ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By ગુરપ્રીત સૈની|
Last Modified: ગુરુવાર, 29 એપ્રિલ 2021 (13:21 IST)

કોરોના વાઇરસ : ઘરમાં માસ્ક પહેરવાથી કોરોના સંક્રમણથી બચી શકાશે?

હવે ઘરમાં પણ માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે." નીતિ આયોગના આરોગ્ય સભ્ય ડૉક્ટર વી. કે. પૌલે સોમવારે દેશવાસીઓને આ સલાહ આપી ત્યારે દરેક ઘરમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે શું લોકો હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી?
 
ઘરમાં કોઈને કોરોનાનો ચેપ લાગ્યો હોય તો બાકીના સભ્યો માસ્ક પહેરે તે વાત તો સમજી શકાય.
 
જોકે ઘરમાં કોઈને ચેપ લાગ્યો ન હોય અને છતાં ઘરમાં માસ્ક પહેરવાથી કોરોનાથી બચી શકાય, તે સલાહ કેટલી મહત્ત્વની છે?
 
આ સમજવા માટે અમે કેટલાક નિષ્ણાત ડૉક્ટરો સાથે વાત કરી. આ ઉપરાંત આ મુદ્દા સાથે સંકળાયેલા બીજા સવાલોના જવાબ શોધવા પણ અમે પ્રયાસ કર્યો.
 
'કોરોના વાઇરસ હવાથી ફેલાઈ શકે', આ રહ્યાં 10 કારણો
 
ઘરમાં માસ્ક પહેરવાથી શું ફાયદો થાય?
 
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ઘરમાં માસ્ક પહેરવામાં કોઈ નુકસાન નથી. જોકે થોડો ઘણો ફાયદો થશે, કારણકે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને હવે આખેઆખા પરિવારોને કોરોના થઈ રહ્યો છે.
 
ગુરુગ્રામસ્થિત ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વેસ્ક્યુલર અને એન્ડોવેસ્ક્યુલર સર્જરીના સિનિયર કન્સલ્ટન્ટ ડૉક્ટર હિમાંશુ વર્માએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું કે:
 
"ભારત અત્યંત ગીચ વસતી ધરાવતો દેશ છે. ખાસ કરીને દિલ્હી સહિત ઘણી જગ્યાએ એક-એક ઘરમાં અને કેટલીક જગ્યાએ એક જ રૂમમાં ઘણા બધા લોકો એકસાથે રહેતા હોય છે."
 
તેઓ કહે છે કે આ વખતે કોઈને કોરોનાનો ચેપ લાગે તેવી શક્યતા વધારે છે.
 
ડૉ. હિમાંશુ વર્માએ જણાવ્યું, "તમારા ઘરમાં કોઈને કોરોના થયો હોય તો માસ્ક પહેરવું જ પડે. પરંતુ કોઈને કોરોના ન હોય તો પણ ગીચ વિસ્તારમાં અથવા બહુમાળી ઇમારતમાં રહેનારા લોકોએ ઘરમાં માસ્ક પહેરવું જોઈએ."
 
દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ ઍપોલો હૉસ્પિટલમાં રેસ્પિરેટરી અને ક્રિટિકલ કૅરના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. રાજેશ ચાવલાએ બીબીસીને જણાવ્યું કે તેમણે પહેલેથી જ લોકોને આ અંગે સલાહ આપવી શરૂ કરી દીધી હતી.
 
ડૉ. રાજેશ ચાવલા જણાવે છે, "કોઈ વ્યક્તિ ઘરમાંથી બહાર જતી ન હોય તો વાંધો નથી. પરંતુ કોઈ એક વ્યક્તિ બહાર જતી હોય તો તે પણ બહારથી કોરોનાનો ચેપ લાવી શકે છે."
 
"શક્ય છે કે વ્યક્તિ પોતે ઍસિમ્પ્ટમેટિક હોય પરંતુ ઘરના બાકીના સભ્યોને તે ચેપ આપી શકે. તેથી આમ કરવું બહુ જરૂરી છે."
 
ડૉક્ટરોની સલાહ છે કે જે ઘરના લોકો બહાર નથી જતા અથવા કોઈ ખુલ્લી જગ્યામાં રહેતા હોય તથા બીજા લોકો સાથે સંપર્કમાં આવવાની શક્યતા ઓછી હોય ત્યાં ઘરમાં માસ્ક પહેરવું એટલું જરૂરી નથી. પરંતુ ઘરના કોઈ પણ સભ્ય બહારની વ્યક્તિ સાથે સંપર્કમાં આવતા હોય તો તેમણે ઘરમાં માસ્ક પહેરવું જોઈએ.
 
માત્ર માસ્ક પહેરવાથી સંક્રમણની ચેઈન તૂટશે?
 
ડૉ. હિમાંશુ માને છે કે માસ્ક પહેરવાની સલાહ આપવી સરળ છે, પરંતુ વ્યવહારુ રીતે તેનું પાલન કરવું લોકો માટે મુશ્કેલ બનશે. ઘણા લોકો એમ પણ કહે છે કે હંમેશાં માસ્ક પહેરીને કેવી રીતે રહેવું.
 
આ અંગે ડૉક્ટર રાજેશ ચાવલા જણાવે છે કે તમે રૂમમાં એકલા હોવ ત્યારે તમે માસ્ક ઉતારી શકો છો. સાથે જ હાથ ધોતા રહેવાની ટેવ પણ ચાલુ રાખવી જોઈએ.
 
ડૉક્ટર હિમાંશુ એમ પણ કહે છે કે કુંભ મેળો અને ચૂંટણીઓ પછી 'હવે તો બધું ચાલે છે' એવી માનસિકતા વિકસી છે. આ માનસિકતા બદલવી જરૂરી છે.
 
જોકે, તેમણે કહ્યું કે અત્યારે એક સખત લૉકડાઉન લાદવાની જરૂર હતી. તેમણે જણાવ્યું કે લૉકડાઉનની અત્યારે જેટલી જરૂર છે એટલી અગાઉ ક્યારેય ન હતી.
 
તેઓ માને છે કે લોકોને ઘરમાં માસ્ક પહેરવાની સલાહ આપીને સરકાર લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા માગે છે. જેથી લોકોને એવું લાગે કે તેઓ કમસે કમ કંઈક કરી રહ્યા છે.
 
વાઇરોલૉજિસ્ટ અને વેલ્લોરસ્થિત ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજના પ્રોફેસર ડૉ. ગગનદીપ કંગે હિંદુસ્તાન સાથેની વાતચીતમાં જણાવ્યું કે "વિશ્વના બીજા ભાગોમાં આ માટે ખાસ સલાહ આપવામાં આવી છે."
 
"અમેરિકાના સીડીસી (સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન)નું કહેવું છે કે પરિવારના તમામ સભ્યોએ રસી લઈ લીધી હોય તો તમે માસ્ક વગર ઘરમાં એકબીજા સાથે રહી શકો છો. એટલે કે રસી મુકાવવાથી આ મોટો ફાયદો થશે."
 
કોરોના વાઇરસની બીજી લહેરમાં કેમ વધારે ઓક્સિજનની જરૂર પડી રહી છે?
 
કોરોના વાઇરસના સંક્રમણથી કયું માસ્ક સુરક્ષિત રાખે છે?
 
એન-95 માસ્ક મોંઘાં છે અને બધા લોકો તેને નથી ખરીદી શકતાં. પરંતુ ડૉ. કંગ જણાવે છે કે વાલ્વ વગરના એન-95 માસ્ક સૌથી વધારે સુરક્ષિત હોય છે.
 
જોકે, તમે એન-95 અથવા સર્જિકલ માસ્ક બહુ વ્યવસ્થિત રીતે પહેરો તે બહુ જરૂરી છે.
 
ડૉ. હિમાંશુ કહે છે કે માસ્ક નાકથી નીચે ઊતરી ન જાય તેનું ધ્યાન રાખો. માસ્ક નાકથી નીચે લટકતું હોય અને વ્યવસ્થિત રીતે પહેર્યું ન હોય તો તેનો કોઈ ફાયદો નથી.
 
આ લેખમાં ડૉ. ગગનદીપ જણાવે છે કે માસ્ક લગાવ્યા પછી તમારાં ચશ્માં પર ધુમ્મસ છવાઈ જાય તો તેનો અર્થ એ થયો કે માસ્ક યોગ્ય રીતે નથી પહેર્યું. એટલે કે ચશ્માંના નીચેના ભાગમાંથી હવા માસ્કની બહાર નીકળી રહી છે. તેથી માસ્ક પર નોઝ પિસ હોય તો તે નાક પર યોગ્ય રીતે ફિટ થાય તે જરૂરી છે.
 
કઈ જગ્યાએ કેવાં પ્રકારનું માસ્ક પહેરવું જોઈએ?
 
ડૉક્ટર કંગ જણાવે છે કે તમે કોઈ જોખમી જગ્યાએ હોવ તો એન-95 માસ્ક પહેરો.
 
બાકીની જગ્યાએ ત્રણ લેયરવાળું સારી ક્વૉલિટીનું સર્જિકલ માસ્ક પહેરો.
 
માત્ર કપડાનું માસ્ક પહેરવાથી નહીં ચાલે. તમે પહેલાં સર્જિકલ માસ્ક પહેરો અને તેની ઉપર કોટનનું માસ્ક પહેરશો તો ચાલશે.
 
શું વાઇરસ હવામાં તરી રહ્યા છે? ડૉક્ટર્સ શું કહે છે?
 
ઘરમાં માસ્ક પહેરવાની સલાહ અપાયા પછી ઘણા લોકોનાં મનમાં એવો સવાલ પેદા થયો કે શું વાઇરસ હવામાં તરી રહ્યા છે? શું કોરોના વાઇરસ બારી અને વૅન્ટિલેશનમાંથી ઘરમાં પ્રવેશીને લોકોને સંક્રમિત કરી શકે છે?
 
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે આ વખતના વાઇરસમાં હવામાં ફેલાવાની ક્ષમતા અગાઉ કરતાં વધારે હોય તેમ લાગે છે.
 
ડૉ. હિમાંશુ કહે છે, "તમે ગીચ વિસ્તારમાં રહેતા હોવ અથવા બહુમાળી ઇમારતમાં રહેતા હોવ, આસપાસમાં ઘણા બધા લોકો રહેતા હોય, ઘરની અંદર પણ ઘણા લોકો રહેતા હોય તો ત્યાં માસ્ક પહેરી રાખવાનો પ્રયાસ કરો, કારણકે અત્યારે ઍરો-ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. એટલે કે હવામાં વાઇરસ છે."
 
ડૉ. ગગનદીપ પણ અખબારમાં છપાયેલા પોતાના લેખમાં જણાવે છે કે આ વાઇરસ પહેલાંથી જ ઍરબોર્ન હતો, કારણ કે તે રેસ્પિરેટરી (શ્વાસોચ્છવાસથી ફેલાતો) વાઇરસ છે. આ વાઇરસ તમારા મોઢાં અને નાકથી બહાર આવે છે. વાઇરસ બે રીતે બહાર આવે છે. એકમાં અણુ બહુ નાના હોય છે, બીજામાં અણુ મોટા હોય છે.
 
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે સૌથી પહેલા આ વાઇરસ વિશે સાંભળવામાં આવ્યું ત્યારે તે માનવીથી માનવીમાં ફેલાય છે કે નહીં તે નક્કી ન હતું.
 
ત્યારપછી જ્યારે ખબર પડી કે તે માનવીથી માનવીમાં પ્રસરી શકે છે, ત્યારે એવું વિચારવામાં આવ્યું કે ડ્રૉપલેટ ઇન્ફૅક્શનના કારણે આમ થાય છે.
 
ડ્રૉપલેટ ઇન્ફૅક્શન મોટા અણુ હોય છે. એટલે કે તમે શ્વાસ છોડો છો ત્યારે તે અણુ તમારી આસપાસ જ પડશે. એટલે કે લગભગ ત્રણથી છ ફૂટ સુધીમાં નીચે પડશે. આ કારણથી જ બે ગજનું અંતર રાખવાની વાત કરવામાં આવે છે, જેથી તમે તે ઝોનમાંથી બહાર રહો.
 
નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે હવે જાણવા મળ્યું છે કે આ સંક્રમણ માત્ર ડ્રૉપલેટ નથી, તે ઍરોસોલ પણ છે. એટલે કે વાઇરસના અણુ પાંચ માઇક્રોનના કટઑફથી નાના છે.
 
આ અણુ આટલા નાના હોય તો તે લાંબા સમય સુધી હવામાં તરી શકે છે. તમે એક સંક્રમિત વ્યક્તિની સાથે એક બંધ ઓરડામાં હોવ તો ધીમે-ધીમે તે અણુ ત્યાં એકત્ર થવા લાગશે.
 
તેથી વૅન્ટિલેશન જરૂરી છે, જેથી હવાનું સર્ક્યુલેશન જળવાઈ રહે અને અણુ બહાર આવતાની સાથે જ ડાયલ્યુટ થઈ જાય. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આ કારણથી જ ઘરમાં યોગ્ય વૅન્ટિલેશન હોવું જરૂરી છે.
 
જોકે ડૉ. હિમાંશુ કહે છે કે બારીઓ ખુલ્લી રાખવી કે બંધ, તે એક વિવાદાસ્પદ બાબત છે.
 
તેઓ કહે છે, "આપણે બારી ખુલ્લી રાખીએ તો વૅન્ટિલેશન વધે છે અને ઘરમાં કોઈ પૉઝિટિવ હોય અને બારી બંધ રાખી હોય તો વાઇરસને ઘરમાંથી બહાર નીકળવા નથી મળતું. તેથી આ વિશે કંઈ પણ કહેવું વિવાદાસ્પદ રહેશે."
 
પરંતુ ઘણા લોકો ઘરમાંથી બહાર ગયા વગર સંક્રમિત થાય છે. આવું શા માટે?
 
કોઈ વ્યક્તિ હંમેશાં ઘરની અંદર રહેતી હોય તો પણ તેને કોરોનાનો ચેપ કઈ રીતે લાગે છે? આવો સવાલ ઘણા લોકો પૂછે છે.
 
ડૉ. ગગનદીપ કંગ મુજબ આવું બે કારણથી થઈ શકે છે. પ્રથમ, તમને કદાચ ખબર નથી કે તમારા ઘરમાં આવનાર કોઈ વ્યક્તિ કોરોનાગ્રસ્ત હતી.
 
કોરોના વાઇરસ : ભારતીય વૅરિયન્ટ શું છે, તેના પર રસીની અસર થશે?
 
આ સંભવ છે, કારણકે તમે યુવાન લોકોની સાથે રહેતા હોવ તો શક્ય છે કે તેમને લક્ષણો વગરનું ઇન્ફૅક્શન થયું હોય. તેનાથી તેમને તકલીફ નહીં પડી હોય, પરંતુ ઘરમાં મોટી ઉંમરની અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિના શરીરમાં આ વાઇરસ પ્રવેશી શકે છે.
 
બીજા એક કારણની ચર્ચા થાય છે, પરંતુ તેની સાબિતી નથી મળી. તે મુજબ તમને ડ્રૉપલેટ ઇન્ફૅક્શન થયું હોય અને ડ્રૉપલેટ તમારી આસપાસ પડતા હોય છે.
 
ત્યારપછી તમે તેને સાફ કરો ત્યારે ડ્રૉપલેટમાંથી ઍરોસોલ બની જાય છે. શક્ય છે કે ત્યારબાદ તે ગમે ત્યાં તરવા લાગે અને બીજાને સંક્રમિત કરી દે.
 
ડૉ. હિમાંશુના જણાવ્યા પ્રમાણે તેના વૈજ્ઞાનિક આધાર વિશે કંઈ સાંભળવા નથી મળ્યું. પરંતુ તેઓ માને છે કે વ્યવહારુ અને કૉમન સેન્સના આધારે તેને યોગ્ય ઠરાવી શકાય છે.
 
તેઓ કહે છે, "આપણે અભૂતપૂર્વ સ્થિતિનો સામનો કરીએ છીએ. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિક આધાર આપવો થોડો મુશ્કેલ હોય છે."
 
"વૈજ્ઞાનિક રીતે તો આવું જોવા મળ્યું નથી. પરંતુ બીજા દેશોની વાત કરીએ તો ત્યાં આપણા કરતાં ઓછી વસતી છે. તેથી તેમની સામે આવી મુશ્કેલી ક્યારેય પેદા નથી થઈ."
 
ઘરમાં સુરક્ષિત રહેવા માટે માસ્ક પહેરવા ઉપરાંત શું કરવું?
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે પ્રાણાયામ જેવા શ્વાસ સંબંધિત વ્યાયામથી ઘણો ફાયદો થઈ શકે છે.
 
ડૉક્ટરો કહે છે કે કોઈ લક્ષણ હોય તો શરૂઆતમાં લોકો પોતાને કોવિડ હોઈ શકે છે તે વાત સ્વીકારવા તૈયાર નથી થતા. પરંતુ લક્ષણોની શરૂઆતમાં જ ડૉક્ટરની સલાહ લેવામાં આવે તો સારું રહેશે. હાલમાં ઘણા ડૉક્ટરો ફોન દ્વારા આવા દર્દીઓને મદદ કરી રહ્યા છે.