શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By
Last Modified: ગુરુવાર, 28 જાન્યુઆરી 2016 (12:55 IST)

કુંભ મેળો - જાણો કુંભ મેળાનુ ધાર્મિક મહત્વ

કુંભ મેળો હિંદુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં કુંભ મેળો એ સાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે. જેથી એ ભારતીય ઉપખંડમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આ મેળો બાર વર્ષે એક જગ્યાએ યોજાય છે અને દર ત્રણ વર્ષે અલગ-અલગ સ્થાન પર યોજાય છે તેમાં હરિદ્વાર, ઉત્તરાંચલ, પ્રયાગ, ઉત્તર પ્રદેશ, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ અને નાસિક, મહારાષ્ટ્ર નો સમાવેશ થાય છે. આ મેળો ચાર મહિના સુધી ચાલે છે જેમાં દેશ અને દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં સાધુ-સંતો તેમજ શ્રધ્ધાળુઓ પવિત્ર નદીનાં પાણીમાં સ્નાન કરીને પુણ્યશાળી બનવાનો લ્હાવો લે છે અને ધન્યતા અનુભવે છે. તે સમયનું વાતાવરણ પવિત્ર અને ભક્તિભાવવાળું બની જાય છે. 
 
ઘણા શ્રધ્ધાળુઓ આ મેળો ચાર મહિના સુધી ચાલે ત્યાં સુધી તંબુઓ કે કેમ્પમાં જ રહે છે. આ સમયગાળાને કલ્પવાસ કહેવામાં આવે છે, જેથી ત્યાં રહેવાવાળાને કલ્પવાસી કહેવાય છે. પૌરાણિક મહત્વ કુંભ મેળો યોજવાનો આશય પૌરાણિક કથા અનુસાર એકવાર દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યુ. જેમાંથી અલગ-અલગ પ્રકારનાં ચૌદ રત્નો મળી આવ્યા હતાં. તેમાં સૌથી છેલ્લે અમૃતકુંભ મળી આવ્યો જેમાં અમૃત ભર્યુ હતુ અને તે જે પીવે તેને અમરત્વ મળી જાય. તેથી દેવતાઓ ઈચ્છતા ન હતા કે, તે અમૃતનું પાન દાનવો કરે અને જો આવુ બને તો દાનવો આ સૃષ્ટિ ઉપર બધાને માટે જીવવાનું હરામ કરી નાખે. 
 
તે સમયે બન્યુ એવુ કે, ઇન્દ્રનો પુત્ર જયંત અમૃતકુંભ લઈને ભાગવા લાગ્યો. આથી દેવતાઓ અને દાનવો તેની પાછળ દોડવા લાગ્યા. અમૃતકુંભ લેવાની ખેંચાખેંચમાં કુંભમાંથી અમૃતનાં બિંદુઓ જે સ્થાન પર પડ્યાં હતાં તે ચાર નગરીઓનાં સ્થાને કુંભમેળાઓ દર બાર વર્ષે યોજાય છે. જેથી સાધુ સમાજ તેમજ લોકોમાં આ સ્થાને સ્નાનનું ખાસ મહત્વ છે.