સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2017 (14:22 IST)

મોદીની ગુજરાતને 500 કરોડની લોલીપોપ, અન્ય રાજ્યોને 2000 કરોડ આપ્યા

ગુજરાતમાં આ વખતે ભારે પુર આવ્યુ અને વડાપ્રધાન મોદીએ જાતે વિહંગાવલોકન કરીને અભ્યાસ કર્યો અને બાદમાં 500 કરોડની સહાયની જાહેરાત કરી. ત્યારે ગુજરાતને થયેલો આ હળહળતો અન્યાય હવે લોકોની નજરમા આવી ગયો છે. ચર્ચાઓ મુજબ મોદીને જ્યાં દાનત ખારી લાગે ત્યાં જ ફાયદા કરાવવામાં રસ છે. બાકી ગુજરાતમાં હાલમાં વધુ સહાયની તાતી જરૂરિયાત છે. ભારે વરસાદને કારણે પૂરનો સામનો કરી રહેલા આસામના પ્રવાસ પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી પૂરથી થનારા નુકસાનની જાણકારી મેળવી હતી. બેઠક બાદ વડાપ્રધાન મોદીએ પૂરગ્રસ્ત ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં મદદ માટે 2000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં પૂરને કારણે ભારે નુકસાન થયું છે તેમ છતાં કેન્દ્ર સરકારે આવડા મોટા ગુજરાતને ફક્ત 500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. આસામના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ આસામ રાજ્યમાં પૂરમાં જીવ ગુમાવનારા પીડિતોના પ્રત્યેક પરિવારને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી બે લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ રાજ્યમાં પૂરની કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોઇ સ્થાયી સમાધાન શોધવા પર વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આસામમાં આ વર્ષે પૂરને કારણે અત્યાર સુધીમાં 80થી વધુ લોકો મોતને ભેટ્યા છે. પીએમઓના કહેવા પ્રમાણે, વડાપ્રધાન મોદીએ આસામમાં પૂરની સ્થિતિને જોતા ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. જેમાં પૂર્વોત્તરના રાજ્યો ખાસ કરીને આસામ, અરુણાચલપ્રદેશ, નાગાલેન્ડ તથા મણિપુરમાં રાહત કાર્યોની તૈયારીને લઇને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ગુજરાતમાં પણ પૂરને કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યાનો આંકડો 186 પર પહોંચ્યો છે. આસામમાં પૂરને કારણે 10 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.