શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 1 મે 2022 (17:10 IST)

ગુજરાતનું એ રેલવે સ્ટેશન જ્યાં ટિકિટ મહારાષ્ટ્રમાં લેવી પડે છે અને ગુજરાતમાં ટ્રેન પકડવી પડે

નવાપુર ખાતે આવેલું રેલવે સ્ટેશન અડધું ગુજરાતમાં આવેલું છે, જ્યારે અડધું મહારાષ્ટ્રમાં આવેલું છે. ફળનાં બે અડધિયાં પાડવામાં આવે એવી રીતે નવાપુર રેલવે સ્ટેશનની વચ્ચે રાજ્યની સરહદ અંકિત કરવામાં આવેલી છે.
 
સ્ટેશનમાં ટ્રેન ઊભી રહે ત્યારે અડધી ગુજરાતમાં અને અડધી મહારાષ્ટ્રમાં ઊભી હોય છે. મહારાષ્ટ્ર બાજુથી આવતી ટ્રેન ઊભી રહે છે ત્યારે તેનું એન્જિન ગુજરાતમાં અને ડબ્બા મહારાષ્ટ્રમાં હોય છે.
 
તો ગુજરાતમાંથી જતી ટ્રેન આ સ્ટેશને ઊભી રહે છે ત્યારે તેનું એન્જિન મહારાષ્ટ્રમાં અને ડબ્બા ગુજરાતમાં હોય છે.
 
નવાપુર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર અનુરાગ મિશ્રા કહે છે, "આ સ્ટેશનને તમે સેલ્ફી પૉઇન્ટ કે ફોટો પૉઇન્ટ પણ કહી શકો છો. સ્ટેશનમાં બે રાજ્યોની સરહદ જોવા લોકો અહીં દૂરદૂરથી ફોટો પડાવવા માટે આવે છે."
 
ગુજરાતના તાપી જિલ્લાની અને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા વચ્ચેની સરહદ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો વચ્ચેની સરહદ છે. નવાપુરાનું અડધું રેલવે સ્ટેશન ગુજરાતના તાપી જિલ્લાની હદમાં અને અડધું નંદુરબાર જિલ્લાની હદમાં આવેલું છે.
 
સ્ટેશનની વચ્ચોવચ બંને રાજ્યની સીમારેખા અંકિત કરવામાં આવેલી છે.
 
સ્થાનિક જનક દલાલ કહે છે, "કદાચ આખા ભારતમાં અડધું-અડધું બે રાજ્યોમાં વહેંચાયેલું હોય એવું નવાપુર સિવાયનું કોઈ સ્ટેશન નહીં હોય. નવાપુરનું સ્ટેશનની સ્વચ્છતા પણ ધ્યાન ખેંચે તેવી છે. સ્ટેશન એકદમ સ્વચ્છ છે."
 
બૉમ્બે સ્ટેટમાંથી બે અલગ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય બન્યાં ત્યારે નવાપુરનું રેલવે સ્ટેશન અડધું મહારાષ્ટ્રની હદમાં અને અડધું ગુજરાતની હદમાં અંકિત થયું હતું.
 
મુસાફર વિશાલ પાટીલ કહે છે, "હું રોજ રેલવેમાં અપ-ડાઉન કરું છું. સ્ટેશન બંને રાજ્યમાં આવેલું હોવાથી અને સ્ટેશનની સ્વચ્છતાને લઈને સારી લાગણી થાય છે."
 
બાંકડો બન્યો સેલ્ફી પૉઇન્ટ
સ્ટેશનમાં ટિકિટબારી મહારાષ્ટ્રની હદમાં છે એટલે કહી શકાય કે મુસાફરે ટ્રેનની ટિકિટ મહારાષ્ટ્રમાંથી લેવી પડે અને ટ્રેનમાં બેસવા માટે ગુજરાતમાં આવવું પડે છે.
 
નવાપુર રેલવે સ્ટેશને આ સ્થળે એક બાંકડો મૂકીને સુંદર સેલ્ફી પૉઇન્ટ પણ બનાવવામાં આવ્યો છે, બાંકડાનો અડધો હિસ્સો મહારાષ્ટ્રમાં અને અડધો ગુજરાતમાં આવેલો છે. એટલે બાંકડાના એક છેડે મહારાષ્ટ્ર અને બીજા છેડે ગુજરાત લખેલું છે.
 
સ્ટેશનમાં ટિકિટબારી મહારાષ્ટ્રની હદમાં છે એટલે કહી શકાય કે મુસાફરે ટ્રેનની ટિકિટ મહારાષ્ટ્રમાંથી લેવી પડે અને ટ્રેનમાં બેસવા માટે ગુજરાતમાં આવવું પડે છે.
 
નવાપુર રેલવે સ્ટેશનનના સ્ટેશન માસ્ટર અનુરાગ મિશ્રા કહે છે, "300 કિલોમીટરના નવાપુર તાપ્તી સેક્શનમાં કુલ સલ્થાનથી લઈને પાલ્દી સુધી 27થી 28 રેલવે સ્ટેશન આવે છે. નવાપુર સ્ટેશને બે ફૂટ ઓવરબ્રિજ આવેલા છે. એક ગુજરાતના યાત્રીઓ માટે અને બીજો મહારાષ્ટ્રના યાત્રીઓ માટે. નવાપુર રેલવે સ્ટેશન સિવાય સમગ્ર રૂટમાં બે ફૂટ ઓવરબ્રિજ હોય એવું કોઈ સ્ટેશન નથી."
 
તેમના મતે, આ સિવાય નવાપુર એવું રેલવે સ્ટેશન છે જેનાં ત્રણ પ્લૅટફૉર્મ છે અને ત્રણેય અલગઅલગ છે.