શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 માર્ચ 2017 (12:57 IST)

અમદાવાદમાં ૪૨.૮ ડિગ્રી સાથે આગઝરતી ગરમી:'યલો એલર્ટ' જારી

ગુજરાતમાં આ વખતે રેકોર્ડબ્રેક ગરમી પડશે તેવી હવામાન વિભાગ દ્વારા થોડા સમય અગાઉ આગાહી કરવામાં આવી હતી. ઉનાળાએ જે પ્રકારનો 'આગઝરતો' પ્રારંભ કર્યો છે એ જોતાં આ આગાહી સાચી પડે તેવી પૂરી સંભાવના જણાઇ રહી છે. આજે અમદાવાદ સહિત ૧૦ શહેરમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર થયો હતો. અમદાવાદામાં આવતીકાલે પણ ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર થાય તેવી આગાહી કરવામાં આવી છે

. જેના પગલે અમદાવાદમાં આવતીકાલ માટે 'યલો વોર્નિંગ' જાહેર કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ૪૨.૮ ડિગ્રી સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં માર્ચ માસ દરમિયાન ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર થયો હોય તેવું ૨૦૧૦ બાદ પ્રથમ વખત બન્યું છે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ૪૨ ડિગ્રી સુધી સરેરાશ મહતમ તાપમાન રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશને એક યાદીમાં જણાવ્યું હતું કે આ વર્ષે હજુ સુધી હીટ સ્ટ્રોકનો એકપણ કેસ નોંધાયો નથી. જોકે, આવી ગરમીમાં હીટસ્ટ્રોકથી સાબદા રહેવું ખૂબ જ જરૃરી છે. જેના ભાગરૃપે વધુ પ્રમાણમાં પાણી-છાશ જેવા પ્રવાહીનું સેવન કરવું, હળવા રંગના સૂતરાઉ વસ્ત્રો પહેરવા જેવી તકેદારીનો સમાવેશ થાય છે. ઉનાળાના આગમન સાથે રાત્રિનું સરેરાશ લઘુતમ તાપમાન પણ વધી રહ્યું છે. રવિવારે રાત્રે ૨૪.૭ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસા ૪૩.૪ ડિગ્રી સાથે રાજ્યનું 'હોટેસ્ટ સિટી' બની રહ્યું હતું. આમ, ડીસામાં ગરમીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો હતો.