આવાસ મુદ્દે આંદોલનઃ વડોદરાથી વિસ્થાપિતો પગપાળા ગાંધીનગર જવા નિકળ્યા

Last Updated: શુક્રવાર, 31 જુલાઈ 2020 (13:01 IST)

વડોદરા શહેરના સંજયનગરના વિસ્થાપિતોએ આંદોલન વધુ ઉગ્ર બનાવ્યું છે. સંજયનગરના વિસ્થાપિતો આજે આંદોલન કરવા માટે પગપાળા ગાંધીનગર જવા નીકળ્યા હતા. જોકે પોલીસે પગપાળા નીકળેલા 100થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરી હતી.છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી આવાસો નહીં ફાળવવામાં આવતા અને 7થી 8 મહિનાનું બાકી ભાડું આપવામાં નહીં આવતા વારસીયા વિસ્તારના સંજયનગરના વિસ્થાપિતોએ છેલ્લા દોઢ મહિનાથી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. હવે તેઓ તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે. છેલ્લા ઘણા સમયથી આવાસો અને બાકી ભાડા માટે આંદોલન કરી રહેલા સંજયનગરના વિસ્થાપિતો આજે પગપાળા ગાંધીનગર મુખ્યમંત્રીને પોતાની સમસ્યા અંગે રજૂઆત કરવા જવા માટે નીકળ્યા હતા. જોકે પોલીસ કાફલાએ સંજયનગરના વિસ્થાપિતોને ઘેરી લઇને આંદોલન વેગ પકડે તે પહેલા જ સંજયનગરના અગ્રણી સીમાબેન રાઠોડ અને પ્રભુભાઈ સોલંકી સહિત 100થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરી હતી. જેને પગલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ પણ વારસિયા પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા અને તંત્ર પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા આંદોલનને અટકાવી રહ્યા હોવાંના આક્ષેપ સાથે તંત્ર સામે આકરા પ્રહારો કર્યાં હતા.


આ પણ વાંચો :