શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 નવેમ્બર 2021 (17:49 IST)

જાહેર રસ્તાઓ પર મટન-મચ્છી વેચનારાઓ સામે સરકારની લાલ આંખ

રાજકોટ બાદ હવે વડોદરામાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન-મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ રાજ્યના મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇનો પણ અધિકાર નથી. ફૂટપાથ રાહદારીઓ માટે છે. એના પર હક ન જમાવવો જોઇએ, એ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ છે. એ જગ્યા પર વેજ કે નોન-વેજની લારી ન ઊભી રહી શકે. એને ઉપાડી જ લેવી પડે. વેજ-નોનવેજ જાહેરમાં બનતું હોય છે, એને કારણે એનો ધુમાડો ઊડતો હોય છે. એ રાહદારીઓને આંખોમાં લાગતો હોય છે, એને અટકાવવો જ પડશે. હું આ નિર્ણય બદલ રાજકોટ અને વડોદરાના મેયરને અભિનંદન આપું છું
 
આ પહેલા રાજકોટ શહેરના સદર વિસ્તારમાં સાંજના સમયે નાયબ કમિશનર એ.આર.સિંહ દબાણ હટાવ શાખાની ટીમ સાથે રાઉન્ડમાં નીકળ્યા હતા. જ્યાં મુખ્ય રસ્તાઓ પર ઊભેલી નોનવેજની લારીઓ યુદ્ધના ધોરણે બંધ કરાવી હતી. જ્યારે 4 રેકડીઓ જપ્ત કરી લીધી છે. રાજકોટના નાયબ કમિશનરે કહ્યું કે, આ અગાઉ પણ તમામને સૂચના આપી દેવામાં આવી છે.
 
કચ્છમાં કાર્યક્રમ દરમિયાન મહેસૂલ મંત્રીએ વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહીં કરવા માટે મ્યુનિસિપાલિટીના પગલાની પ્રસંશા કરી હતી અને એની માટે સખત પગલાની હિમાયત પણ કરી હતી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રસ્તામાં ઊભી રહેલી લારીઓ મામલે પોતાના નિવેદન પર અડગ છે. આજે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે કહ્યું કે, ‘ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી. રોડ પર લારીનું દબાણ એ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જોઈએ. નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જોઈએ.
 
ઉલ્લેખનીય છે કે ઘણા શહેરીજનોની એવી ફરિયાદ આવી હતી કે, જાહેરમાં માંસ મટન વેચાતા હોવાથી રસ્તા પર નીકળી શકાતું નથી. દિવાળીના તહેવાર પહેલા જ તમામ રેકડીવાળાને સૂચના આપી દેવામાં આવી હતી. જે લોકોને ધંધો કરવો છે તેઓ મેઈનરોડ કે રહેણાંક વિસ્તારથી દૂર ઔદ્યોગિક વિસ્તારમાં જઈને ધંધો કરી શકે છે. જેથી તે કોઈને નડતર રૂપ બનશે નહીં.