શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 મે 2022 (10:06 IST)

ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં સામેલ કરાય એવી શક્યતા

gujrat garba
ગુજરાતની ઓળખ સમાન ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં સામેલ કરાય એવી શક્યતા છે. ભારત સરકારે કન્વેન્શન ફોર ધ સેફગાર્ડીંગ ઑફ ધ ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ યાદીમાં ગરબાનો સમાવેશ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

યુનેસ્કો દ્વારા આ હેરિટેજ યાદી તૈયાર કરવામાં આવે છે. જેમાં વિશ્વની ઐતિહાસિક સાંસ્કૃતિક પરંપરાઓ, કળાને સ્થાન આપવામાં આવે છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજીત વડનગર કૉન્ફરન્સમાં યુનેસ્કોના ભારત, ભુટાન, માલદીવ્સ અને શ્રીલંકા ખાતેના ડાયરેક્ટર એરિક ફોલ્ટે ગુજરાતના ગરબાને હેરિટેજમાં સામેલ થાય એ માટે શુભેચ્છા પાઠવી હતી.વડાપ્રધાન મોદીના વતન વડનગરને વૈશ્વિક ઓળખ આપવા વડનગર કૉન્ફરન્સ યોજાઈ છે. કૉન્ફરન્સમાં ફૉલ્ટે જણાવ્યું હતું કે યુનેસ્કો વર્ષ 2023માં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે યુનેસ્કો કન્વેન્શનની 20મી જયંતિ ઉજવશે જેમાં ભારત સરકાર ગુજરાતી ગરબાની લોક પરંપરાનું નામાંકન કરશે. ગુજરાત એ ભારતમાં સૌથી વધુ વિશ્વ ધરોહર શિલાલેખો ધરાવતું રાજ્ય છે જ્યાં ચાંપાનેર, રાણીની વાવ, અમદાવાદ અને ધોળાવીરા જેવા ઐતિહાસિક- સાંસ્કૃતિક વારસો ધરાવતા સ્થળો આવેલા છે તે ગુજરાત માટે ગૌરવ સમાન છે.વડનગરમાં યોજાતા તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઉજવવાની જાહેરાત કેન્દ્રિય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મિનાક્ષી લેખીએ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વડનગરને લેન્ડમાર્ક હેરીટેજ ટુરીઝમ ડેસ્ટીનેશન તરીકે વિકસાવવામાં આવશે.