અમદાવાદમાં ભયાનક આગ : 15 લાખ લિટર પાણી, 125 ફાયર જવાનોએ 24 કલાક બાદ આગ પર મેળવ્યો કાબૂ
બુધવારે સવારે ડાયપર બનાવતી જાપાનની આ યુનિચાર્મ ઈન્ડિયા નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ડાયપર બનાવવામાં વપરાતા ગઢ કેમિકલના કારણે આગ પર કાબુ મેળવવામાં સમય લાગ્યો. આગ એટલી વિકરાળ હતી કે સાણંદથી 10 કિમી દૂર સુધી આગના ધુમાડા દેખાતા હતાં. સાણંદ GIDCમાં લાગેલી આગ પર 24 કલાક બાદ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 35 કરતા વધુ ફાયર બ્રિગેડની ગાડી અને 150 કરતા વધુ કર્મચારીઓની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. 400 મીટરમાં ફેલાયેલી કંપની આગમાં ખાખ થઇ ગઇ છે. આગને ઠંડી પાડવાની કામગીરી ચાલી રહી છે. આગ પર કાબુ મેળવવા માટે JCB મશીન અને ફાયર બ્રિગેડે બનાવેલા રોબોટની પણ મદદ લેવામાં હતી.
રોબોટની મદદથી કંપનીનો કેટલોક ભાગ અને મશીનરી બચાવવામાં પણ સફળતા મળી. જો કે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. હાલ ફાયર બ્રિગેડની 8 ગાડી સાથે ફાયર કર્મચારી અને અધિકારી પણ આ કામગીરીમાં જોડાયેલા છે.આગને સંપૂર્ણ ઠંડી પડતા સાંજ જેટલો સમય લાગી શકે છે. જો કે રાહતની વાત એ છે કે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું છે.
સાણંદ જીઆઈડીસીમાં યુનિચાર્મ ઈન્ડિયા બે વર્ષ પહેલાં આવી હતી. કંપની અહીં ડાયપર પ્રોડક્શન સાથે કાચો માલ પણ સપ્લાય કરે છે. અહીં કંપનીનો પ્લાન્ટ ત્રણ લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે.
અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે નિરાલા એ જણાવ્યું હતું કે, કંપનીમાં ભીષણ આગ લાગવાના સમાચાર મળતાં જ એન.ડી.આર.એફ.ની ટુકડી મોકલવામાં આવી હતી. પ્રાથમિક અંદાજ મુજબ ફેક્ટરીમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. કલેકટરના જણાવ્યા મુજબ અગ્નિશમન માટે 36 થી વધુ ફાયર ફાઇટર વાહન અને 270થી વધુ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળ પર રાહત કામગીરીમાં જોડાયા છે. ડાયપરનું ઉત્પાદન કરતી આ કંપની 80 એકરમાં ફેલાયેલી છે જ્યાં ૩૫ એકરમાં ઉત્પાદનની કામગીરી થાય છે. જિલ્લા વહીવટીતંત્ર ઉક્ત કંપનીના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. હાલ કોઈ જ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. આગના પગલે થયેલા નુકશાનની વિગત આગ કાબુમાં આવ્યા બાદ જાણી શકાશે.