ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , સોમવાર, 2 સપ્ટેમ્બર 2024 (14:58 IST)

ગુજરાત માથે વાવાઝોડાની મોટી ઘાત - ઓડિશાના ડિપ્રેશનની અસર ગુજરાતમાં દેખાશે, જાણો ક્યાં અપાયુ ઓરેન્જ અને યલો એલર્ટ

cyclone
ગુજરાતમાં ચાર દિવસના વિરામ બાદ ફરીવાર વરસાદ શરૂ થયો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 91 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગના વઘઈમાં 6.5, તાપીના સોનગઢમાં 6, વાંસદામાં 5.5 અને ડોલવણ તથા ઉચ્છલમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલીના જાફરાબાદના દરિયા કિનારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે. જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું, માછીમારોને દરિયો નહીં ખેડવા તંત્ર દ્વારા સૂચના અપાઇ છે.આગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
 
ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન સર્જાયું
ગુજરાતમાં વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે.ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન સર્જાયું હતું જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત નજીક પહોંચ્યું છે. જેને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ તો પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સિઝનનો કુલ 111.18 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 179.21, સૌરાષ્ટ્રમાં 124.96, દક્ષિણ ગુજરાતમાં 111.58, મધ્ય ગુજરાતમાં 105.09 અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 88.35 ટકા વરસાદ નોંધાયો છે. 
 
ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગ દ્વારા વહેલી સવારની આગાહી અનુસાર રાજ્યના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદી માહોલ સાથે હળવો વરસાદ થઈ શકે છે.