રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 4 ડિસેમ્બર 2019 (17:53 IST)

ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં હેલ્મેટ પહેરવો ફરજિયાત નહીં

વિજય રૂપાણી સરકારની મળેલી કૅબિનેટમાં નિર્ણય લેવાયો છે કે હવે ટૂ વ્હિલરચાલકોએ શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવો ફરજિયાત નથી.
વાહનવ્યવહારમંત્રી આર. સી. ફળદુએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે કૅબિનેટની બેઠકમાં લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે.
તેમણે કહ્યું કે નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોને ઘણી અવગડ પડતી હતી. તેઓને સામાજિક પ્રસંગોમાં હેલ્મેટ પહેરીને જવામાં મુશ્કેલી થતી હતી.
સરકાર સામે હેલ્મેટ અંગે અનેક વાર રજૂઆત અને ફરિયાદો પણ આવી હતી.
 
લોકોએ ભારે વિરોધ કરતાં નિર્ણય લીધો
ફળદુએ મીડિયા સામે જણાવ્યું કે "રાજ્યના નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારની હદ અને રોડ પર હેલ્મેટ પહેરવો ફરજિયાત નહીં રહે. તેમજ હેલ્મેટ ન પહેર્યો હોય તો પણ પોલીસ કોઈ દંડ નહીં કરી શકે."
"નગરપાલિકા અને મહાનગરપાલિકાના સિવાયના તમામ માર્ગો અને ગ્રામીણ વિસ્તારોમાં હેલ્મેટ પહેરવો ફરજિયાત છે."
ઉલ્લેખનીય છે કે જ્યારે ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
તેમજ ટ્રાફિકના નવા નિયમો અને દંડમાં વધારો કરતાં પણ લોકોએ વિરોધ કર્યો હતો.
 
આર. સી. ફળદુએ વધુમાં કહ્યું કે સરકાર અને વાહનવ્યવહાર વિભાગનો એક મત હતો કે માર્ગ-અકસ્માતમાં માથામાં ઈજા થવાને કારણે લોકોના જીવ જતા હતા. આથી સરકારે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિર્ણય લીધો હતો.
"જોકે આ મામલે તમામ શહેરોમાંથી વિરોધ થતાં અને સોશિયલ મીડિયામાં પણ ભારે વિરોધ થતાં આખરે નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં હેલ્મેટ મરજિયાત કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.
જોકે, રાજ્યના ધોરીમાર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને પંચાયતના માર્ગો પર હેલ્મેટ પહેરવો ફરજિયાત છે.
ફળદુએ કહ્યું કે સરકારના નિર્ણય પ્રમાણે આજથી પણ હેલ્મેટ મરજિયાત થઈ જશે.