ઇન્ડોનેશિયા સરકાર સ્થાનિક કૅરિયર બાટિક ઍરની તપાસ કરી રહ્યું છે. ઍરલાઇનની એક ફ્લાઇટના બંને પાઇલટ ફ્લાઇટની મધ્યમાં 28 મિનિટ સુધી ઊંઘી ગયા હોવાનું બહાર આવ્યા બાદ આ તપાસ કરવામાં આવી રહી છે.
બંનેને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 25 જાન્યુઆરીએ સુલાવેસીથી રાજધાની જકાર્તાની ફ્લાઇટ દરમિયાન તેઓ ઊંઘી ગયા હતા.
તેમાંથી એક તેમનાં નવજાત જોડિયાં બાળકોની સંભાળ રાખવામાં મદદ કરવાથી કંટાળી ગયા હોવાથી ઊંઘી ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
બંને ઊંઘી જતા ઍરબસ A320 થોડા સમય માટે માર્ગ પરથી હટી ગયું હતું પરંતુ તમામ 153 મુસાફરો અને ચાલક દળના સભ્યોને કોઈ નુકસાન ન થતાં તે સુરક્ષિત રીતે તેના નિશ્ચિત હવાઈમથકે ઊતરી ગયું હતું.
32 વર્ષીય પાઇલટે તેમના સહ-પાઇલટને ટેક ઑફ કર્યાના અડધા કલાક પછી ઍરક્રાફ્ટને કંટ્રોલ કરવા કહ્યું હતું અને કહ્યું હતું કે તેને આરામ કરવાની જરૂર છે. પરિવહન મંત્રાલયના અહેવાલ મુજબ, 28 વર્ષીય કો-પાઇલટ સંમત થયા હતા.
પરંતુ કો-પાઇલટ પણ અજાણતા જ ઊંઘી ગયા હતા. અહેવાલ મુજબ તે તેમની પત્નીને તેમના એક મહિનાના જોડિયા બાળકોની સંભાળ રાખવામાં મદદ કરતા હતા.
જકાર્તા ઍર ટ્રાફિક કંટ્રોલે તેમના છેલ્લા રેકર્ડ કરેલા ટ્રાન્સમિશન પછી બાટિક ઍર A320ના કૉકપિટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.
તેમનો રેડિયો 28 મિનિટ સુધી કોઈ જવાબ નહોતો આપી રહ્યો. જ્યાં સુધી મુખ્ય પાયલટ જાગી ગયા અને સમજાયું કે તેમનો સહ-પાઇલટ પણ ઊંઘી ગયો છે ત્યાં સુધી એ સિલસિલો ચાલુ રહ્યો. તેમણે એ પણ શોધી કાઢ્યું કે, વિમાન થોડા સમય માટે માર્ગથી દૂર થઈ ગયું હતું.
ત્યારપછી પાઇલટોએ જકાર્તાના કૉલનો જવાબ આપ્યો અને પ્લેનને સુરક્ષિત રીતે લૅન્ડ કરાવ્યું.
ફ્લાઇટ પહેલાં મેડિકલ ટેસ્ટમાં માનવામાં આવતું હતું કે, બંને પુરુષ પાઇલટ ફ્લાઇટ ઉડાવવા માટે યોગ્ય છે. તેમનું બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ નૉર્મલ હતા અને આલ્કોહોલ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.
ઉડ્ડયન નિષ્ણાત એલ્વિન લાઇએ બીબીસી ઇન્ડોનેશિયનને જણાવ્યું હતું કે, જ્યારે પાઇલટ સંપૂર્ણ આરામ કરે છે, ત્યારે તેમના આરામની ગુણવત્તા સારી હતી કે કેમ તે નક્કી કરવામાં પરીક્ષણો નિષ્ફળ ગયાં.
સત્તાવાળાઓએ હવે આ ઘટના અંગે બાટિક ઍરને "જોરદાર ઠપકો" આપ્યો છે. ઇન્ડોનેશિયાના ઍર ટ્રાન્સપોર્ટના વડા એમ. ક્રિસ્ટી એન્ડાહ મુર્નીએ કહ્યું કે બાટિક ઍરએ તેમના ક્રૂના આરામના સમય પર વધુ ધ્યાન આપવું જોઈએ.
બાટિક ઍરએ કહ્યું છે કે, તે "પર્યાપ્ત આરામ નીતિ સાથે કાર્ય કરે છે" અને તે "તમામ સલામતી ભલામણોને અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ છે."
2019માં તે જ ઍરલાઇનના પાઇલટ બેહોશ થયા પછી ઇમરજન્સી લૅન્ડિંગ કરવાની ફરજ પડી હતી .
મોટા ભાગના દેશોમાં ઉડ્ડયન નિયમોમાં કમર્શિયલ ઍરલાઇનર્સના કૉકપિટમાં ઓછામાં ઓછા બે પાઇલટ હાજર હોવા જરૂરી છે
જ્યારે પાઇલટ બેભાન થઈ ગયા
વર્ષ 2019માં પરિવહન મંત્રાલયે જકાર્તાથી કુપાંગ જતી ફ્લાઇટમાં બાટિક ઍરના પાઇલટના બેભાન થઈ જવાથી તમામ ફ્લાઇટ સ્ટાફની આરોગ્ય તપાસ કરવાનો આદેશ આપ્યો હતો જેના કારણે વિમાનનું ઇમરજન્સી લૅન્ડિંગ થયું હતું.
સિવિલ એવિએશન સેફ્ટી રેગ્યુલેશન્સ (CASR) દ્વારા નિયમન મુજબ નાગરિક ઉડ્ડયનના મહાનિર્દેશક પોલાના બી પ્રમેસ્ટી દ્વારા આરોગ્ય તપાસનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
પોલાનાએ પત્રકારોને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઊડાણ કરતા પહેલાં ફ્લાઇટ ઑપરેટરોએ ફરજ પરના પાઇલટન તથા કેબિન ક્રૂ અને ટેકનિશિયનની આરોગ્ય તપાસ કરવી જરૂરી છે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જેથી ફ્લાઇટ દરમિયાન મુસાફરોની સલામતીની ખાતરી મળે."