PM મોદીનો આજે એક દિવસીય ગુજરાત પ્રવાસ: વડોદરામાં Gen-Z સાથે કરશે સંવાદ, નવસારીમાં દેશના પ્રથમ AI-સજ્જ ‘નમો કમલમ્’નું કરશે ઉદ્ઘાટન
modi gujarat visit
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ વડોદરાના MS યુનિવર્સિટી પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આયોજિત નમો 4 વિકસિત ભારત કાર્યક્રમમાં હાજરી આપી રૂ. 35,200 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ખાસ કરીને Gen-Z યુવાનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આ કાર્યક્રમમાં PM મોદી યુવાઓ સહિત 6,000 લોકોને સંબોધશે.
રોકસ્ટાર સ્ટાઈલ રેમ્પ અને AI ટેક્નોલોજી
આ કાર્યક્રમ માટે ગ્રાઉન્ડમાં ખાસ Y-આકારનો સ્ટેજ અને રેમ્પ તૈયાર કરાયો છે, જ્યાં PM મોદી રોકસ્ટારની સ્ટાઈલમાં કોન્સર્ટ મોડમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરશે. સરકારી કાર્યક્રમમાં પ્રવેશ માટે દેશમાં પહેલીવાર 'બુક માય શો' દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા અપનાવાઈ છે, જેમાં ભારે ક્રેઝને કારણે માત્ર 1 કલાકમાં સીટો ફુલ થઈ ગઈ હતી અને 42,000થી વધુ લોકો વંચિત રહ્યા હતા. આ સાથે સમગ્ર કવરેજ 4K કેમેરાથી થશે.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને શહેરનું શણગાર
PM મોદીના પ્રવાસને પગલે વડોદરામાં 2,000થી વધુ જવાનો, 11 DCP અને 17 ACP સાથે ત્રિસ્તરીય સુરક્ષા ગોઠવવામાં આવી છે. ઈતિહાસમાં પહેલીવાર વિશ્વામિત્રી નદીમાં ફાયર બ્રિગેડની બોટ મારફતે તળિયે ચેકિંગ હાથ ધરાયું છે. આ ઉપરાંત વડોદરા શહેરના ફતેગંજ, કારેલીબાગ અને VIP રોડ જેવા વિસ્તારોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે તથા ટ્રાફિક વ્યવસ્થામાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે.
સમયપત્રક અને નવસારી પ્રવાસ
PM મોદી બપોરે 11:45 વાગ્યે વડોદરા એરપોર્ટ પહોંચશે અને કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ બપોરે 2:45 કલાકે નવસારી જવા રવાના થશે. નવસારીમાં તેઓ નવનિર્મિત નમો કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બપોરે 4:30 વાગ્યે હેલિકોપ્ટર મારફતે સુરત થઈને સાંજે 4:35 કલાકે મુંબઈ જવા રવાના થશે.
દેશનું પ્રથમ AI સજ્જ ભાજપ કાર્યાલય
નમો કમલમ રૂ. 10 કરોડના ખર્ચે તૈયાર થયેલું નવસારીનું નમો કમલમ દેશનું પ્રથમ AI ટેક્નોલોજીથી સજ્જ જિલ્લા કક્ષાનું ભાજપ કાર્યાલય છે. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પહેલીવાર કોઈ જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરી રહ્યા છે. નવસારી ખાતે 1,100 મહિલાઓ કળશ સાથે, 500 લોકો ડમરું અને 100 લોકો ત્રાસા વગાડી તેમનું સ્વાગત કરશે. ઉદ્ઘાટન બાદ PM મોદી 5,000થી વધુ બુદ્ધિજીવીઓ અને કાર્યકરો સાથે સંવાદ કરશે.
