શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 ઑક્ટોબર 2021 (16:40 IST)

30 દિવસનું પટેલ સરકારનું પર્ફોર્મન્સ, જનતાને સ્પર્શતા મુદ્દાઓ પર લીધા નિર્ણય

ગત સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં મોટી રાજકીય ઊથલપાથલ થઈ હતી. મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલવામાં આવ્યું હતું. ત્યાર બાદ 13 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીપદના શપથ લેવડાવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ શપથ લીધાને આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યાર બાદ 16 સપ્ટેમ્બરે મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા હતા. આમ, 16 સપ્ટેમ્બરથી નવી સરકાર અસ્તિત્વમાં આવી હતી. પટેલ સરકારના 16 ઓક્ટોબરે 30 દિવસ પુરા થયા છે. તો આવો જાણીએ આ નવી સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ કેવો રહ્યો. 
 
રાજ્ય સરકારે દર 4 દિવસે એક નિર્ણય લીધો છે, જેમાં મોટા ભાગે સીધા જનતાને સ્પર્શતા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. વર્ષોથી પેન્ડિંગ રહેલી ભરતીની જાહેરાતોથી લઈ માર્ગ મરામત સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. માત્ર એટલું જ નહીં, તાજેતરમાં દેશભરમાં ગાજેલા આર્યન ખાનના ડ્રગ્સકાંડ બાદ સરકારે તરત જ નાર્કો રિવોર્ડ પોલિસી પણ તૈયાર કરીને જાહેરાત પણ કરી દીધી હતી.
 
 શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ 18 સપ્ટેમ્બરના રોજ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ સમયે મંત્રીએ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી, જેમા મંત્રી જિતુભાઈ વાઘાણીએ પદભાર સંભાળતાંની સાથે જ રાજ્યના વિદ્યાર્થીઓ-યુવાઓ માટે મહત્ત્વના નિર્ણયો કર્યા હતા. શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત 906 વિદ્યાર્થીને રૂ. 7.83 કરોડની નાણાકીય સહાયને મંજૂરી આપી હતી.