શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 એપ્રિલ 2023 (12:20 IST)

Gujarat Weather - આગામી ચાર દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. એપ્રિલ માસમાં માવઠાના કારણે ગરમી અને ભેજમાં વધારો થયો છે. ત્યારે રાજ્યમાં તાપમાન 39-40 ડિગ્રી રહેવાની શક્યતા છે. તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા નહિવત છે. બપોરના સમયે કાળઝાળ ગરમી તો સાંજે વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે. તો બીજીબાજુ આગામી ચાર દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ગઇકાલે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40.4 ડિગ્રી નોંધાતા બપોરના સમયે કાળઝાળ ગરમીનો વર્તારો રહ્યો હતો, પરંતુ સાંજના સમયે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળાડિબાંગ વાદળો ઘેરાવાની સાથે પવન ફૂંકાતા સાંજના સુમારે ઠંડક પ્રસરી હતી.

આગાહી મુજબ આજ રોજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ સહિતના શહેરોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે 28 એપ્રિલે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદને પગલે ફરી એક વખત મોટા પાયે પાકને નુકસાન થઇ શકે છે. જેના કારણે ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી છે.