1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 ડિસેમ્બર 2021 (13:01 IST)

વડોદરાની નવરચના હાઇસ્કૂલનો ધો-8નો વિદ્યાર્થી અને પરિવારજન કોરોના પોઝિટિવ, ક્લાસનું ઓફલાઇન શિક્ષણ બંધ કરાયું

શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે, ત્યારે વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના હાઇસ્કૂલમાં ધોરણ-8(E)માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી અને તેનો એક પરિવારજન કોરોના પોઝિટિવ આવ્યો છે, જેથી એ વર્ગનું ઓફલાઇન શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે.

નવરચના હાઇસ્કૂલ દ્વારા વાલીઓને કરવામાં આવેલા વ્હોટ્સએપ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે ધો-8માં ભણતો વિદ્યાર્થી અને તેના પરિવારજન કોરોના પોઝિટિવ આવ્યાં છે. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીએ છેલ્લે ગત શુક્રવારે ઓફલાઇન ક્લાસમાં હાજરી આપી હતી, જેથી આ ક્લાસના વિદ્યાર્થીઓ હવે આગામી આદેશ સુધી ઓનલાઇન શિક્ષણ જ મેળવી શકશે. વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ આ અંગે જણાવ્યું હતું કે નવરચના હાઇસ્કૂલનો ધોરણ 8માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે, જેથી સરકારની કોરોના ગાઇડલાઇન્સ અનુસાર, તે વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોના ફેલાવાના ડર વચ્ચે વડોદરામાં તકેદારી રૂપે ગોત્રી હોસ્પિટલ ખાતે બાળકો માટે વેન્ટિલેટર સાથેનાં 10 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાની બે લહેર બાદ રાજ્યમાં વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જોકે હજુ સુધી 18 વર્ષથી મોટા માટે જ વેક્સિન આવી નથી. જ્યારે બાળકનું વેક્સિનેશન બાકી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 4 કેસ નોંધાયા છે. જોકે વડોદરામાં ઓમિક્રોનનો હજુ સુધી એક કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે શહેરની ગોત્રી હોસ્પિટલમાં બાળકો માટે વેન્ટિલેટરની સુવિધાવાળા 10 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.