ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (14:58 IST)

અક્ષરધામ હુમલો : 20 વર્ષે પણ ચર્ચાતો સવાલ કે 'હુમલા પાછળ કોણ હતું?'

ગાંધીનગરના બહુપ્રતિષ્ઠિત અક્ષરધામ મંદિર પરના હુમલાની આજે 20મી વરસી છે. આ હુમલાને કારણે ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો.
 
બંદૂકધારીઓને નાથવા માટે નેશનલ સિક્યૉરિટી ગાર્ડ્સના બ્લૅકકૅટ કમાન્ડોઝને મેદાન પર ઉતારવામાં આવ્યા. તેમણે આખી રાત અભિયાન હાથ ધર્યું અને બંને હુમલાખોરોનાં મૃત્યુ સાથે અભિયાન સમાપ્ત થયું.
 
પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો કે હુમલા પાછળ પાકિસ્તાનસ્થિત ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો અને મૃતક તેની સાથે જોડાયેલા હતા. મૃતકોને મદદ કરવા તથા કાવતરું ઘડવાના આરોપ સબબ છ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી.
 
જોકે, સુપ્રીમ કોર્ટે તમામ છને નિર્દોષ છોડી મૂક્યા હતા અને ગુજરાત પોલીસની કામગીરી પર ગંભીર સવાલ ઊભા કર્યા હતા.
 
2002માં હુમલો
 
ગુજરાતમાં ગોધરાકાંડને પગલે ફાટી નીકળેલાં હુલ્લડ શાંત પડી ગયાં હતાં. છએક મહિનાથી રાજ્યમાં શાંતિ હતી અને જનજીવન સામાન્ય થવા લાગ્યું હતું. ધીમે-ધીમે લોકો છૂટથી ફરવા લાગ્યા હતા.
 
વિધાનસભા ચૂંટણી યોજાવાને લગભગ ત્રણેક મહિનાનો સમય હતો, પરંતુ રાજકીય વાતાવરણ ગરમ હતું અને આરોપ-પ્રતિઆરોપ ચાલી રહ્યા હતા.
 
તા. 24 સપ્ટેમ્બર, 2002ના દિવસે મંગળવાર હતો. મુલાકાતીઓ તથા શ્રદ્ધાળુઓ અક્ષરધામ મંદિરની મુલાકાત લઈ રહ્યા હતા. એવામાં સૈન્ય ગણવેશમાં બે શખ્સ મંદિર પરિસરમાં દાખલ થયા અને એકે-56 રાઇફલોમાંથી અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા, આ સિવાય હેન્ડ ગ્રૅનેડ પણ ફેંક્યા.
 
શરૂઆતમાં ગુજરાત પોલીસે સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પહોંચી ન વળતા એનએસજીની મદદ માગવાનો નિર્ણય લેવાયો.
 
બ્લૅકકેટ કમાન્ડોની એક વિશેષ ટુકડી એ જ દિવસે સાંજે પહોંચી ગઈ અને મોરચો સંભાળી લીધો.
 
આખી રાત એનએસજી તથા બંને હુમલાખોરો વચ્ચે અથડામણ ચાલી, જે પછી બંનેનાં મૃત્યુ થઈ ગયાં. આ પહેલાં 30થી વધુ લોકોનાં મૃત્યુ થયાં તથા 80થી વધુ લોકો ઘાયલ થઈ ગયા હતા. મૃતકોમાં ગુજરાત પોલીસના જવાન પણ સામેલ હતા.
 
આ હુમલામાં સૃજનસિંહ ભંડારી નામના એનએસજી કમાન્ડોનું પણ મૃત્યુ થયું હતું. તેમને ગોળી વાગતા અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
 
પરિવારજનોની ઇચ્છાને ધ્યાનમાં લઈને તેમને નવી દિલ્હીના એઇમ્સ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મે-2004માં તેમનું મૃત્યુ થયું હતું.
 
પોલીસે દાવો કર્યો કે મૃતક પાકિસ્તાની નાગરિક હતા તથા તેમનાં નામ મુર્તુઝા હાફિઝ યાસિન તથા અશરફ અલી મોહમ્મદ ફારૂખ હતા તથા તેમણે પાકિસ્તાનસ્થિત ઉગ્રપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઇશારે હુમલાને અંજામ આપ્યો હતો, આ કામમાં તેમને સ્થાનિકોની મદદ મળી હતી.
 
સ્થાનિકો પર મદદનો આરોપ
પોટાની વિશેષ કોર્ટે જુલાઈ-2006માં આપેલા ચુકાદામાં આદમ અજમેરી, શાન મિયાં તથા મુફ્તી અબ્દુલ કય્યૂમ મોહમ્મદ સલીમ શેખને આજીવન કેદની, અબ્દુલ મિયાં કાદરીને 10 વર્ષની અને અલ્તાફ હુસૈનને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.
 
સુરક્ષાના કારણસર સાબરમતી જેલમાં જ અદાલત બેઠી હતી. તેમની પર હત્યા, ગુનાહિત કાવતરું ઘડવાના તથા હુમલાખોરોને મદદ કરવાના આરોપ મૂકવામાં આવ્યા હતા.
 
હાઈકોર્ટ દ્વારા નીચલી કોર્ટના આદેશ પર મહોર લાગે તે પછી જ તેની સજા અમલી બને. આ સિવાય દોષિતોએ પણ સજાની સામે ગુજરાત હાઈકોર્ટમાં ધા નાખી હતી.
 
ઉચ્ચ અદાલતમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા માજીદ મેમણે ચિઠ્ઠીની ભાષા પર સવાલ ઉઠાવ્યા હતા.
 
કેસ ચાલી જતા હાઈકોર્ટે ત્રણની મૃત્યુદંડ સહિતની સજાઓને બહાલ રાખી હતી, જેની સામે આરોપીઓએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરી હતી.
 
તેમનું કહેવું હતું કે તેમની પાસે બળજબરીપૂર્વક તથા માર મારીને કબૂલાતનામાં લેવામાં આવ્યાં હતાં.
 
 
કેવી રીતે થયા મુક્ત?
સુપ્રીમ કોર્ટમાં વિખ્યાત વકીલ કેટીએસ તુલસી આરોપીઓ વતી કેસ લડ્યા હતા. તેમણે તપાસ અધિકારી ડીજી વણજારા તથા ગુજરાત સરકારની ઇચ્છા પર સવાલ ઉઠાવ્યા હતા તથા કોર્ટની દેખરેખમાં અન્ય સ્વતંત્ર સંસ્થા દ્વારા તપાસની માગ કરી હતી.
 
વણજારા એ સમયે સોહરાબુદ્દીન નકલી ઍન્કાઉન્ટર કેસમાં જેલમાં બંધ હતા. આગળ જતા તુલસી કૉંગ્રેસમાં જોડાઈ ગયા અને રાજ્યસભાના સાંસદ પણ બન્યા.
 
અક્ષરધામ કેસમાં સુપ્રીમ કોર્ટના બે જજની બેન્ચે 281 પાનાંનો ચુકાદો આપ્યો હતો, જેમાં નોંધ્યું હતું કે પોટાના કેસની સુનાવણી કરતી વખતે ધ્યાનમાં રાખવું ઘટે કે આ કાયદો માનવાધિકારના ભંગ તથા પોલીસને આપવામાં આવેલી અમર્યાદ સત્તાઓને કારણે રદ કરવામાં આવ્યો હતો.
 
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે પોટા લગાડવાની મંજૂરી આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય જ ખોટો હતો. ગૃહમંત્રીએ વગર વિચાર્યે તેના માટે મંજૂરી આપી દીધી હતી. તપાસનીશ અધિકારી સાથે મસલત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું કે 'કબૂલાતનામા' પછી જે કાગળિયા પર સહી લેવામાં આવી હતી, તે દસ્તાવેજ પર જ સહી કરીને તેમને જણાવવું જોઈતું હતું. સીજેએમ સમક્ષ નિવેદન બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના બદલે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા, જેને સર્વોચ્ચ અદાલતે સીજેએમની અસંવેદનશીલતા ઠેરવી હતી.
 
ત્રણ શખ્સો પર કાવતરામાં સામેલ થવાનો આરોપ હતો અને તેમને જ સાક્ષી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા, જેને વિશ્વસનીય ગણવાનો અદાલતે ઇન્કાર કરી દીધો.
 
પોલીસને હુમલાખોરોના ખિસ્સામાંથી ઉર્દૂમાં લખેલી ચિઠ્ઠીઓ મળી હતી, જેને પોલીસ દ્વારા આરોપી ગણાવાયેલા શખ્સો સામે પુરાવા તરીકે રજૂ કરવામાં આવી.
 
સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે મૃતકનાં શરીર માટી અને લોહીથી ખરડાયેલા હતા, જ્યારે ચિઠ્ઠી પર કોઈ નિશાન ન હતાં. લખાણ અંગે નિશ્ચિતપણે કશું કહેવામાં આવ્યું ન હતું. હસ્તાક્ષરના નિષ્ણાત ઉર્દૂ, અરબી તથા ફારસી ભાષાની વચ્ચે ભેદ કરવામાં પણ નિષ્ફળ રહ્યા હતા.
 
સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે દરેક આરોપીનું કહેવું હતું કે તેને સમગ્ર કાવતરા અંગે જાણ હતી, છતાં દરેકનાં નિવેદન વિરોધાભાસી હતાં.
 
પોલીસે તપાસ એજન્સીઓની કર્મણ્યતા પર પણ સવાલ ઉઠાવ્યા અને નોંધ્યું કે જે ઘટનાને કારણે અનેક મૂલ્યવાન જિંદગીઓ ગઈ, તેની તપાસમાં ઢીલ વર્તવામાં આવી અને ખરા ગુનેગારોને પકડવાને બદલે નિર્દોષોને સંડોવી દેવામાં આવ્યા.
 
આ પછી નિર્દોષ છૂટેલા કેટલાક શખ્સોએ બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે તેમને દેશના કાયદા પર વિશ્વાસ હતો, જેને સુપ્રીમ કોર્ટે બહાલ કર્યો હતો.
 
સુપ્રીમ કોર્ટનો ચુકાદો 2014માં આવ્યો. જોકે, એ પહેલાં આરોપી તરીકે નોંધાયેલા છ લોકોએ તેમના જીવનનાં 11 વર્ષ ગુમાવી દીધાં હતાં. 20 વર્ષે પણ એક સવાલ ઊભો છે કે આ હુમલા પાછળ કોણ-કોણ હતું અને શું દોષિતોને ક્યારેય સજા થશે