શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 22 સપ્ટેમ્બર 2019 (10:39 IST)

ગલીબૉયે ઑસ્કાર ઍવૉર્ડ ઍન્ટ્રીની રેસમાં આ ફિલ્મોને છોડી પાછળ

2020માં યોજાનારા 92મા ઑસ્કાર ઍવૉર્ડમાં વિદેશી ભાષાની કૅટેગરીમાં ભારત તરફથી સત્તાવાર ઍન્ટ્રી તરીકે ફિલ્મ ગલીબૉયની પસંદગી થઈ છે.
આલિયા ભટ્ટ અને રણવીર સિંહ અભિનીત આ ફિલ્મ 'ગલીબૉય'ની સ્પર્ધા ઑસ્કારની બેસ્ટ ફૉરેન લૅન્ગવેજ ફિલ્મ કૅટેગરીમાં અન્ય ફિલ્મો સાથે થશે.
મુંબઈના સ્ટ્રીટ રૅપરની કહાણી કહેતી આ ફિલ્મ ઝોયા અખ્તરે ડિરેક્ટ કરેલી છે જે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ હતી.
આલિયા ભટ્ટ અને રણવીર સિંહ આ ફિલ્મ થકી પહેલી વાર એકસાથે જોવાં મળ્યાં હતાં.
'ગલીબૉય' ફિલ્મ ઇન્ડિયન રૅપર ડિવાઇન અને નેઈઝીના વાસ્તિવક જીવન પર આધારિત છે.
રણવીર સિંહ અને આલિયા ભટ્ટ ઉપરાંત તેમાં કલ્કિ કૉચલિન, સિદ્ધાંત ચતુર્વેદી, વિજય વર્મા, અમૃતા સુભાષ અને વિજય રાઝ પણ હતાં.
ફિલ્મની સ્ક્રિપ્ટ ઝોયા અખ્તર, રીમા કાગતી, વસુંધરા કોશે અને વિજય મોર્યે લખી છે.
ખૂબ જ પ્રચલિત બનેલું ફિલ્મનું સંગીત ઇશ્ક બૅક્ટર, કર્ષ કાલે અને જસલીન રૉયલે આપ્યું છે અને ફિલ્મની સિનેમૅટોગ્રાફી જય ઓઝાએ કરી છે.
 
આ ફિલ્મમાં રણવીર સિંહ મુરાદ નામનું પાત્ર ભજવે છે જે મુંબઈની ધારાવીમાં રહે છે. તે એક રૅપર તરીકે સંઘર્ષ કરે છે. આલિયા ભટ્ટ 'મુરાદ'ની ગર્લફ્રેન્ડના રોલમાં હતાં.
આ અન્ડરડૉગ મ્યુઝિકલ ફિલ્મને ઝોયા અખ્તરના જ પ્રોડક્શન હાઉસે પ્રોડ્યૂસ કરી છે.
બોક્સઑફિસ ઉપર ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો તો વિવેચકોએ પણ આ ફિલ્મને વખાણી હતી.
 
કઈ ફિલ્મોને છોડી પાછળ?
ઑસ્કાર ઍવૉર્ડ માટે ફિલ્મની પસંદગી માટેની જ્યૂરીનાં વડાં અપર્ણા સેન હતાં.
ભારત તરફથી દર વર્ષે ઑસ્કાર ઍવૉર્ડમાં મોકલવાની ફિલ્મની પસંદગી ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે.
ફેડરેશને 'ગલીબૉય' ફિલ્મની પસંદગીનો નિર્ણય સર્વસંમતિથી લીધો છે.
 
'ગલીબૉય' સાથે સ્પર્ધામાં 'બધાઈ હો', 'આર્ટિકલ 15', 'અંધાધૂંધ', 'બદલા' સહિત 28 ફિલ્મો હતી. નેશનલ ઍવૉર્ડ વિનર ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો' ઉપરાંત અન્ય એક ગુજરાતી ફિલ્મ 'ચાલ જીવી લઈએ' પણ સ્પર્ધામાં હતી.
જોકે, આ બધી ફિલ્મોને પાછળ છોડી ગલીબૉય ઑસ્કારની રેસમાં આગળ નીકળી છે.