સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃષિકા ભાવસાર|
Last Updated : સોમવાર, 17 ઑક્ટોબર 2022 (12:40 IST)

Rajkot News- રાજકોટમાં TVSના શો-રૂમમાં ભીષણ આગ લાગતાં બાઈક સળગ્યાં, લોકોમાં અફરાતફરી મચી

fire in rajkot
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા TVSના શો-રૂમમાં આજે સવારે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે શો-રૂમમાં કાર અને બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આગ વધુ પ્રસરે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. હાલ ફાયર બ્રિગેડની બે ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અચાનક લાગેલ આગના કારણે 10થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ આગ ક્યા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી.શહેરના ગોંડલ રોડ પર આવેલા પર TVSનો શો-રૂમ આવેલો છે. આ શો-રૂમમાં વહેલી સવારે અચાનક આગે દેખા દીધી હતી. અને શો-રૂમ માંથી આગના ધૂમાડા નીકળવાનું શરૂ થતાં આજુ-બાજુમાંથી લોકો એકઠા થયા હતા. જોત જોતામાં શો-રૂમ ભડકે બળ્યો હતો અને અંદર કાર તથા બાઈક સહિતનો મુદામાલ સળગી રહ્યો હતો. જેને પગલે સ્થાનિકોમાં ભાગદોડ મચી ગઇ હતી.આજુ બાજુમાં આવેલી બીજી દુકાનો પણ આગની લપેટમાં આવે તેવી સ્થિતિ સર્જાઇ હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.