પીપળો કોણ બન્યુ હતુ

pipal tree
Last Modified સોમવાર, 9 મે 2016 (16:06 IST)

આપણાં શાસ્ત્રોમાં પીપળાને સાક્ષાત્ માની તેનું પૂજન કરવાનો આદેશ છે. આપણાં તમામ વૃક્ષોમાં પીપળાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તે પાછળનો આશય લગભગ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે. આવો આપણે અહીં શાસ્ત્રોનાં મંથનના સ્વરૂપે ભગવાન વિષ્ણુ પીપળા સ્વરૂપ કેમ પામ્યા? તે જોઈએ.

પૂર્વે ઈન્દ્ર તથા સર્વ દેવોને બ્રહ્માએ ઉત્પન્ન કર્યા. તે બધા મળીને બ્રહ્માજીને કહેવા લાગ્યા કે, “બ્રહ્મદેવ,સર્વ કરતાં શંકર ઉત્તમ છે. તેમ ચારેય વેદ જણાવે છે. માટે આપણે તેમનાં દર્શન કરવા જવું જોઈએ.” દેવતાઓનાં આ વચન સાંભળી બ્રહ્માજી, સૂર્ય, દેવો સહિત કૈલાસમાં ગયા. ત્યાં કૈલાસના મુખ્ય દ્વાર ઉપર કોઈ દ્વારપાલ તેમના જોવામાં આવ્યો નહીં. શંકર તો અંદર હતા. તેથી અમારે શિવ પાસે જવું કે નહીં? અથવા પાછા ફરી જવું? આ ચિંતામાં સૂર્યદેવ પડ્યા.

એટલામાં ત્યાં નારદજી પ્રગટ થયા. દેવો નારદજીને પ્રણામ કરી નારદજીને કહેવા લાગ્યા કે, “મહાશું કરે છે? અમે અંદર જઈએ કે નહીં ? ” નારદજીએ કહ્યં, “હે સુરગણો, ચંદ્ર ક્ષીણ થયો. ત્યારથી તમે નીકળ્યા છો. ચંદ્રમા ક્ષય વખતે શંકર શું કરે છે? તેવું તમે પૂછ્યું માટે તમારા ઉપર મોટું વિઘ્ન આવશે. શંકર તો કામક્રીડામાં છે.” તેથી ઈન્દ્ર કહે છે કે, “હે નારદજી, હું ઈન્દ્ર, સઘળાં દુઃખોનો નાશ કરનાર છતાં દેવો ઉપર કેમ વિઘ્ન આવશે? તેથી નારદ ઈન્દ્રથી ડરવાનો અભિનય કરી ચાલાકીથી કહે છે કે, “હે દેવેન્દ્ર, મારું વચન કેમ સત્ય થશે? હવે હું રાધા દામોદરનું વ્રત કરીશ.”

તે પછી દેવો સહિત ઈન્દ્ર વિચારવા લાગ્યા કે હવે શું કરવું? પછી ઈન્દ્રે અગ્નિને કહ્યું કે, “હે અગ્નિદેવ આપ બ્રહ્માજીનું સ્વરૂપ લઈ અંદર જાવ, ત્યાં જો પ્રસંગ આવે તો આપણે આવ્યાની વાત કરજો. પ્રસંગ ના આવે તો માગણ બનીને જજો. તેથી તમારો કોઈ વધ કરશે નહીં કે કોઈ મારશે નહીં.” અગ્નિદેવ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અંદર ગયા. ત્યાં મા પાર્વતી શંકર સાથે ક્રીડા કરતા હતા. અગ્નિદેવને જોઈ લજવાયેલાં માતાજી ક્રીડા છોડી ઊભાં થઈ ગયાં અને પૂછ્યું કે, “હે અતિથિ તું કોણ છે? અહીં કેમ આવ્યો છે?” ત્યારે અગ્નિદેવે કહ્યું. “હે દેવી હું આંધળો વૃદ્ધ છું. મને ભૂખ લાગી છે. કાંઈક ખાવાનું આપો.” તેથી પાર્વતીએ વિચાર્યું કે આ તો અંધ છે. તેણે કાંઈ જોયું નથી. તેથી લાજ છોડી તેને ભોજન આપ્યું. અગ્નિદેવ તૃપ્ત થઈ બહાર આવ્યા.

સર્વ વાત દેવોને કહી. તે જ વખતે નારદજી ગુપ્ત રીતે પાર્વતી પાસે ગયા અને સર્વ વાત દેવોને કહી સાથે મીઠું મરચું નાખી કહેવા લાગ્યા કે, “હે જગદંબા, ઈન્દ્ર આદિ દેવતાએ જેવું કર્યું છે તેવું બીજું કોઈ કરશે?” આથી ઘણા આગ્રહથી પાર્વતીએ વાત જાણી. આપ તો જગતનાં માતા છો. આપનો ઉપહાસ કરાય? આથી માતાજીનાં નેત્રો ફફડવાં લાગ્યાં અને પછી નારદજી દેવતા પાસે આવ્યા ને કહ્યું, “હે સુરગણો, આપ હવે દેવાધિદેવનાં દર્શને જાવ.” આ નારદજીની વાત સાંભળી સઘળા દેવો અંદર ગયા. મહાદેવને હાથ જોડી પ્રણામ કર્યા. દેવો સાથે ઈન્દ્રને જોઈ મા પાર્વતી ક્રોધથી બોલ્યાં કે, ”હે દુષ્ટાત્મા તેં આજે મારી મશ્કરી કરી તેનું ફળ તું ભોગવ. જેટલી દેવજાતિ છે તે તમામ પોતાની સ્ત્રીઓને ભોગવી નહીં શકે. તથા પોતે પોતાની સ્ત્રીઓ સાથે ઝાડ અને વેલા થઈ જાવ.” માનું આ વચન સાંભળી બધા દેવો થથરી ગયા.

સર્વે પાર્વતીજીની સ્તુતિ કરવા લાગ્યા. તેથી પ્રસન્ન થયેલાં માતાએ કહ્યું. હે દેવો, મારું વચન મિથ્યા નહીં થાય. તમે બધા એક અંશત વૃક્ષ બનશે. બધા દેવો વૃક્ષ બની ગયા. વિષ્ણુ ભગવાન પીપળો બન્યા. શંકર વડ બન્યા. બ્રહ્મા ખાખરો બન્યા. ઈન્દ્ર વ્રજ બન્યો. ઉર્વશી તથા બીજી અપ્સરાઓ સુગંધીદાર પુષ્પવાળી માલતી વગેરે લતા બની ગઈ. સર્વ વૃક્ષ પૂજાય છે. તે દેવતા સ્વરૂપ હોવાથી તે પૂજાય છે.આમ વિષ્ણુ પીપળો બન્યા.આ પણ વાંચો :