખ્યા હતા. એટલું જ નહીં, હિંસા એટલી વકરી હતી કે ટોળાએ કંપનીની 3 ફાયર ફાઈટર ગાડીઓમાં તોડફોડ કરી અને 4 જેટલા બાઈકને આગને હવાલે કરી દીધા હતા. કર્મચારીઓનો આરોપ છે કે જ્યારે તેઓ શાંતિથી રજૂઆત કરવા ગયા ત્યારે સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો, જેના કારણે મામલો બિચક્યો હતો.
પોલીસ કાર્યવાહી: ટીયરગેસ અને લાઠીચાર્જ
ઘટનાની ગંભીરતા જોતા સુરત પોલીસનો મોટો કાફલો પ્લાન્ટ પર દોડી આવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો અને ભીડને વિખેરવા માટે 40 જેટલા ટીયરગેસના શેલ છોડ્યા હતા. આ સંઘર્ષ દરમિયાન DCP શેફાલી બરનવાલને હાથના ભાગે પથ્થર વાગતા ઈજા થઈ હતી, જ્યારે એક PIના હાથમાં જ ટીયરગેસનો શેલ ફૂટતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બપોરે 2 વાગ્યા આસપાસ પોલીસે સમગ્ર પ્લાન્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
મજૂરોની વ્યથા અને શોષણના આક્ષેપો
શ્રમિકોનું કહેવું છે કે તેમની પાસે 12 કલાક કામ કરાવીને માત્ર 600 થી 700 રૂપિયા જેવો ઓછો પગાર આપવામાં આવે છે. ઊંચાઈ પર જોખમી કામ (ઇરેક્શન) હોવા છતાં તેમને પૂરતો આરામ કે યોગ્ય વળતર મળતું નથી. નાઈટ શિફ્ટ માટે પણ સિંગલ પે જ આપવામાં આવે છે, જેની સામે શ્રમિકોએ 'ડબલ રેટ'ની માંગ સાથે રેલી કાઢી હતી. આ અથડામણ બાદ પોલીસે અત્યાર સુધીમાં 25થી વધુ તોફાની શ્રમિકોની અટકાયત કરી છે અને તેમની સામે કડક FIR નોંધવાની તજવીજ હાથ ધરી છે.
L&T કંપનીનું સત્તાવાર નિવેદન
આ સમગ્ર હોબાળા બાદ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા નવા 'લેબર કોડ'નું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, ત્યારે તેના તમામ નિયમો અને જોગવાઈઓનો કંપની તુરંત અમલ કરશે. હાલમાં કંપનીના સત્તાધીશો અને શ્રમિક પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટો કરીને મામલો થાળે પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જોકે પ્લાન્ટમાં હજી પણ ભારેલો અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.