1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Vibrant Gujarat Global Summit 2027

ગુજરાતમાં વિદેશી રોકાણ લાવવા CM ભૂપેન્દ્ર પટેલનો માસ્ટર પ્લાન, 22 દેશોમાં જશે પ્રતિનિધિમંડળ

bhupendra patel
ગુજરાતને વૈશ્વિક રોકાણના અગ્રણી કેન્દ્ર તરીકે વિકસાવવા રાજ્ય સરકારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 (Vibrant Gujarat Global Summit 2027) માટે તૈયારીઓ તેજ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાનારી આ સમિટ પહેલાં વિદેશી અને દેશના રોકાણકારો સુધી પહોંચવા માટે ખાસ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. આ અંતર્ગત વિશ્વના 22 દેશોમાં પ્રતિનિધિમંડળ મોકલવાની અને ભારતનાં 8 મોટા શહેરોમાં રોડ-શો યોજવાની યોજના છે.
 

22 દેશોમાં વિદેશી રોકાણકારો સાથે થશે બેઠકો

 
ગુજરાતમાં વિદેશી રોકાણ વધારવાના હેતુથી રાજ્ય સરકાર ઓસ્ટ્રેલિયા, જાપાન, જર્મની અને ફ્રાન્સ સહિત 22 દેશોમાં પ્રતિનિધિમંડળ મોકલશે. ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન વિદેશી રોકાણકારો તથા ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજવાનું આયોજન છે. આ મુલાકાતોમાં ગુજરાતની ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ, રોકાણની તકો અને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ સંભાવનાઓની માહિતી આપવામાં આવશે.
 
દેશનાં 8 શહેરોમાં યોજાશે રોડ-શો
 
વિદેશી રોકાણકારોની સાથે ભારતીય ઉદ્યોગપતિઓને પણ ગુજરાતમાં રોકાણ માટે પ્રોત્સાહિત કરવા સરકાર દેશના 8 શહેરોમાં રોડ-શો યોજશે. ગુવાહાટીથી ભુવનેશ્વર સહિતનાં શહેરોમાં યોજાનારા કાર્યક્રમો દ્વારા ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થાપવા, ઉત્પાદન એકમો શરૂ કરવા અને હાલના વ્યવસાયના વિસ્તરણ માટેની તકો રજૂ કરવામાં આવશે.

સેમિકન્ડક્ટર, AI અને ગ્રીન એનર્જી ક્ષેત્રો પર ફોકસ

 
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2027માં ભવિષ્યના ઉદ્યોગો અને આધુનિક ટેક્નોલોજી ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. તેમાં સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ફિનટેક, ગ્રીન એનર્જી અને ડેટા સેન્ટર જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં રોકાણ વધવાથી રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ, રોજગારીની તકો અને ટેક્નોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.

10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન મહાત્મા મંદિરમાં સમિટ

 
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027નું આયોજન 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવાનું આયોજન છે. આ સમિટમાં દેશ-વિદેશના રોકાણકારો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે.
 
રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતને મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી અને નવીન ઉદ્યોગો માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે. સમિટ દ્વારા નવા રોકાણ પ્રસ્તાવો આકર્ષવા અને ગુજરાતની આર્થિક પ્રગતિને વધુ વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
આગળનો લેખ
12 લોકોની ધરપકડ, STF તપાસ, ૨૫ લાખ વળતર... કોલકાતામાં ભાગદોડમાં 19 લોકોના મોત, અત્યાર સુધીના અપડેટ્સ વાંચો.