સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , શનિવાર, 22 એપ્રિલ 2023 (17:41 IST)

Ahmedavad News - OLX પર સાયકલ વેચવી ભારે પડી, 1500 રૂપિયાની સાયકલ વેચવા જતાં 86 હજાર ગુમાવ્યા

olx
અમદાવાદમાં ઓનલાઈન છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં એક વ્યક્તિને OLX પર સાયકલ વેચવી ભારે પડી ગઈ છે. સામે વાળાએ સાયકલ ખરીદવામાં રસ દાખવીને વેચનાર પાસેથી 86 હજાર રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે વસ્ત્રાપુરમાં સરકારી વસાહતમાં રહેતા સંદિપકુમાર રાઠોડે OLX વેબસાઈટ પર સાયકલ વેચવાની જાહેરાત મુકી હતી.

આ દરમિયાન તેમના ફોન પર અનિલસિંઘએ ફોન કરીને સાયકલ ખરીદવામાં રસ ધરાવ્યો હતો. 1500 રૂપિયામાં સાયકલ ખરીદશે એવી વાત કરીને તેમણે જાહેરાત હટાવી લેવા કહ્યું હતું. ત્યાર બાદ સાયકલ ખરીદનાર અનિલસિંઘની પત્નીનો ફોન આવ્યો હતો અને સાંજના સમયે સાયકલ લેવા માટે આવું છું તેમ જણાવ્યું હતું. ત્યારબાદ અનિલસિંઘે ફોન કરીને કહ્યું હતું કે, હું આર્મીમાં છું અને ફરજ પર છું. મારે સાયકલના પેમેન્ટ માટે આર્મી કેમ્પમાંથી કોમ્પ્યુટર સિસ્ટમમાંથી પૈસા ટ્રાન્સફર કરવાના હોય છે. જો તમારા દ્વારા મને પૈસા ટ્રાન્સફર કરવામાં આવે તો અમે સામે તમને ડબલ પૈસા ટ્રાન્સફર કરીશું. શરૂઆતમાં 10 રૂપિયા ટ્રાન્સફર કર્યા તો સામે વાળાએ 20 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. આમ કરી કરીને સામે વાળાએ 86 હજાર રૂપિયા ડબલ આપવાની લાલચમાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં. સંદિપકુમારે આર્મીમાં હોવાથી ભરોસો અને વિશ્વાસ હોવાથી પૈસા ટ્રાન્સફર કર્યાં હતાં. જેથી સાયકલ ખરીદનારે ભરોસો અને વિશ્વાસ કેળવીને સંદિપભાઈ પાસેથી 86 હજાર રૂપિયા પડાવી લીધા હતાં. જેથી સંદિપભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.