સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 જૂન 2019 (12:53 IST)

સુરત અગ્નિકાંડઃ તક્ષશિલા આર્કેડની ફાઈલ ગુમ થયાની ચર્ચા વચ્ચે વિપક્ષ એક્શન મોડમાં

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાઈ ગયાની ગંભીર ઘટનામાં તમામ તરફી તપાસનો દોર ચાલી રહ્યો છે ત્યારે આરોપીઓને સજા સુધી દોરી જતાં મહત્ત્વના પુરાવાઓની ફાઇલો, કાગળો, નકશા ગુમ થઈ ગયાની ચર્ચા પણ ઊઠી છે ત્યારે વિપક્ષે ફાઇલો-કાગળો પુરાવાઓ જો ગુમ થશે તો હાઇકોર્ટમાં પિટિશન કરી સીબીઆઈ તપાસની માંગ કરાશે તેવી ચીમકી પણ પાલિકા કમિશનરને આપી છે. પાલિકાના વિપક્ષના નેતા વિજય પાનસુરિયાએ પત્રમાં જણાવ્યું છે કે, પાલિકાના વિવિધ વિભાગોની કાર્યપદ્ધતિ એ પ્રકારની છે કે, કોઈ ક્ષતિ ઉજાગર થાય તો સંદર્ભની તમામ ફાઇલોમાંથી ક્ષતિગ્રસ્ત કાગળો ધીમે ધીમે સગેવગે થવા માંડે છે જે કડવી વાસ્તવિક્તા છે તેથી સીધા જવાબદાર હોય એવા ગુનાહિત માનસ ધરાવનારા અધિકારીઓ સરેઆમ છટકી જતાં હોય છે. ફોરેન ટૂર પરથી પરત ફરેલા ડીજીવીસીએલના એમડી આદ્રા અગ્રવાલની હાજરી બાદ 400 પાનાંનો રિપોર્ટ ચીફ અને સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયરની ટીમે ક્રાઇમ બ્રાન્ચને સોંપી તો દીધો છે. 2004માં કામરેજ સબ-ડિવિઝનમાંથી ક્યાં પુરાવાઓના આધારે કુલ 27 કોમર્શિયલ કનેક્શનો અપાયા તેનો આજદિન સુધી પત્તો લાગી શક્યો નથી. આંતરિક ચર્ચાઓ પ્રમાણે અધિકારીઓની બેદરકારીને છુપાવવા પ્રયાસો થઈ રહ્યા છે જેને પગલે જ 400 પાનાંનો રિપોર્ટ ક્રાઇમ બ્રાંચને સુપરત કરાયો છે.