શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By રેહાન ફઝલ|
Last Modified: શનિવાર, 2 મે 2020 (10:52 IST)

એ મહામારી જેના લીધે ભારતમાં અગ્નિદાહ માટે લાકડાં ખૂટી પડ્યાં હતાં

1918માં હિંદીના ખ્યાતનામ કવિ સૂર્યકાંત ત્રિપાઠી નિરાલા 22 વર્ષના હશે.
 
તેમણે પોતાની આત્મકથા 'કુલ્લી ભાટ'માં લખ્યું છે :
 
"હું દાલમઉમાં ગંગા કિનારે ઊભો હતો. જ્યાં સુધી નજર પહોંચતી હતી, ત્યાં ગંગાના પાણીમાં માણસના મૃતદેહો તરતા દેખાતા હતા. મારા સાસરેથી સમાચાર આવ્યા કે મારી પત્ની મનોહરા દેવીનું અવસાન થયું છે. મારા ભાઈનો સૌથી મોટા દીકરો જે 15 વર્ષનો હતો એ અને મારી એક વર્ષની દીકરી પણ મૃત્યુ પામી હતી. મારા પરિવારના બીજા અનેક લોકો પણ હંમેશાં માટે જઈ રહ્યા હતા. લોકોનાં અગ્નિસંસ્કાર માટે લાકડાં ખૂટી પડયાં હતાં. આંખના એક પલકારામાં મારો પરિવાર આંખ સામેથી ગાયબ થઈ ગયો હતો. મારી પોતાની ચારે બાજુ અંધકાર જ અંધકાર જોવા મળી રહ્યો હતો. અખબારોથી ખબર પડતી હતી કે આ બધા એક મોટી મહામારીનો શિકાર થયા હતા."
 
મહાત્મા ગાંધી અને પ્રેમચંદને પણ સ્પેનિશ ફ્લૂનો ચેપ લાગ્યો
 
નિરાલાનો પરિવાર જ નહીં, ભારતને આઝાદી અપાવનારા મહાત્મા ગાંધી પણ લાખો લોકોની જેમ આ જીવલેણ બીમારી સ્પેનિશ ફ્લૂનો શિકાર બન્યા હતા.
 
ગાંધીજીનાં પૂત્રવધુ ગુલાબ અને પૌત્ર શાંતિનું મૃત્યુ પણ આ બીમારીથી થયું હતું.
 
જો ગાંધી આ બીમારીથી સાજા ન થયા હોત તો કદાચ ભારતની આઝાદીની લડાઈનો ઇતિહાસ બીજી રીતે જ લખાયો હોત.
 
આ મહામારીના કારણે અંદાજે એક કરોડ 80 લાખ ભારતીયોનાં મૃત્યુ થયાં હતાં. એમ પણ કહેવામાં આવે છે કે જાણીતા લેખક નવલકથાકાર પ્રેમચંદ પણ આ બીમારીનો ભોગ બન્યા હતા.
 
ઇતિહાસમાં આની એટલી ચર્ચા થતી નથી પરંતુ આ મહામારીના કારણે જ બ્રિટિશ સરકારની સામે લોકોનો રોષ આસમાને પહોંચ્યો હતો.
આ બીમારીની શરૂઆત 29 મે, 1918માં થઈ હતી જ્યારે પહેલું વિશ્વયુદ્ધ લડીને પરત ફરી રહેલા ભારતીય સૈનિકોનું વહાણ બૉમ્બે બંદર પર આવ્યું અને અંદાજે 48 કલાક સુધી રોકાયું હતું.
 
મેડિકલ ઇતિહાસકાર અને 'રાઇડિંગ ધ ટાઇગર' પુસ્તકના લેખક અમિત કપૂર લખે છે, "10 જૂન, 1918એ પોલીસના સાત સિપાહીઓ જે બંદર પર તહેનાત હતા, શરદી અને તાવની ફરિયાદ બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે ભારતમાં સંક્રમિત બીમારી સ્પેનિશ ફ્લૂનો પહેલો કેસ હતો. ત્યાં સુધી આ બીમારી આખી દુનિયામાં ફેલાઈ ગઈ હતી."
 
એક અંદાજ પ્રમાણે આ બીમારીના કારણે આખી દુનિયામાં 10 થી 20 કરોડ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જૉન બૅરી પોતાના પુસ્તક 'ધ ગ્રૅટ ઇન્ફ્લૂએન્ઝા - ધ ઍપિક સ્ટોરી ઑફ ધ ડૅડલિએસ્ટ પૅન્ડેમિક ઇન હિસ્ટ્રી'માં લખે છે, "સાડા દસ કરોડની વસતિવાળા અમેરિકામાં આ બીમારીથી અંદાજે 6 લાખ 75 હજાર લોકોના મૃત્યુ થયા હતા."
 
"1918માં આ બીમારીથી આખી દુનિયામાં એટલાં બધા લોકો માર્યા ગયા હતા કે જેટલાં પહેલાં કોઈ બીમારીથી મૃત્યુ નહોતા પામ્યા. 13મી સદીમાં ફેલાયેલાં બ્યૂબોનિક પ્લેગમાં 25 ટકા વસતી ખતમ થઈ ગઈ હતી પરંતુ ત્યારે પણ 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લૂથી મૃત્યુ પામનારની સંખ્યા તેના કરતાં પણ વધારે હતી."
 
દર્દનાક મૃત્યુ
 
જૉન બૅરી આગળ લખે છે, "1918ની મહામારીમાં 24 અઠવાડિયાંમાં જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા, તેટલાં લોકો એઇડ્સથી 24 વર્ષમાં પણ મૃત્યુ નહીં પામ્યાં હોય. આ બીમારીમાં સૌથી વધારે અસર દરદીના ફેફસાં પર પડતી હતી. તેમને અસહ્ય ખાસી થઈ જાય અને નાક અને ક્યારેકક્યારેક કાન અને મોંમાથી લોહી પણ વહેવા લાગે. આખા શરીરમાં એટલો દુખાવો થતો કે લાગતું તમામ હાડકાં ભાંગી જશે. દરદીની ચામડીનો રંગ વાદળી, પછી જાંબલી અને છેવટે કાળો થતો હતો."
 
"અમેરિકાના ફિલાડેલ્ફિયામાં એવી સ્થિતિ હતી કે પાદરી ઘોડા પર સવાર થઈને ઘરેઘરે જતા હતા અને લોકોને કહેતા હતા કે પોતાના ઘરના દરવાજા ખોલીને અંદર રાખેલાં મડદાં તેમને સોંપી દે. એ લોકો એ પ્રકારે બૂમ પાડતા કે જાણે ભંગારવાળા ઘરેઘરે જઈને બૂમ પાડતા હોય."
 
'શરૂઆતમાં જ્યારે તે બીમારી ફેલાઈ તો દુનિયાની સરકારોએ આને છુપાવી કે આનાથી મોરચા પર લડી રહેલા સૈનિકોનું મનોબળ નબળું ન પડે. સૌથી પહેલાં સ્પેને આ બીમારીના અસ્તિત્વનો સ્વીકાર કર્યો. એટલા માટે સ્પેનિશ ફ્લૂનું નામ અપાયું.'
 
રેલવે દ્વારા ફેલાયો આખા ભારતમાં
 
બૉમ્બેમાં આ બીમારી ફેલાઈ અને ભારતીય રેલવે આને ભારતનાં બીજાં શહેરોમાં લઈ ગઈ. 1920ના અંત સુધીમાં તો આખી દુનિયામાં આ બીમારીથી પાંચથી દસ કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. બંને વિશ્વ યુદ્ધમાં થયેલાં કુલ મૃત્યુ કરતાં પણ વધારે.
 
ભારતમાં સૌથી વધારે અંદાજે એક કરોડ 80 લાખ લોકો એટલે એ સમયની વસતીના 6 ટકા. કાશ્મીરના પહાડોથી લઈને બંગાળનાં ગામો સુધી કોઈ પણ આ બીમારીથી બચ્યું નહોતું.
 
જૉન બેરી પોતાના પુસ્તકમાં આ બીમારીના ફેલાવાનું વર્ણન કરતાં લખે છે, "ભારતમાં લોકો ટ્રેનોમાં સારી રીતે મુસાફરી શરૂ કરતા. જ્યાં સુધી તેઓ પોતાના સ્થાને પહોંચતા ત્યાં સુધીમાં તેઓ મૃત્યુ પામતા અથવા તો મૃત્યુની કગાર પર પહોંચી જતા હતા. બૉમ્બેમાં એક દિવસ 6 ઑક્ટોબર, 1918એ 768 લોકોનાં મૃત્યુ થયાં. દિલ્હીની એક હૉસ્પિચલમાં ઍન્ફ્લૂએન્ઝાનાં 13190 દરદી દાખલ થયાં હતાં"
 
મહિલાઓ પર સૌથી વધારે અસર
 
1918માં ફ્લૂના કારણે માસ્ક પહેરીને બેસેલાં મહિલાં
બ્રિટનમાં જ્યાં આ બીમારીના કારણે મૃત્યુદર 4.4 પ્રતિ હજાર હતો. ભારતમાં તે દર 20.6 પ્રતિ હજાર હતો. ભારતમાં હાલત એટલે પણ ખરાબ હતી કારણ કે ભારતમાં આ સમયે ભયંકર દુષ્કાળ પડ્યો હતો.
 
ભૂખથી શરીરની આરોગ્ય ક્ષમતા ઓછી થઈ જાય છે, એટલા માટે આ ફ્લૂ ભારતવાસીઓ માટે વધારે ઘાતક સાબિત થયો હતો. એક બીજી ધ્યાન આપવાની બાબત એ હતી કે દેશમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ આ બીમારીનો વધારે ભોગ બની હતી.
 
કદાચ આનું કારણ એ હશે કે મહિલાઓને ભારતીય સમાજમાં પુરુષોની સરખામણીએ ઓછું ખાવાનું મળતુ હતુ. બીજું, મહિલાઓ જ બીમારોની ચાકરી કરી રહી હોવાથી, તે બીમારીની ઝપેટમાં જલદી આવી જતી.
 
શૂન્યથી પણ નીચે વિકાસદર
 
ભારતનાં 120 વર્ષના આર્થિક ઇતિહાસમાં 1918નું વર્ષ સૌથી ખરાબ હતું. ભારતનો વિકાસદર શૂન્યથી નીચે 10.8 ટકા હતો અને ફુગાવાએ જુના તમામ રેકર્ડ તોડી નાખ્યા હતા.
 
આ બીમારીએ ભારતીય અર્થવ્યવસ્થાને બંગાળના દુષ્કાળ અને વિશ્વ યુદ્ધ કરતાં પણ વધારે અસર કરી હતી. ભારતના ઇતિહાસમાં માત્ર એક વખત એવું બન્યું કે (1911-1921) દેશની જનંખ્યા ગત દસ વર્ષની સરખામણીએ ઘણી ઓછી થઈ હતી.
 
એ કહેવું કદાચ ખોટું નહીં હોય કે આમાં મોટી ભૂમિકા સ્પેનિશ ફ્લૂની હતી. માર્ચ 1920 આવતાં-આવતાં આ બીમારી પર નિયંત્રણ મેળવી લેવામા આવ્યુ હતું