શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 મે 2020 (12:30 IST)

કોરોના ગરીબી : મા રાતભર હાંડલીમાં પથ્થરો ઉકાળતી રહી અને બાળકો દયા ખાઈને ઊંઘી ગયાં

કોરોના સંકટે કેન્યામાં એક મહિલાને એટલાં ગરીબ બનાવી દીધાં કે બાળકોનું દિલ બહેલાવવા માટે એમને પથ્થરો રાંધવાનું કરુણ નાટક કરવું પડ્યું. આઠ બાળકોની એ માતાનું નામ પેનિના બહાતી કિત્સાઓ છે.પેનિના નિરક્ષર અને વિધવા છે અને લોકોનાં કપડાં ધોઈને પોતાનું અને બાળકોનું ગુજરાન ચલાવતાં હતાં. જોકે કોરોના મહામારીની શરૂઆત થતાં એમનું કામ ઠપ થઈ ગયું.
 
પેનિનાની મુશ્કેલીઓ એ હદે વધી ગઈ કે તેમની પાસે બાળકોને ખવડાવવા માટે પૈસા ન રહ્યા. એમણે બાળકોનું દિલ બહેલાવવા પથ્થરો ઉકાળવાનું શરૂ કર્યું. પેનિનાએ વિચાર્યું કે એમને કંઈક રાંધતાં જોશે એટલે બાળકો એની રાહ જોતાં સૂઈ જશે. જોકે એમની આ ઘટનાનો વીડિયો એમની પડોશમાં રહેતાં પ્રિસ્કા મોમાનીએ બનાવી લીધો અને એમણે મીડિયાને આની જાણ કરી.
 
પ્રિસ્કા બાળકોનાં રડવાનો અવાજ સાંભળી એમને કોઈ પરેશાની છે કે નહીં એ જોવા માટે ત્યાં ગયાં હતાં.
 
આખો દેશ આવ્યો મદદમાં
પેનિના નિરક્ષર અને વિધવા છે
પેનિનાની કહાણી જાણીને લોકોએ એમના માટે રકમ ભેગી કરી. આખા કેન્યામાંથી એમને ફોન આવવા લાગ્યા.
 
કેન્યાની એનટીવીને આપેલી મુલાકાતમાં એમણે કહ્યું કે એક પડોશીએ એમનું બૅન્કમાં ખાતું ખોલાવી આપ્યું અને પછી લોકોએ મોબાઇલ ઍપની મદદથી એમને પૈસા મોકલ્યા.
 
કેન્યાની રૅડક્રોસ સોસાયટીએ પણ એમની ઘણી મદદ કરી છે.
 
પેનિનાએ કહ્યું, એમને અંદાજ નહોતો કે કેન્યાના લોકો આટલા દરિયાદિલ છે, એ એક ચમત્કાર જેવું છે.
 
એમણે કેન્યાની ટુકો ન્યૂઝ વેબસાઇટને આપેલી એક મુલાકાતમાં કહ્યું કે, મારાં બાળકોને ખબર પડી ગઈ હતી કે હું પથ્થર રાંધવાનું નાટક કરીને એમને પંપાળવાની કોશિશ કરી રહી છું, પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ ન હતો.
 
પેનિના કેન્યાના મોમ્બાસા શહેરમાં બે ઓરડાના એક મકાનમાં રહે છે. એમનાં ઘરે ન તો પાણી આવે છે કે ન તો વીજળીની સગવડ છે.
 
કેન્યામાં કોરોના સંક્રમણના 395 કેસ સામે આવ્યા છે અને 19 લોકોનાં મૃત્યુ થયાં છે.
 
આફ્રિકા સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલે (સીડીસી) કોવિડ-19ના ઇલાજ માટે કેટલીક દવાઓ અને વૅક્સિનનું પરીક્ષણ શરૂ કર્યું છે.
 
આફ્રિકા મહાદ્વીપના 52 દેશોમાં કોરોના સંક્રમણના 37 હજારથી વધારે દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો છે.
 
આફ્રિકા સીડીસીનું કહેવું છે કે દુનિયાની સરખામણીમાં સંક્રમણ ઓછું છે. જોકે, અનેક આફ્રિકન દેશોમાં દવાઓ અને વૅક્સિનનું પરીક્ષણ ચાલે છે.
 
જામ્બિયામાં ઍન્ટિ-મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ ચાલે છે. દક્ષિણ આફ્રિકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે મળીને ઇબોલાની ઍન્ટિ-વાઇરલ દવા રેમડેસિવિર અને ક્લોરિક્વીનનું પરીક્ષણ પણ કરી રહ્યું છે. નાઇજીરિયામાં પણ એક દવાનું પરીક્ષણ ચાલે છે.