1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 8 જાન્યુઆરી 2024 (18:51 IST)

રાજસ્થાની દંપતી ઘરમાં હેરોઈન-અફીણ વેચતા ઝડપાયું, 1.12 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાંથી ફરી એકવખત માદક પદાર્થ ઝડપાયું છે. પૂર્વ કચ્છ SOG પોલીસે અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં રહેતા એક પતિ-પત્નીને 1 કરોડ 12 લાખના માદક પદાર્થ હેરોઈન અને અફીણના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

તેમની સાથે સંડોવાયેલ અન્ય એક આરોપીને પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ SOG ઇન્ચાર્જ PI એન.એન ચુડાસમા, PSI એન.કે ચૌધરી અને સ્ટાફના માણસોએ બાતમીના આધારે અંજાર વિસ્તારમાં આવેલા પુરૂષોતનગરમાં મકાન.નં.13 મેઘપર ખાતે રહેણાંકના મકાનમાં રેડ કરી તપાસ ક૨તા જગદીશ ગંગાવિશન બિશ્નોઈ તથા તેની પત્ની વિજયરાજે પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઈન તથા પીળા ક્રીમ કલરનો હેરોઈન અને કાળો કથ્થાઈ કલરનો ઘટ પ્રવાહી અફીણનો રસ રાખી ગેરકાયદેસર રીતે વેચાણ પ્રવૃત્તિ કરતા મળી આવ્યા હતા.

પોલીસે બંનેને 48 લાખ 88 હજારની કિંમતનો 97.970 ગ્રામ બ્રાઉન કલરનો હેરોઈન અને 12 લાખ 57 હજારની કિંમતનો 125.150 ગ્રામ પીળા ક્રીમ કલરનો હેરોઈન અને 5,309ની કિંમતનો 53.09 ગ્રામ કાળો કથ્થાઈ કલરનો ઘટ પ્રવાહી અફીણનો રસ ઉપરાંત 60,000ની કિંમતના 3 મોબાઈલ સહિત કુલ 1,12,20,809/-ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-1985 હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. વધુમાં પોલીસે જણાવ્યું કે, તેમની સાથે સંડોવાયેલ અન્ય એક આરોપી સંજય બિશ્નોઈ વાળાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.