ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By કીર્તિ દુબે|
Last Modified: સોમવાર, 7 જૂન 2021 (13:26 IST)

કોરોના વૅક્સિન : નરેન્દ્ર મોદી સરકારનો ડિસેમ્બર સુધીમાં બધા જ વયસ્કોને રસીનો વાયદો, પણ આંકડા ઊભી કરે છે શંકા - રિયાલિટી ચેક

કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે વર્ષના અંત સુધીમાં દેશના પુખ્ત વયના બધા 100 કરોડ લોકોને કોવિડ-19ની વૅક્સિન મળી જશે.
 
બધા જ 100 કરોડ લોકોનું સંપૂર્ણપણે રસીકરણ કરવા માટે 200 કરોડ વૅક્સિન ડોઝની જરૂર પડશે.
 
4 જૂન સુધીમાં દેશમાં 22 કરોડ વૅક્સિન ડોઝનો ઉપયોગ કરાયો છે, જે દેશની કુલ વસતીના 4.2 ટકા લોકો થયા.
 
16 જાન્યુઆરીએ દેશમાં વૅક્સિન આપવાનું શરૂ થયું હતું અને એપ્રિલ મહિનામાં રસીકરણ સૌથી તેજ ગતિએ ચાલવા લાગ્યું હતું. રોજના સરેરાશ 40 લાખ લોકોને રસી આપવાનું શક્ય બન્યું હતું.
 
ત્યારબાદ મે મહિનાથી 18થી 45 વર્ષના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું, પરંતુ તે સાથે જ રોજના અપાતા ડોઝની સરેરાશ ઘટીને 23 લાખની થઈ ગઈ.
 
સરકારના દાવા અને સામે આંકડા
દરમિયાન સરકારે દાવો કર્યો કે ઑગસ્ટથી ડિસેમ્બર સુધીમાં 108 કરોડ લોકો માટે 216 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે. એટલે કે આ દાવા પ્રમાણે ભારતમાં દર મહિને ઓછામાં ઓછા 40 કરોડ વૅક્સિન ડોઝ તૈયાર થવા જોઈએ.
 
13 મેના રોજ દેશમાં કોવિડ-19 ટાસ્ક ફોર્સના વડા અને નીતિ આયોગના સભ્ય વી. કે. પૉલે આરોગ્ય મંત્રાલયની પત્રકારપરિષદમાં એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમાં દર્શાવાયું હતું કે ઑગસ્ટ-ડિસેમ્બરની વચ્ચે ભારતમાં બધા જ પુખ્ત વયના લોકોને આપવા માટે પૂરતી રસી ઉપલબ્ધ હશે.
 
ઑગસ્ટ-ડિસેમ્બર વચ્ચે દેશમાં કઈ કંપની કેટલા ડોઝ તૈયાર હશે તેની માહિતી પણ તેમણે આપી હતી : કોવિશિલ્ડ (સીરમ ઇન્સ્ટિટ્યૂટ) - 75 કરોડ ડોઝ, કોવૅક્સિન (ભારત બાયોટેક) - 55 કરોડ ડોઝ, બાયો ઈ-સબયુનિટ વૅક્સિન - 30 કરોડ ડોઝ, ઝાયડસ કેડિલા - 5 કરોડ, કોવેક્સ (સીરમ ઇન્સ્ટિટ્યૂટ) - 20 કરોડ, નેઝલ વૅક્સિન (ભારત બાયોટેક) - 10 કરોડ ડોઝ, જેનોવા વૅક્સિન - 6 કરોડ અને સ્પુતનિક-V - 15 કરોડ.
 
આ આંકડા અનુસાર બીબીસીએ એ સમજવાની કોશિશ કરી છે શું પાંચ મહિના દરમિયાન દર મહિને 40 કરોડ લોકોને રસી આપી શકાશે? જાન્યુઆરીથી મે સુધીમાં 22 કરોડ વૅક્સિન ડોઝ અપાયા છે.
 
મંત્રાલયે આઠ પ્રકારની વૅક્સિનનો ઉલ્લેખ કર્યો, તેમાંથી માત્ર બે વૅક્સિન કોવિશિલ્ડ અને કોવૅક્સિનનો જ હાલમાં ઉપયોગ થઈ રહ્યો છે.
 
રશિયાની સ્પુતનિક-V થોડાં અઠવાડિયાંમાં ઉપલબ્ધ થવાની છે. આ ત્રણ સિવાય પાકીની પાંચ વૅક્સિનનો ઉલ્લેખ કરવામાં આવ્યો, તેને હજી સુધી મંજૂરી આપવામાં આવી નથી.
 
સરકારે બાયો-ઈ સબયુનિટ વૅક્સિનના 30 કરોડ ડોઝનો ઑર્ડર પણ આપી દીધો છે, પરંતુ તે હજી ટ્રાયલના છેલ્લા તબક્કામાં છે.
 
ઝાયડસ કેડિલા અને નોવેક્સ ત્રીજી ટ્રાયલના તબક્કામાંથી પસાર થઈ રહી છે.
 
બાકીની બે વૅક્સિન ભારત બાયોટેકની નેઝલ વૅક્સિન અને જેનોવાની એમઆરએનએ વૅક્સિનની હજી પ્રારંભિક ટ્રાયલ જ ચાલી રહી છે.
 
પ્રથમ અને દ્વિતીય ટ્રાયલ ચાલી રહી છે. તેથી આ બંને વૅક્સિનની ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થાય અને અનુક્રમે 10 કરોડ અને 6 કરોડ ડોઝ તૈયાર થઈ જાય તેવું થોડું મુશ્કેલ લાગે છે.
 
નોવેક્સ અમેરિકી વૅક્સિન છે, જેનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યૂટ કરવાની છે. કંપનીએ સફળ ક્લિનિકલ ટ્રાયલ કરી છે, પરંતુ હજી સુધી અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને તેને મંજૂરી આપી નથી.
 
ભારતમાં લગભગ 94.5 કરોડ પુખ્ત વયના લોકો છે. તે રીતે ભારતને 189 કરોડ ડોઝની જરૂર પડે. વર્તમાન ગતિથી રસીકરણ ચાલતું રહે તો બધાને રસી આપવામાં અઢીથી ત્રણ વર્ષ નીકળી જાય તેમ છે.
 
આ સંજોગોમાં વી. કે. પૉલનો ડિસેમ્બર સુધીમાં બધા માટે 216 કરોડ ડોઝ તૈયાર હશે અને લાગી ગયા હશે તેવો લક્ષ્યાંક વધારે પડતો લાગી રહ્યો છે. કુલ 216 કરોડ ડોઝનો ટાર્ગેટ છે, તેમાં 146 કરોડ ડોઝ કોવિશિલ્ડ, કોવૅક્સિન અને સ્પુતનિક-V એ ત્રણ વૅક્સિનના છે.
 
કોવિશિલ્ડ અને કોવૅક્સિનનું કેટલું ઉત્પાદન થઈ શકશે?
મે મહિનાના આખરમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે કેન્દ્ર સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે જૂન મહિનાથી કંપની દર મહિને કોવિશિલ્ડના 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે. હાલમાં કંપની દર મહિને 6.5 કરોડ ડોઝ તૈયાર કરે છે.
 
સીરમ ઇન્સ્ટિટ્યૂટ એસ્ટ્રાઝેનેકાએ તૈયાર કરેલી વૅક્સિનનું ઉત્પાદન કરી રહી છે અને તે દુનિયાની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે.
 
સરકારના આંકડા અનુસાર ડિસેમ્બર સુધીમાં કંપની 75 કરોડ ડોઝ આપશે. જોકે હાલમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ પૂરતા પ્રમાણમાં રસી ઉત્પાદનમાં મુશ્કેલી અનુભવી રહી છે.
 
વી. કે. પૉલના દાવા અનુસાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ જો દર મહિને 10 કરોડ વૅક્સિનનું ઉત્પાદન કરે તો ઑગસ્ટથી ડિસેમ્બર સુધીમાં 50 કરોડ થાય. જૂનથી 10 કરોડ વૅક્સિન આપવાનું શરૂ થાય તો પણ સાત મહિનામાં 70 કરોડ થશે, જે અનુમાન કરતાં 5 કરોડ વૅક્સિન ડોઝ ઓછા થશે.
 
બીજી મેના રોજ કંપનીએ જણાવ્યું હતું કે સરકાર તરફથી સીરમ ઇન્સ્ટિટ્યૂટને 26 કરોડ વૅક્સિન માટેનો ઑર્ડર મળ્યો છે, જેમાંથી 15 કરોડની ડિલિવરી આપી દેવામાં આવી છે. બાકીની 11 કરોડ વૅક્સિન આગામી 'કેટલાક મહિનામાં' અપાશે.
 
હવે વાત કરીને ભારતમાં ઘરઆંગણે તૈયાર થયેલી વૅક્સિન કોવૅક્સિનની. મે મહિનાના અંતમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોવૅક્સિનનું ઉત્પાદન જુલાઈ-ઑગસ્ટમાં વધીને દર મહિને 6-7 કરોડનું થઈ જશે. હાલમાં કંપનીમાં દર મહિને એક કરોડ કોવૅક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે.
 
જોકે આ પછી કોવૅક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ''વૅક્સિન બનાવવાથી માંડીને ટેસ્ટિંગ સુધીની સમગ્ર પ્રક્રિયામાં ચાર મહિના લાગી શકે છે. માર્ચ મહિનામાં જે પ્રોડક્શન બેચ શરૂ થઈ હતી, તેની ડિલિવરી અમે જૂનમાં કરી શકીશું. વૅક્સિનનું ઉત્પાદન વધારવા માટે તબક્કા વાર પ્રક્રિયા કરવી પડે, તેમાં ઘણી એસઓપી અને ગૂડ મૅન્યુફૅક્ચરિંગ પ્રૅક્ટિસનો સમાવેશ થતો હોય છે.''
 
કંપનીએ ચાર મહિના લાગશે એમ જણાવીને સ્પષ્ટ કરી દીધું કે ઉત્પાદન વધારવું એટલું સહેલું નથી હોતું.
 
ભારત બાયોટેકની કોવૅક્સિન ઉત્પાદનક્ષમતા હાલમાં વર્ષે 70 કરોડ અને દર મહિને 5.8 કરોડ ડોઝનું છે. તેથી તેને સાત ગણું વધારી દેવું તે કંપની માટે મોટો પડકાર બની શકે છે.
 
સ્પુતનિક-V: જેની જોવાઈ રહી છે રાહ
ભારતમાં જે વિદેશી વૅક્સિન પર મોટી આશા બાંધવામાં આવી છે, તે છે રશિયાની સ્પુતનિક-V.
 
સ્પુતનિક - Vને ભારતમાં મંજૂરી આપી દેવામાં આવી છે. ભારતમાં અત્યાર સુધીમાં સ્પુતનિકના 2 લાખ 10 હજાર ડોઝ રશિયાથી મોકલવામાં આવ્યા છે. ભારતમાં આ વૅક્સિનની ક્લિનિકલ ટ્રાયલ અને વિતરણની જવાબદારી ડૉક્ટર રેડ્ડીઝ લૅબ પાસે છે.
 
રશિયા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડે પાંચ ભારતીય કંપનીઓ સાથે રસીના ઉત્પાદન માટે કરાર કર્યો છેઃ સ્ટેલિસ બાયોફાર્મા, ગ્લેન્ડ ફાર્મા, હેટ્રો બાયોફાર્મા, પેનેશ્યા બાયોટેક અને વીરચાઓ બાયોટેક. આ કંપનીઓ દ્વારા દર મહિને 5 કરોડ સ્પુતનિક-Vનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે.
 
ભારતમાં સ્પુતનિકનું ઉત્પાદન શરૂ થઈ ગયું કે કે નહીં અને અત્યાર સુધીમાં કેટલા ડોઝ તૈયાર થયા? ડિસેમ્બર સુધીમાં 15 કરોડ વૅક્સિન ડોઝ બની જશે ખરા? આ સવાલોનો સ્પષ્ટ જવાબો મળી રહ્યા નથી.
 
સરકારે અત્યાર સુધીમાં કેટલી વૅક્સિનના ઑર્ડર આપ્યા?
 
દેશમાં રસીકરણ યોજના બે તબક્કામાં કરવાની હતી અને વૅક્સિનની ખરીદીની પૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકાર પાસે હતી.
 
કેન્દ્ર સરકાર જ સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક સાથે કોવિશિલ્ડ અને કોવૅક્સિન ખરીદવા માટે વાતચીત કરી રહી હતી.
 
પહેલી મેથી દેશમાં 18થી 44 વર્ષના લોકોના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થયો હતો. તે સાથે જ સરકારે રસીકરણની નવી નીતિ પણ જાહેર કરી.
 
નવી નીતિમાં જણાવાયું કે વૅક્સિન કંપનીઓ તેનું 50 ટકા ઉત્પાદન કેન્દ્ર સરકારને આપશે. તેમાંથી આરોગ્ય કર્મચારીઓ અને 45થી મોટી ઉંમરના લોકોને રસી આપવામાં આવશે.
 
બાકીની 50 ટકા વૅક્સિન કંપનીઓ રાજ્ય સરકારો અને ખાનગી હૉસ્પિટલોને નિર્ધારિત કિંમતે આપશે એવું નક્કી થયેલું.
 
એપ્રિલમાં બિઝનેસ સ્ટાન્ડર્ડે આપેલા અહેવાલમાં એવો ઘટસ્ફોટ થયો કે માર્ચ 2021 પછી કેન્દ્ર સરકારે વૅક્સિન માટેનો કોઈ નવો ઑર્ડર જ આપ્યો નહોતો. તેના ત્રણ મહિના પછી છેક આરોગ્ય મંત્રાલયે વૅક્સિનના ઑર્ડર અંગેની માહિતી જાહેર કરી હતી.
 
મંત્રાલયના જણાવ્યા અનુસાર 28 એપ્રિલ, 2021ના રોજ કેન્દ્ર સરકારે કોવિશિલ્ડના 11 કરોડ ડોઝનો ઑર્ડર આપ્યો હતો અને તે માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટને 1732.50 કરોડ રૂપિયા ચૂકવાયા હતા. આ ડોઝ મે, જૂન અને જુલાઈમાં આપવાના હતા. તે પહેલાં સીરમ ઇન્સ્ટિટ્યૂટને 10 કરોડ ડોઝનો ઑર્ડર અપાયેલો હતો.
 
આ ઉપરાંત કોવૅક્સિનના 5 કરોડ ડોઝ માટે પણ 28 એપ્રિલે ઑર્ડર અપાયો હતો. તે રસી પણ મે, જૂન અને જુલાઈમાં આપવાની હતી. આ માટે કંપનીને 787 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
 
આ ઑર્ડર્સ પ્રમાણે જુલાઈ સુધીમાં વૅક્સિન મળી જશે, પરંતુ તે પછી ઑગસ્ટથી આગળ શું તેની કોઈ સ્પષ્ટ માહિતી નથી.
 
શું કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને નવા ઑર્ડર આપ્યા છે ખરા? ઑગસ્ટમાં આ કંપનીઓ કેટલી વૅક્સિન કેન્દ્ર સરકારને આપશે તેની માહિતી નથી.
 
અહીં એ પણ નોંધવું જોઈએ કે કરાર અનુસાર સીરમ ઇન્સ્ટિટ્યૂટે વૅક્સિનનો અમુક જથ્થો બ્રિટન મોકલવો જરૂરી હતો. આગલા મહિનાઓમાં પણ વધુ રસી મોકલવા માટેનો કરાર થયો હશે તેમ માની શકાય.
 
એ જ રીતે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અમેરિકન વૅક્સિન નોવેક્સ તૈયાર કરશે, તેનો પણ અમુક જથ્થો અમેરિકા મોકલવાનો અનિવાર્ય હશે.
 
આ સંજોગોમાં સીરમ જેટલા પણ ડોઝ તૈયાર કરશે, તે બધા જ ભારત માટે જ રાખવામાં આવશે ખરા? આ સવાલ પણ ઊભો જ છે.