શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (11:53 IST)

મોટાભાગનું ગુજરાત તરસ્યુ હોવા છતાં સરકારે માત્ર 51 તાલુકાઓને જ અછતગ્રસ્ત જાહેર કર્યા

રાજ્યમાં યોગ્ય વરસાદ ન પડતા ખેડુતોનો ખરિફ પાક સુકાઈ રહ્યો છે ત્યારે મોટાભાગનું ગુજરાત અછતગ્રસ્ત હોવા છતા નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે માત્ર 51 તાલુકાઓને જ અછતગ્રસ્ત જાહેર કર્યા છે આ અછરગ્રસ્ત તાલુકાઓમાં પણ એક ખેડુત દિઠ માત્ર બે હેક્ટર જમીનમાં જ વીમો મળવા પાત્ર છે. આ ઉપરાંત પશુઓ માટે ચારાની વ્યવસ્થા કરી સરકારે સંતોષ માન્યો છે. નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને પાક ઉત્પાદન પણ ઓછુ થવાની સંભાવના છે ત્યારે રાજ્ય સરકારે 51 તાલુકાઓને જ અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ તાલુકાઓમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક ઉત્પાદન પેટે સહાય આપવાનો પણ નિર્ણય કર્યો છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં આ વર્ષે 250 મી.મી.થી ઓછો વરસાદ થયો હોય અને ભારત સરકારના અન્ય ધારાધોરણમાં સમાવિષ્ટ થઇ શકે તેવા ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કરાયો છે. આ તાલુકા અછતગ્રસ્ત જાહેર થતાં આ તાલુકાના ગામોમાં ખેડૂતોએ જે વાવેતર કર્યુ હોય અને જે ખર્ચ થયુ હોય તેમાં ભારત સરકારના ધારાધોરણ મુજબ હેક્ટર દીઠ રૂ.6800 સહાય આપવાનો નિર્ણય કર્યો છે અને વધુમાં વધુ આ સહાય 2 હેક્ટર સુધી ચુકવવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે, આ અછતગ્રસ્ત તાલુકાઓમાં પશુપાલકોને પણ ઓછા વરસાદને કારણે ઘાસચારો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે અને પશુ સાચવવાનું મોંઘુ પડતુ હોય છે તેથી આવા અબોલ પશુઓને સાચવવા અને પશુપાલકોને મદદરૂપ થવા જ્યા જ્યા ઢોરવાડા ઉભા કરવામાં આવશે તથા પાંજરાપોળ અને ગૌશાળામાં જે પશુઓ રાખવામાં આવે છે તેમને સાચવવામાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા પશુદીઠ રૂ.25 ની મદદ કરવામાં આવે છે તેમા વધારો કરીને જ્યારે મોટા પ્રમાણમાં પશુઓને ઢોરવાડામાં મુકવામાં આવે ત્યારે તેના સંચાલકોની માંગ આવ્યેથી બે મહિના માટે મોટા પશુદીઠ રૂ.70 ની સહાય આપવામાં આવશે.
જેના કારણે જે બે મહિના મોટા પ્રમાણમાં આ સંસ્થાઓ પશુઓને સાચવશે ત્યારે તેમને રૂ.70 ની સહાય મળવાના કારણે તેમનું ભારણ ઘટશે. આ બે મહિના સિવાયના બાકીના સમયમાં હાલ જે રીતે પશુદીઠ રૂ.25 ની સહાય આપવામાં આવે છે એ યથાવત ચાલુ રહેશે. અત્યારે જે પશુપાલકો પોતાના ઘરે ગાય-ભેંસ જેવા પશુઓ રાખે છે તેમને ૨ રૂપિયા કિલોના ભાવે જે ઘાસ આપવામાં આવે છે તે પ્રમાણે હવે આ અછતગ્રસ્ત જાહેર કરેલા 51 તાલુકાઓમાં પણ પશુદીઠ રૂ.2 કિલોના ભાવે ઘાસ અપાશે. આ અછત રાહતનો અમલ તા.01.12.2018 થી કરવામાં આવશે. આ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો, પશુપાલકો માટે રૂ.3000 કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે જે અછતગ્રસ્ત તાલુકાઓ જાહેર કર્યા છે તેમા લોકોને રોજગારી મળી રહે તે માટે નરેગા યોજના હેઠળ 100 માનવદિન ના બદલે 150 માનવદિનની રોજગારી પુરી પડાશે જેથી વધુને વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થશે. ઉપરાંત આ 51 તાલુકાઓમાં જે પ્રાથમિક શાળાઓ આવેલી છે તે તમામ શાળાઓમાં ભણતા બાળકોને સળંગ પોષણક્ષમ આહાર મળી રહે તે માટે આ શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો પણ વેકેશન હોવા છતાં પણ રાબેતા મુજબ ચાલુ રહેશે અને બાળકોને વિનામૂલ્યે ભોજન પુરુ પાડવામાં આવશે.