ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 ઑગસ્ટ 2022 (17:50 IST)

GSRTCની બસોમાં રાજ્ય બહારની મુસાફરીમાં છેલ્લા સ્ટેશન સુધી દિવ્યાંગો મફતમાં મુસાફરી કરી શકશે

GSRTC
રાજ્યના દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં લઈ રહી છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે GSRTCની તમામ બસોમાં રાજ્ય બહાર મુસાફરી દરમિયાન બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે/નિશૂલ્ક મુસાફરી યોજનાઓ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
 
3.18  લાખ દિવ્યાંગ બસ પાસ ધારકોને લાભ થશે
પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓને અભ્યાસ, સારવાર, નોકરી ધંધાના સ્થળે અને અન્ય સામાજિક કારણસર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-GSRTCની બસોમાં પ્રવાસ કરવા માટે વિનામૂલ્યે મુસાફરી કરવાની યોજના અમલમાં છે. જે માટે કોઈ આવક મર્યાદા નથી. આ યોજના અંતર્ગત અત્યાર સુધી રાજ્યની અંદર આવેલા છેલ્લાં બસ સ્ટેશન સુધી રાજ્ય બહાર મુસાફરી કરવાના કિસ્સામાં લાભ આપવામાં આવતો હતો. 
 
2.5 કરોડનું ભારણ દિવ્યાંગો વતી રાજય સરકાર ભોગવશે
હવે તેમાં ફેરફાર કરીને દિવ્યાંગોને GSRTCની તમામ બસોમાં રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરી યોજનાઓ લાભ આપવામાં આવશે. GSRTC દ્વારા રાજ્ય બહાર અંદાજિત 168 બસ રૂટ ઉપર એસટી બસો પરિવહન કરે છે. ગત કેલેન્ડર વર્ષમાં આ યોજના હેઠળ 60 લાખ દિવ્યાંગ વ્યક્તિઓને ટિકિટનો તથા 9 લાખ તેમના સહાયકોને ટિકિટનો લાભ આપી રૂ.28 કરોડથી વધુનો ખર્ચ રાજય સરકારે કર્યો હતો. આ નિર્ણયના પરિણામે 3.18  લાખ દિવ્યાંગ બસ પાસ ધારકોને લાભ થશે. આ માટે અંદાજિત 2.5 કરોડનું ભારણ દિવ્યાંગો વતી રાજય સરકાર વહન કરશે.