સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (18:38 IST)

૧૦૮ ઇમરજન્સી સેવા શરુ થઇ ત્યારથી અત્યારસુધીમાં રેકોર્ડ બ્રેક ૧.૫૨ કરોડથી વધુ કોલ એટેન્ડ કરાયા

Emergency calls to 108 will increase by 32 percent
૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા ૧૨.૫૧ લાખથી વધુ કોલ એટેન્ડ કરાયા
 
૧૦૮ના કર્મીઓ દ્વારા ઇજાગ્રસ્તો પાસેથી મળેલી રૂ. ૧૯.૩૩ લાખથી વધુની કિંમતની વસ્તુઓ-રોકડ પરત કરી 
 
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદી દ્વારા વર્ષ ૨૦૦૭માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ જિલ્લાના શહેરો, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૪x૭ વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે ગુજરાતના નાગરિકો માટે આશિર્વાદ સમાન છે.
 
ગુજરાતમાં આરોગ્ય સેવા ક્ષેત્રે ૧૦૮ ઇમરજન્સી સેવા શરુ થઇ ત્યારથી ઓગસ્ટ-૨૦૨૩ સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ ૧.૫૨ કરોડથી વધુ ઇમરજન્સી કોલ સફળતાપૂર્વક એટેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૫૧.૩૭ લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી અને માર્ગ અકસ્માતના કિસ્સામાં ૧૮.૭૨ લાખથી વધુ ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી છે. જીવન મરણનો સવાલ હોય તેવા આપાતકાલીન સ્થિતિમાં અત્યારસુધીમાં કુલ ૧૪ લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે, તેમજ એમ્બ્યુલન્સમાં અને જે તે સ્થળ ઉપર કુલ ૧.૩૨ લાખથી વધુ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. 
 
ગુજરાતના અમરેલી, બનાસકાંઠા, દેવભૂમિદ્વારકા, જામનગર, વલસાડ અને અમદાવાદ જિલ્લાના ૧૦૮ના ઇમરજન્સી મેડિકલ ટેકનિસિયન્સ-EMTs અને પાયલોટે ઇજાગ્રસ્તો પાસેથી મળેલી અંદાજે રૂ. ૧૯.૩૩ લાખની કિંમતની વસ્તુઓ-રોકડ પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ૧૦૮ ઇમરજન્સી સેવા ઉપરાંત ગુજરાતમાં અન્ય વિવિધ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૨થી કાર્યરત ૪૬૭ જેટલી ખિલખિલાટ વાનનો ૯૫ લાખથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટમાં કાર્યરત ૨૫૨ વાન થકી ૨ કરોડથી વધુ નાગરિકોએ લાભ લીધો છે. વર્ષ ૨૦૧૫થી શરૂ થયેલી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અંતર્ગત ૧૨.૫૧ લાખથી વધુ કોલ એટેન્ડ કરીને ૫૯ વાન દ્વારા ૨.૫૩ લાખથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે.
 
ગુજરાતમાં વર્ષ ૨૦૧૭માં શરૂ કરાયેલી ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન દ્વારા કુલ ૪૮.૬૮ લાખથી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત વર્ષ-૨૦૧૮માં શરૂ કરાયેલી ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ દ્વારા ૬૫૪ જેટલા નાગરિકોનો જીવ બચાવવામાં આવ્યો છે. હાલમાં ગુજરાતમાં બે ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવારત છે. રાજ્યના ૮ જિલ્લાઓમાં વર્ષ ૨૦૧૯થી કાર્યરત ૧૧૨ ઇમરજન્સી સેવા અંતર્ગત ૧.૪૩ કરોડથી વધુ ઇમરજન્સી કોલ, પોલીસ ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી, મેડીકલ ઇમરજન્સી અને ડિઝાસ્ટર ઇમરજન્સી સંબંધિત કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. 
 
૧૦૮ દ્વારા ગુજરાતમાં નવતર પહેલના ભાગરૂપે વર્ષ ૨૦૨૦માં ૧૧૦૦ ટેલિ મેડિસિન એટલે કે ઘરે બેઠા ટેલિફોન પર ડૉક્ટરનું માર્ગદર્શન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં તબીબી સલાહ, કાઉન્સેલીંગ, કોવિડ-૧૯ અને વિવિધ આરોગ્ય સંબંધિ સેવાઓ માટે કુલ ૨.૩૪ લાખથી વધુ કોલ તબીબી ટીમ દ્વારા સફળતાપૂર્વક એટેન્ડ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તેમ ૧૦૮ના ચીફ ઓપરેટીંગ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.