1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (11:17 IST)

માંધાતાસિંહ જાડેજા બનશે રાજકોટનાં "રાજા", શાહી ઠાઠ સાથે આવતીકાલે કરાશે "રાજતિલક"

રાજ્યમાં સર્વપ્રથમ વખત ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેક સમારંભ તારીખ 28 29 અને 30 રાજકોટમાં થવાનો છે રાજકોટના રાજ પરિવારના માંધાતાસિંહ જાડેજાનું રાજતિલક થશે. રાજતિલક ઐતિહાસિક હશે. દેશભરમાંથી રાજવી પરિવારો આર્થિક સામાજિક ધાર્મિક ક્ષેત્રના મહાનુભાવો રાજતિલક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ રાજ્યાભિષેક ના અવસર પ્રસંગે નગરયાત્રા તલવાર બાજી અને પરંપરાગત અનેકવિધ કાર્યક્રમો રાજ પરિવારની ઐતિહાસિક ઘડીની સાક્ષી પુરશે.
ભારતના ખ્યાતનામ રજવાડાઓમાં રાજકોટના રજવાડાનું ખૂબ જ આગવું સ્થાન છે. રાજકોટના રાજવી અને પૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજા દેહવિલાપ થતાં રાજવી પરંપરા મુજબ તેમના પુત્ર માંધાતા સિંહ જાડેજા રાજવી તરીકે બિરાજમાન થશે. આગામી તારીખ 28, 29 અને 30 જાન્યુઆરીના રોજ રાજકોટ ના ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસ ખાતે ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 
 
રાજ્યભિષેક કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહેશે ખાસ કરીને દેશના રાજવી પરિવારો ને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તો રાજકીય મહાનુભાવો, આર્થિક જગતના મહાનુભાવો અને ધર્મગુરુઓ પણ આ રાજ્યાભિષેક કાર્યક્રમોમાં હાજરી આપશે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યાભિષેક કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે.
રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે ત્રણ દિવસના ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી ક્ષત્રિય સમાજના અને અન્ય સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહેવાના છે. મુખ્ય કાર્યક્રમોની વાત કરવામાં આવે તો, 28 તારીખના બપોર પછી રાજકોટ શહેરની નગરયાત્રા માંધાતા સિંહ જાડેજા અને યુવરાજ રામરાજા કરશે. તેમની સાથે તેમની સાથે મોટી સંખ્યામાં નગરજનો જોડાશે પરંપરાગત પોશાકમાં ક્ષત્રિય સમાજ ના લોકો અન્ય સમાજના લોકો અને દેશના રાજવી પરિવારો ઉપસ્થિત રહેશે.
 
આ નગરયાત્રામાં વિન્ટેજ કાર, હાથી ઘોડા અને બેન્ટવાજા શોભા વધારશે. 28 તારીખના રોજ સવારમાં ક્ષત્રિય સમાજની પરંપરા મુજબ ત્રણ હજાર કરતાં વધુ બહેનો એકસાથે તલવારબાજી કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે. .29 તારીખના રોજ સાંજે 7 હજાર દીવડાઓ પ્રગટાવીને રાજકોટ સ્ટેટનો મોનોગ્રામ બનાવવામાં આવશે..30 તારીખના રોજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ માધાતાસિંહ જાડેજાનું રાજ્યભિષેક કરવામાં આવશે.
 
રાજકોટના રાજકારણનું દેશમાં આગવું સ્થાન છે. તે જ રીતે રાજકોટના રાજવી પરિવારનું પણ દેશના રાજવી પરિવારોમાં એક આગવું સ્થાન છે. ત્યારે રાજવી પરિવારની ઐતિહાસિક રાજતિલક કાર્યક્રમનું રાજપરિવાર દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ પરિવારો વિશે આજની યુવા પેઢીની ને જાણવા અને સમજવા માટેનો ઐતિહાસિક અવસર છે. આગામી 28, 29 અને 30 જાન્યુઆરીના રોજ આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં રાજવી માંધાતાસિંહ જાડેજાએ દરેક સમાજના લોકોને ભાવ ભર્યું આમંત્રણ આપ્યું છે.