શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (13:28 IST)

હિકા વાવાઝોડું : અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું તોફાન ગુજરાતને અસર કરશે?

અરબ સાગરમાં ડીપ ડિપ્રેશનને કારણે ચક્રવાતી વાવાઝોડું સર્જાયું છે, જેને 'હિકા' નામ આપવામાં આવ્યું છે.
સોમવારની રાત્રે 11.30 સુધી હિકા તોફાન વેરાવળથી 490 કિલોમિટર દૂર હતું જે હવે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.
મંગળવારે સવારે 'હિકા' વાવાઝોડું ઓમાનના મસિરાહથી પૂર્વ-દક્ષિણપૂર્વમાં 220 કિલોમિટર દૂર હતું.
જ્યારે ઓમાનના દુક્મથી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 350 કિલોમિટર દૂર હતું.
આ વાવાઝોડું પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે 'હિકા' અંગે સોમવારે આગાહી કરી હતી.
 
ગુજરાતને કેવી રીતે અસર કરશે?
હવમાન વિભાગે તેમના બુલેટિનમાં જણાવ્યું હતું કે 'હિકા' વાવાઝોડું ગુજરાત તરફ આવે એવી કોઈ શક્યતા નથી.
જોકે હવામાન વિભાગે બુલેટિનમાં કહ્યું છે કે તેની અસર ગુજરાતના તટીય પ્રદેશોમાં અને અરબ સાગરમાં વર્તાશે.
વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે.
આ ઉપરાંત 30થી 50 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
 
'હિકા' નામ કેવી રીતે પડ્યું?
અરબ સાગરમાં ઊદ્ભવેલા આ વાવાઝોડાને 'હિકા' નામ આપવામાં આવ્યું છે.
થોડા મહિનાઓ અગાઉ આવેલા વાવાઝોડાને 'વાયુ' નામ આપવામાં આવ્યું હતું.
2014માં આવેલા વાવાઝોડાને 'હુદુદ', 2017માં આવેલા વાવાઝોડાને 'ઓખી' અને 2018માં આવેલાં બે વાવાઝોડાંને 'તિતલી' અને 'ગાજા' નામ આપવામાં આવ્યાં હતાં.
દરેક ટ્રૉપિકલ સાયક્લોન જ્યાંથી ઉદ્ભવે છે, તે વિશ્વની તમામ જગ્યાઓ માટે વાવાઝોડાંનાં વારાફરતી નામ બદલાતાં રહે તેની એક યાદી તૈયાર કરાઈ હોય છે.
આ રીતે બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી પેદા થતાં વાવાઝોડાંનાં નામ માટે 2004માં આઠ દેશોનું એક ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રૂપને WMO/ESCAP નામથી ઓળખવામાં આવે છે.
દરેક દેશ 8 નામ આપે છે એટલે કુલ 64 નામ થાય છે. જેમને એક 8×8 કૉલમના ટેબલમાં ગોઠવવામાં આવે છે.
જે બાદ આ ટેબલ અનુસાર વારાફરતી નામ પાડવામાં આવે છે.
આ વાવાઝોડાનું નામ 'હિકા' માલદીવ દ્વારા સૂચવવામાં આવ્યું હતું અને હવે પછીના વાવાઝોડાનું નામ 'ક્યાર્બ' હશે જે મ્યાનમાર દ્વારા સૂચવવામાં આવ્યું છે.
 
સિગ્નલો કેવી રીતે કામ કરે છે?
સિગ્નલ નંબર સિગ્નલ નંબરનો અર્થ
સિગ્નલ નંબર 1 દૂરના વિસ્તારમાં ક્યાંક વાવાઝોડું સર્જાઈ રહ્યું છે અને પવન 60 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. આ સિગ્નલનો અર્થ પવનની ચેતવણી છે.
સિગ્નલ નંબર 2 દૂર દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને પવનની ગતિ 60થી 90 કિલોમિટર પ્રતિ કલાક રહેશે. આ સિગ્નલ દરિયામાં જઈ રહેલાં વહાણો માટે મહત્ત્વનું છે.
સિગ્નલ નંબર 3 દૂર દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને તે બંદરને અસર કરી શકે છે. પવનની ગતિ 60થી 90 કિલોમિટર પ્રતિ કલાક રહેશે.
સિગ્નલ નંબર 4 સ્થાનિક વૉર્નિંગ - દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને તે બંદરને અસર કરી શકે છે. આ સિગ્નલ બંદર પર લાંગરેલાં વહાણો માટે ભયજનક સ્થિતિ દર્શાવે છે. સિગ્નલ 3 અને 4 સૂચિત કરે છે કે ખરાબ હવામાનના કારણે બંદરની સ્થિતિ ભયજનક છે.
સિગ્નલ નંબર 5 ભયનો સંકેત છે. વાવાઝોડાને કારણે કારણે બંદરનું હવામાન ખરાબ થઈ ગયું છે. વાવાઝોડું બંદરની ડાબી બાજુથી પસાર થઈ શકે છે.
સિગ્નલ નંબર 6 ભયનો સંકેત છે. વાવાઝોડાને કારણે કારણે બંદરનું હવામાન ખરાબ થઈ ગયું છે. વાવાઝોડું બંદરની ડાબી બાજુથી પસાર થઈ શકે છે.
સિગ્નલ નંબર 7 ભયનો સંકેત છે. આનો અર્થ છે કે ચક્રવાત બંદરની નજીકથી અથવા તો બંદર પરથી પસાર થશે.
સિગ્નલ નંબર 8 ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું ભયંકર કે અતિ ભયંકર છે અને તે બંદરની જમણી બાજુથી પસાર થશે. હવા 90થી 120 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે રહેશે.
સિગ્નલ નંબર 9 ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું ભયંકર કે અતિ ભયંકર છે અને તે બંદરની ડાબી બાજુથી પસાર થશે. હવા 90થી 120 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે રહેશે.
સિગ્નલ નંબર 10 ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું અતિ ભયંકર છે અને તે બંદર પરથી અથવા પાસેથી પસાર થશે. પવનની ગતિ 200 કિલોમિટર પ્રતિ કલાક કે તેથી વધારે રહેશે. આ સુપર સાયક્લૉનની ચેતવણી છે.
સિગ્નલ નંબર 11 વાવાઝોડાને પગલે આ બંદરનું તમામ કૉમ્યુનિકેશન પડી ભાંગ્યું છે. આ બંદરની વ્યવસ્થા પડી ભાંગી છે. બંદર ખતરામાં છે.
દરિયામાં જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે ચેતવણી આપવા માટે પૉર્ટ સ્ટ્રોમ વૉર્નિંગ સિગ્નલોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
કેટલાક દેશો સિગ્નલ દર્શાવવા માટે ફ્લેગનો ઉપયોગ કરતા હોય છે. ભારત દિવસ અને રાત માટે અલગ-અલગ સંકેતોનો ઉપયોગ કરે છે.
દિવસના સંકેતો માટે સિલિન્ડર જેવા આકારની વસ્તુ અને શંકુનો ઉપયોગ થાય છે. જ્યારે રાત્રિના સંકેતો માટે લાલ અને સફેદ લાઇટનો ઉપયોગ કરાય છે.
ભારતમાં 1 નંબરથી લઈને 11 નંબર સુધીનાં સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે.