ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃષિકા ભાવસાર|
Last Modified: ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2022 (13:05 IST)

વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર રાહુલ ગાંધી તથા મધ્ય-ઉતર ગુજરાતનું કેમ્પેઈન પ્રિયંકા ગાંધી સંભાળશે

congress
વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગના પડકારમાં તમામ તાકાત કામે લગાવીને જીત મેળવવાનો કોંગ્રેસે ટારગેટ નકકી કર્યો છે અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ સીધી જવાબદારી સંભાળનાર છે. રાહુલ ગાંધીનો સળંગ ત્રણ દિવસનો કાર્યક્રમ પણ ઘડવામાં આવી રહ્યો છે.કોંગ્રેસના માહિતગાર સૂત્રોએ કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વર્ષે ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી એમ ત્રણ પક્ષો વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. કોંગ્રેસે ચૂંટણીની લગભગ તમામ આગોતરી તૈયારી પુર્ણ કરી લીધી છે અને જુદા-જુદા રાષ્ટ્રીય નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ તાકાત કામે લગાડીને સતા હાંસલ કરવાનો લક્ષ્ય છે. સમગ્ર ચૂંટણી હવાલો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટને સોંપાયો છે.

ઝોનવાઈઝ, સંસદીય મતક્ષેત્ર વાઈઝ જવાબદારીનું પણ વિભાજન કરી દેવાયુ છે.એ કોંગ્રેસના સૂત્રોએ એમ કહ્યું છે કે ખુદ રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ ચૂંટણીમાં સક્રીય રહેવાના છે જે અંતર્ગત સૌરાષ્ટ્રનો સમક્ષ હવાલો રાહુલ ગાંધી સંભાળનાર છે જયારે પ્રિયંકા ગાંધી મધ્ય તથા ઉતર ગુજરાતનો હવાલો કરશે. પ્રદેશ કોંગ્રેસના એક સીનીયર નેતાએ કહ્યું કે રાહુલ અને પ્રિયંકા ગાંધી માત્ર પ્રચાર કરવા જ આવે તેવુ નહીં હોય પરંતુ સંબંધીત શહેરોમાં કેમ્પ કરશે અને એક-એક બેઠક પર વોચ રાખીને સતત સમીક્ષા કરશે. રાહુલ ગાંધી સૌરાષ્ટ્રનો હવાલો ઉપાડવાના છે. સૌરાષ્ટ્રની 48 બેઠકો છે. તેઓ પ્રથમ તબકકે સળંગ ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં કેમ્પ કરશે. રાજકોટમાં પણ એક જાહેરસભા કરશે તથા કોંગ્રેસ નેતાઓની મીટીંગ કરશે.

 સૌરાષ્ટ્ર પ્રવાસનું શિડયુલ તૈયાર થઈ રહ્યું છે તે ફાઈનલ થવાની સાથે જ રેસકોર્ષ ગ્રાઉન્ડ તથા હેમુ ગઢવી હોલ જેવા સ્થળ નકકી થઈ શકે છે. સૂત્રોએ એમ કહ્યું કે રાહુલ ગાંધી હાલ ક્ધયાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રામાં વ્યસ્ત છે. યાત્રામાં બ્રેક વખતે તેઓ સૌરાષ્ટ્ર-ગુજરાતનો પ્રચાર હવાલો સંભાળશે અને દરેકે દરેક બેઠક પર સમીક્ષા કરશે. પ્રિયંકા ગાંધી પણ સમાન ધોરણે મધ્ય તથા ઉતર ગુજરાતનો કેમ્પ કરીને પ્રચારની કમાન સંભાળશે. ચૂંટણીમાં ઉમેદવારો તથા કાર્યકરોનો જુસ્સો બુલંદ બનાવવાના આશય સાથે રાહુલ-પ્રિયંકા ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓના નિયમિત રીતે કેમ્પ રાખવાની રણનીતિ અપનાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર-ઉતર ગુજરાતમાં 2017માં કોંગ્રેસનો દેખાવ ઘણો સારો રહ્યો હતો. આ વખતે તેમાં ઉમેરો થાય તેવો ટારગેટ રાખવામાં આવ્યો છે.