સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (13:45 IST)

સુરતમાં બેકાબૂ આગ : ફાયરબ્રિગેડની ભારે જહેમત પણ આગ હોલવાતી નથી

સુરત શહેરના રઘુવીર સિલિયમ માર્કેટમાં પરોઢિયે ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ જોત જોતામાં ચોથા માળ પર ફેલાઇ ગઇ હતી અને ત્યાર બાદ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આવેલી માર્કેટની તમામ દુકાનોને આગે ઝપટમાં લઇ લીધી હતી. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ આગ એટલી પ્રચંડ હતી કે વધુ ગાડીઓ મંગાવી હતી. ફાયરના અધિકારીઓએ બ્રિગેડ કોલ જાહેર કરી અને તમામ સ્ટાફને માર્કેટ પર બોલાવી લીધા હતા. સવારે સાડા દસ વાગ્યા સુધી આગ પર કાબુ ન આવતા કલાકો બાદ પણ આગ સળગી રહી છે.ફાયરસેફ્ટીના અભાવે માર્કેટને સીલ કરી દેવાનું નિવેદન સુડાના ચેરમેને આપ્યું છે. સુડાના ચેરમેને બંધાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, બિલ્ડીંગમાં ઈલેક્ટ્રીક વાયરીંગ અને બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી હતી. 13 દિવસ અગાઉ આગ લાગી હતી. તેમ છતાં ફાયર સેફ્ટીના અભાવના કારણે હવે બિલ્ડીંગને સીલ કરી દેવાની કામગીરી કરવામાં આવશે. ફાયર બ્રિગેડના લાશ્કરોની કુલ 76 જેટલી ગાડીઓ રઘુવીર માર્કેટ પર પહોંચી હતી ઉપરાંત ત્રણ હાઇડ્રોલિક પ્લેટફોર્મને પણ બોલાવીને સાત માળની આ માર્કેટના તમામ ફ્લોર પર આવેલી દુકાનો અને ગોડાઉનોમાં પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના નિરર્થક પ્રયત્નો શરૂ કર્યા હતા. પરંતુ સવારે સાડા દસ વાગ્યા સુધી એટલે કે કલાકો સુધી લાખો લિટર પાણીનો મારો ચલાવ્યા પછી પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી. રઘુવીર માર્કેટ ખાતે પંદર દિવસ પહેલા પણ આગ લાગી હતી અને ત્યારે લાશ્કરોએ તુરંત આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે, આ ઘટનામાંથી કોઇ બોધપાઠ લેવાયો ન હતો અને દુર્ઘટના સમયે કેવા પગલા લેવા તેની પણ કોઇને વિગતો અપાઇ નહોતી. પુણા કુંભારીયા રોડ પર આવેલા રઘુવીર માર્કેટ ખાતે બિલ્ડરો પાસેથી દુકાનો ખરીદી અથવા તો ભાડે રાખનારા વેપારીઓ દ્વારા માર્કેટમાં પોતાની દુકાનોમાં ગેરકાયદેસર રીતે લાકડાના દાદરો બનાવી લેવાયા હતા સાથો સાથ ગેરકાયદેસર રીતે ભંડકિયા પણ બનાવ્યા હતા. જેના કારણે આગ પર કાબુ મેળવવામાં ફાયરના લાશ્કરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સુરત મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ પાસે અદ્યતન સાધનો છે તેમ છતાં પણ આગ પર કાબુ ન આવતા આખરે બારડોલી, નવસારી અને પલસાણાના ફાયર સ્ટાફને પણ મદદ માટે બોલાવાયો હતો. ઉપરાંત હજીરા પટ્ટી પર આવેલી ખાનગી કંપનીઓના ફાયર સ્ટાફની પણ મદદ લેવામાં આવી હતી. જો કે, સવારે નવ વાગ્યા સુધી આ વિકરાળ આગ હજુ સુધી સંપુર્ણ કાબુમાં આવી નથી.