શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 એપ્રિલ 2020 (11:10 IST)

એક વર્ષ સુધી તમામ ધારાસભ્યોના માસિક પગારના ૩૦ ટકા કોરોના ફંડમાં વપરાશે

ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની MLA ગ્રાન્ટ પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વપરાશે
 
કોરોનાની મહામારી સામે લડવાના ખર્ચના સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. બુધવારે મળેલી રાજય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સ કેબિનેટ બેઠકમાં આ નિર્ણયને અનુમોદન આપવામાં આવ્યું હતું. 
 
અશ્વિનીકુમારે રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણય અંગે પ્રચાર માધ્યમો સમક્ષ જણાવ્યું કે, રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ  સ્વીકારીને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે.તેમણે કહ્યું કે, વિજય રૂપાણીએ આ ઉપરાંત રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની એમ.એલ.એ.લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે તેમ જાહેર કર્યું છે.
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે દેશના સાંસદોના પગારમાં 30 ટકા  કાપ બે વર્ષ સુધી કરીને તે રકમ કોરોના સામે થનાર ખર્ચમાં અને એમ.પી.લેડ ફંડની રકમ પણ બે વર્ષ માટે કોરોના સામે લડવાના ફંડમાં આપવાનો જે નિર્ણય કર્યો છે તેનું સમર્થન કરતા ગુજરાત સરકારે પણ  આ નિણર્ય કર્યા છે. મુખ્યમંત્રીના સચિવે રાજ્યમાં લોકડાઉનના પંદરમા દિવસે જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠાની ઉપલબ્ધિની વિગતો પણ આપી હતી. 
 
તેમણે આ અંગે જણાવ્યું કે, બુધવારે રાજ્યમાં ૪૬.૩૬ લાખ દૂધનું વિતરણ થયું છે તેમજ ૭૮ર૯૩ કવીન્ટલ શાકભાજી તથા ૧પ,૦પ૦ કવીન્ટલ ફળોનો આવરો થયો છે. 
આ શાકભાજી-ફળોમાં ર૧,૯૬૦ કવીન્ટલ બટાકા, ૧૪,૧૮૦ કવીન્ટલ ડુંગળી, ૬૯૬૬ કવીન્ટલ ટામેટા અને ૩પ,૧૮૬ કવીન્ટલ અન્ય લીલા શાકભાજીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ૧પ કવીન્ટલ સફરજન, ૧૧૩૩ કવીન્ટલ કેળાં તથા ૧૩૪૦૧ કવીન્ટલ અન્ય ફળફળાદિ પ ઉપલબ્ધ છે. રાજ્યમાં નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય અને જરૂરતમંદ વ્યકિતઓને અત્યાર સુધીમાં ૬પ લાખ ૩પ હજાર ફૂડપેકેટસ વિતરણ કરવામાં આવ્યા છે તેની પણ માહિતી આપી હતી.