1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (11:01 IST)

અંબાજી રસ્તા પર ત્રિશુળીયા ઘાટનો વ્યું પોઇન્ટ પદયાત્રીઓ માટે આાકર્ષણનું કેન્દ્ર

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. 5 મી સપ્ટેમ્બરથી 10 મી સપ્ટેમ્બર સુધી યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો ઉત્સાહ અને થનગનાટ છે. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ચાલીને જવાનો મહિમા હોવાથી આ વિસ્તારના રસ્તાઓ ખુબ સારા હોવા જરૂરી છે. રસ્તાઓ સ્થળને જ નહીં પરંતુ માણસોને પણ એકબીજાથી જોડે છે. અંબાજી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને કોઇ તકલીફ કે મુશ્કેલી ન પડે તે માટે રૂ. ૧૨૦ કરોડના ખર્ચથી તૈયાર થયેલ દાંતા- અંબાજી ફોરલેન રસ્તાથી પદયાત્રિકોની સુવિધામાં વધારો થયો છે. 
 
યાત્રાધામ અંબાજીને જોડતા દાંતાથી અંબાજી સુધીના ૨૨ કિ.મી.નો રસ્તો ફોરલેન બનતા યાત્રિકોને મેળા દરમ્યાન મોટી સહુલીયત મળશે. અગાઉ અંબાજી આવતા ખાનગી વાહનો દાંતાથી રોકી દેવામામાં આવતા હતા. જે હવે અંબાજીથી ૩ કિલોમીટર પહેલાંના ગેટ પાસે ન્યુ કોલેજ સુધી વાહનો લઇને જઇ શકાશે. અંબાજી રસ્તા પર ત્રિશુળીયા ઘાટ ઉપર બનાવાયેલ સેલ્ફી પોઇન્ટ અને વ્યું પોઇન્ટ પદયાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 
 
ત્રિશુળીયા ઘાટ ખાતે સુંદર વ્યું પોઇન્ટની સુવિધાથી આ જગ્યાએ પરિવાર સાથે બાળકો, યુવાનો અને વડીલો, સોળે કળાએ ખીલેલા લીલાછમ્મ ડુંગરાઓની વચ્ચે અંબાજી જતા-આવતા સમયે રોકાઇને હરીયાળીને માણી શકે છે તેમજ ફોટોગ્રાફીનો આનંદ માણી શકે છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ મેળાને ધ્યાનમાં રાખી ડાબી બાજુ તરફનો રસ્તો પદયાત્રિકો માટે જ્યારે જમણી બાજુ તરફના રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
 
અત્રે ઉલ્લખનીય છે કે, સમગ્ર દેશ અને દુનિયાભરના શ્રધ્ધાળુઓ અંબાજી આવી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં દેશ- વિદેશથી આવતા યાત્રાળુંઓની સુવિધાઓમાં વધારો કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો. અમદાવાદથી અંબાજી, ડીસા- પાલનપુર થી અંબાજી, હિંમતનગરથી અંબાજી અને ઉત્તર ગુજરાતમાં અંબાજીને જોડતા રસ્તાઓને ચારમાર્ગીય બનાવવામાં આવ્યાં છે. પર્વતવાળા અને ડુંગરીયાળ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુબ ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
 
રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી યાત્રાધામ અંબાજી પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે. અંબાજીમાં હરવા- ફરવા સહિત પ્રવાસનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દાંતાથી અંબાજી રોડ પર ભૂતકાળમાં ત્રિશુળીયા ઘાટ ખાતે અવાર- નવાર અકસ્માતો થતાં હતા હવે આ રસ્તો ફોરલેન બનવાથી અકસ્માતોને પણ નિવારી શકાય છે સાથે યાત્રાળુંઓની સુરક્ષામાં વધારો થયો છે.