શનિવાર, 13 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (12:03 IST)

વડોદરામાં પોલીસ સ્ટેશનની બહાર જ બે કોમ વચ્ચે પથ્થરમારો, 150 લોકો સામે ફરિયાદ

Vadodara: Stone pelting between two coms
Vadodara: Stone pelting between two coms

-  ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ
- કેટલાક યુવાનો નુ આરોપીની ધરપકડ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન 
- ખાટકીવાડની ગલીમાંથી અચાનક જ 150 લોકોનું ટોળું ધસી આવ્યું અને પથ્થરમારો શરૂ થયો 

વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ મુ્દે કેટલાક યુવાનો આરોપીની ધરપકડ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ સમયે ખાટકીવાડની ગલીમાંથી અચાનક જ 150 લોકોનું ટોળું ધસી આવ્યું અને પથ્થરમારો શરૂ થયો હતો.

પોલીસે ટોળાને કાબૂમાં લઇને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. પથ્થરમારો કરનારા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પથ્થરમારા સમયે વિરોધ કરી રહેલા યુવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.પથ્થરમારામાં કેટલીક લારીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

વડોદરાના જતીન અર્જુન પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,ગઇ 21 ફેબ્રુઆરીએ રાતના સમયે હું ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થયો હતો. જેથી અમારા ગ્રાહકોને જય શ્રીરામ કહીને શુભેચ્છા પાઠવી હું ઓફરની જાહેરાત કરતો હતો. તે દરમિયાન sahid-patel-7070 નામની ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપરથી કોમેન્ટ કરીને ધાર્મિક લાગણી દુભાય તેવા બિભત્સ શબ્દો લખ્યા હતાં. જેથી આ કોમેન્ટ મેં જોઈ અને તેની તપાસ કરતા તેનું નામ સહીદ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. મેં તેને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો નહોતો અને તેની ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. ઉપરથી કોમેન્ટ વાળો ફોટો ડિલિટ કરી નાખ્યો હતો. અમારા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ તેના ઘરે જઈ તપાસ કરતા તે મળી આવ્યો નહોતો. ત્યાર બાદ સહીદ સાથે ફોન પર વાત કરતા તે મારી સાથે દાદાગીરી કરીને ગાળો બોલવા લાગ્યો હતો. તેણે કહ્યું હતું કે, હું પાદરામાં બેઠો છું, તાકાત હોય તો આવીજા પાદરા. તેમ કહી મને ધાક ધમકી આપી હતી. તેની પોસ્ટથી ધાર્મિક લાગણી દુભાઇ હોવાથી મેં તેની સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના બાદ હિન્દુ સંગઠનો દ્વારા મોડી રાત્રે નવાપુરા પોલીસ સ્ટેશનની બહાર જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આરોપી સહીદ પટેલ જ્યાં સુધી હાજર નહીં થાય ત્યાં સુધી અહીંથી નહીં જઇએ તેવી જીદ પકડી હતી.આ સમયે પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા જામ્યા હતા. ત્યાર બાદ મોડી રાત્રે 12.50 વાગ્યાની આસપાસ ખાટકીવાડની ગલીમાંથી 150 જેટલા લોકોનું ટોળું અચાનક પોલીસ સ્ટેશન પાસે આવ્યું અને વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર પથ્થરમારો શરૂ કર્યો હતો. નવાપુરા પોલીસની ટીમ તુરંત જ એક્શનમાં આવી હતી અને ટોળાને વિખેર્યું હતું. જો કે, આ ઘટનામાં વિરોધ કરી રહેલા કેટલાક યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા.પોલીસે 100થી 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યુ છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.