ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સુરત , બુધવાર, 3 જુલાઈ 2024 (13:44 IST)

છાતીમાં બળતા યુવકે ઈનો પીધો છતાં રાહત ના થઈ, હોસ્પિટલ જતાં રસ્તામાં જ દમ તોડ્યો

Heart attack
હજીરા ખાતે ખાનગી કંપનીમાં કામ કરતાં યુવકને આજે વહેલી સવારે અચાનક છાતીમાં બળતુ હતું. જેથી તેણે તેના મિત્રને ઈનો લઈ આવવા કહ્યું હતું. ઈનો પીધા બાદ પણ કોઈ ફેર નહીં પડતાં તાત્કાલિક તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની આશંકા સેવાઇ રહી છે. મૃતક યુવક મૂળ ઝારખંડનો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
 
ઈનો પીધા બાદ પણ હરીચંદનની તકલીફ વધતી જતી હતી
મળતી માહિતી પ્રમાણે હજીરામાં આવેલી એલ એન્ડ ટી કંપનીમાં 38 વર્ષીય હરીચંદન રાજબંસી છેલ્લા 14 વર્ષથી કન્સ્ટ્રક્શનનું કામ કરતા અને ત્યાંની કોલોનીમાં રહેતા હતા. આજે વહેલી સવારે હરીચંદન ફોન પર વાત કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક તેમને છાતીમાં બળતરા થતા તેઓ સુઈ ગયા હતા. વધારે તકલીફ થતા તેમણે રૂમ પાર્ટનરને દુકાન પરથી ઇનો લાવવાનું કહ્યું હતું. રૂમ પાર્ટનર તાત્કાલિક ઇનો લઈ આવ્યો હતો. ઈનો પીધા બાદ પણ હરીચંદનને તકલીફ વધતી જતી હતી. 
 
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
હરીચંદનને તકલીફ વધતા કોલોની ઇન્ચાર્જને જાણ કરવામાં આવી હતી.જેને રૂમ પર આવી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સમાં હરિચંદનને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ દરમિયાન રસ્તામાં જ હરિચંદન બેભાન થઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલ લાવતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની શંકા હાલ તો સેવવામાં આવી રહી છે. જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.